Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

રાજકોટમાં બાર અને બેંચ વચ્‍ચેના વિવાદમાં આંદોલનનોઅંતઃ વિવાદી પરિપત્ર પાછો ખેંચાયોઃ જનરલ બોર્ડમાં ઠરાવ

વકીલ હડતાલ દરમ્‍યાન કેટલાંક વકીલોએ કામગીરી કરતાં બારની કારોબારી તપાસ કરશેઃ વિવિધ બારનો આભાર માનતું રાજકોટ બાર એસો.

રાજકોટ તા. ર૪: રાજકોટ બાર એશોસીએશનની આ સાધારણ જનરલ સભા તારીખ ર૧/૩/ર૦ર૩ ની હડતાલના તથા તારીખ ૧૮/૩/ર૦ર૩ ની કારોબારી કમીટીની મીટીંગમાં નકકી થયા પ્રમાણે મળેલ જેમાં એવું ઠરાવવામાં આવે છે કે, ગત તારીખ ર૧/૩/ર૦ર૩ ની હડતાલના જે પ્રશ્‍ન સંદર્ભનું એલાન આપવામાં આવેલ તે પ્રશ્‍નનું સુખદ નીરાકરણ લાવવા માટે બાર અને બેન્‍ચ દ્વારા લોક અદાલત અભીગમને લક્ષમાં રાખી સુમેળ ભર્યું ઉકેલ લાવવામાં આવેલ છે. ર૦ર૧નો જે પરીપત્ર હતો કે જેના કારણે પ્રશ્‍ન ઉપસ્‍થિત થયેલ તે પરીપત્ર બોડીના તમામ સભ્‍યોની હાજરીમાં રદ કરવાનું જણાવવામાં આવેલ છે અને આજરોજ તે પરીપત્ર રદ કરતો હુકમ પણ કરી નાખવામાં આવેલ છે. જેની આ સાધારણ સભા સાનુકુળ અભીગમ માટે સરાહના કરે છે તેથી તારીખ ૧૮/૩/ર૦ર૩ના ઠરાવ અનુસંધાને આગળના પગલા ભરવાનું મુલત્‍વી રાખવામાં આવે છે.

વિશેષમાં વકીલોએ ખુબ સારી એવી એકતા દર્શાવી સંપુર્ણ અલીપ્‍ત રહેવાના ઠરાવનો ખુબ સારી રીતે અમલ કરવામાં સહાયભુત થયેલ તે સૌનો આભાર માનવામાં આવે છે. સાથોસાથ આ સભા ઠરાવે છે કે બાર એશોસીએશનના સખ્‍ત હડતાલના ઠરાવ છતાં કેટલાક વકીલોએ પ્રત્‍યક્ષ કે પરોક્ષ રીતે કોર્ટ કાર્યવાહીમાં ભાગ લીધો છે અથવા તો તેના સંદર્ભમાં કાર્યવાહી કરેલ છે. તે અંગે જે વકીલોના નામ આવેલ છે તે સહીતના બીજા જે કોઇ વકીલો હોય તેની તપાસ કરી તેઓના સામે સખત પગલા લેવા કારોબારી સમીતીને સત્તા આપવામાં આવે છે અને આ સભા આવા વકીલોના કૃત્‍યને સખ્‍ત શબ્‍દોમાં વખોડી કાઢે છે.

વકીલો અને અસીલોના પ્રશ્‍નોને વાચા આપવા માટે અન્‍ય તાલુકાના પ્રતીનિધિ મંડળ તેમજ રાજકોટની અદાલતના સંકુલમાં કાર્યરત વકીલોની અલગ અલગ સંસ્‍થાઓ અને એશોસીએશનના હોદેદારોએ આ બાર એશોસીએશનના ઠરાવને ટેકો આપી હડતાલને સફળ બનાવેલ છે તે તમામ રાજકોટ તથા રાજકોટ જીલ્લાના અન્‍ય બાર એશોસીએશનનો આભાર માને છે.

રાજકોટ બાર એશોસીએશનના હડતાલના ઠરાવ ને તથા તે ઠરાવના અનુસંધાને રાજકોટ તથા બહારના વર્તમાન પત્રોએ પ્રીન્‍ટ મીડીયા તથા ડીઝીટલ મીડીયાના માધ્‍યમથી જે બહોળી પ્રસિધ્‍ધી આપેલ છે તે માટે આ સભા પત્રકાર મિત્રોનો આભાર માનવાનું ઠરાવવામાં આવે છે. તેમ પ્રમુખ લલીતસિંહ શાહી અને સેક્રેટરી દિલીપભાઇ જોષીએ જણાવ્‍યું હતું.

(3:44 pm IST)