Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

રાજકોટ રૂરલ પોલીસની રીડર બ્રાંચના કર્મચારીનું મવડી હેડક્‍વાર્ટરમાં દસમા માળેથી પટકાતાં મોત

જેતપુરથી થોડા સમય પહેલા જ રાજકોટ બદલી થઇ હતીઃ માધાપર ચોકડીએ રહેતા એલ.આર. ભાર્ગવભાઇ બોરીસાગર બાઇક લઇ હેડક્‍વાર્ટર આવ્‍યાઃ લોક કરી બિલ્‍ડીંગમાં ગયા બાદ બનાવ બન્‍યોઃ તાલુકા પીઆઇ ડી.એમ. હરીપરા, પીએસઆઇ ડીંડોલ અને સ્‍ટાફે કારણ જાણવા તપાસ આદરીઃ પાંચેક મહિના પહેલા જ લગ્ન થયા હતાં: કારણ અકળઃ પરિવારજનો અને પોલીસબેડામાં શોક

જ્‍યાં બનાવ બન્‍યો તે મવડી હેડક્‍વાર્ટરનું બિલ્‍ડીંગ, ઘટના સ્‍થળે નિષ્‍પ્રાણ દેહ, કાર્યવાહી કરી રહેલ તાલુકા પોલીસની ટીમ, તેમજ ઘટના સ્‍થળે મૃતક ભાર્ગવભાઇના પરિવારજનો, પીએસઆઇ બી. વી. બોરીસાગર સહિતના અને ઇન્‍સેટમાં ભાર્ગવભાઇનો ફાઇલ ફોટો જોઇ શકાય છે  (ફોટોઃ સંદિપ બગથરીયા)

 રાજકોટ તા. ૨૪: રાજકોટ રૂરલ પોલીસમાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારી યુવાનનું મવડી પોલીસ હેડક્‍વાર્ટરના દસમા માળેથી પટકાતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્‍યું હતું. આ પોલીસ કર્મચારી યુવાને આત્‍મહત્‍યા કરી લીધાની પ્રાથમિક વિગતોને આધારે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી. અગાઉ જેતપુર પોલીસમાં ફરજ બજાવતાં આ કર્મચારીની થોડા સમય પહેલા જ રાજકોટ ખાતે બદલી થતાં રીડર બ્રાંચમાં ફરજ બજાવતાં હતાં.

જાણવા મળ્‍યા મુજબ મવડી રૂરલ પોલીસ હેડક્‍વાર્ટર ખાતે બપોરે એક યુવાન દસમા માળેથી પટકાતાં ઘટના સ્‍થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્‍યું હતું. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી. એમ. હરીપરા, પીએસઆઇ ડીંડોલ, કાનજીભાઇ સહિતનો સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી ગયો હતો. તપાસ થતાં મૃત્‍યુ પામનાર યુવાનનું નામ ભાર્ગવભાઇ કમલેશભાઇ બોરીસાગર (ઉ.વ.૨૩) હોવાનું અને તે માધાપર ચોકડી પાસે રહેતાં હોવાનું તેમજ  રાજકોટ રૂરલ પોલીસની રીડર બ્રાંચમાં ફરજ બજાવતાં હોવાનું ખુલતાં તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ મૃત્‍યુ પામનાર ભાર્ગવભાઇ બોરીસાગરના કાકા પીએસઆઇ બી. વી. બોરીસાગર રાજકોટ શહેર એલસીબી ઝોન-૧માં ફરજ બજાવે છે. બનાવની જાણ થતાં તેઓ પણ તત્‍કાળ ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતાં. યુવાન અને આશાસ્‍પદ દિકરાના મૃત્‍યુથી બોરીસાગર પરિવારના લોકો, સાથી પોલીસ કર્મચારીઓ અને રૂરલ પોલીસ બેડામાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

વધુ માહિતી મુજબ ભાર્ગવભાઇ એલ.આર. તરીકે ફરજ બજાવતાં હતાં. થોડા સમય પહેલા જ તેની જેતપુરથી રાજકોટ રૂરલ પોલીસમાં બદલી થયા બાદ રીડર બ્રાંચમાં મુકાયા હતાં. કરૂણતા એ છે કે પાંચ મહિના પહેલા જ ભાર્ગવભાઇના લગ્ન થયા હતાં. બપોરે તે બાઇક લઇને મવડી હેડક્‍વાર્ટર ખાતે પહોંચેલ અને બાઇક પાર્ક કરી સીધા દસ માળના બિલ્‍ડીંગ તરફ ગયા હતાં. થોડી વાર બાદ તે નીચે પટકાયા હતાં. ઘટના આત્‍મહત્‍યાની હોવાની પ્રાથમિક વિગતો સામે આવતાં તાલુકા પોલીસે વધુ તપાસ યથાવત રાખી હતી. પંચનામુ કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડવા તજવીજ કરી તપાસ યથાવત રાખી હતી.  મૃત્‍યુ પામનાર ભાર્ગવભાઇ પોલીસમાં ૨૦૧૯માં ભરતી થયા હતાં. જુનાગઢમાં હથીયારી લોકરક્ષક તરીકે નોકરીની શરૂઆત કરી હતી. બાદમાં જેતપુર અને હાલ રાજકોટ રૂરલ એસપી કચેરીની રીડર શાખામાં બદલી થઇ હતી. હાલમાં તેની કામગીરી સ્‍પેશિયલ બ્રાંચમાં ચુંટણીને લગતી હતી.  માતા-પિતા સહિતના પરિવારનો જેતપુર રહે છે. મૃત્‍યુ પામનાર ભાર્ગવભાઇ એક ભાઇમાં મોટા હતાં. તેમના પિતા મહાદેવ ઘુઘરા નામે જેતપુરમાં દૂકાન ચલાવે છે.

(3:18 pm IST)