Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

લોકશાહીનું પવિત્ર પર્વ : મતદાર જનજાગૃતિ અભિયાનમાં જોડાતા નવનાથ ગવ્‍હાણે

ડી.ડી.ઓ.એ વિસ્‍તારોમાં ફરી મતદાનનું મહત્‍વ સમજાવ્‍યું

રાજકોટ તા. ૨૪ : લોકશાહીના પર્વ એવા લોકસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૪માં રાજકોટ જિલ્લાના મતદારો મતદાનની પવિત્ર ફરજ બજાવે અને અન્‍યોને પણ મતદાન કરવા પ્રેરણા આપે તે માટે સ્‍વીપ દ્વારા વિવિધ કાર્યક્રમો તેમજ જનતા જનાર્દન સાથે બેઠકો યોજીને મતદાન અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ત્‍યારે જિલ્લા વિકાસ અધિકારી શ્રી નવનાથ ગવ્‍હાણેએ ૭૧-રાજકોટ ગ્રામ્‍ય  વિધાનસભા વિસ્‍તારની સોસાયટીઓની મુલાકાત લઈ લોકોને મતદાન વિષે સમજૂત કરી, લોકોને મતદાનના શપથ લેવડાવ્‍યા હતા.

લોકજાગૃતિની આ ઝુંબેશ અંતર્ગત ૬૮ રાજકોટ પુર્વ વી.મ.વીમાં જિલ્લા પુરવઠા અધિકારી, તથા મામલદારશ્રી રાજકોટ પુર્વના માર્ગદર્શનમા  મતદાર જાગૃતિ ૧૫ દિવસ સઘન ઝુંબેશ અંતર્ગત વોર્ડ નં.૦૪ આસ્‍થા વેન્‍ટિલા વિસ્‍તાર, વોર્ડ નં.૧૫ રામનગર વિસ્‍તાર, વોર્ડ નં.૦૩ શાશ્વત પાર્ક રેલનગર વિસ્‍તાર અને વોર્ડ નં.૧૬ ન્‍યૂ સાગર સોસાયટી વિસ્‍તારમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્‍યા હતા.

આ કાર્યક્રમમાં તમામને મતદાન કરવા પ્રોત્‍સાહિત કરી, ચૂંટણીમાં અચૂક મતદાન કરવા અને કરાવવા માટે અનુરોધ કરવામાં આવ્‍યો હતો. લોકોએ પણ લોકશાહીના પર્વમાં ભાગ લેવા પ્રતિબધ્‍ધતા દર્શાવી હતી, તેમ અધિક કલેકટર તથા નોડલ ઓફિસર, સ્‍વીપ જિજ્ઞાસાબેન ગઢવી જણાવે છે.

(12:09 pm IST)