Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

સ્‍કોર્પિર્યોમાં વાગતું ટેપ બંધ કરવાનું કહેતાં મારામારીઃ પાંચને મુંઢ ઇજા

સાધુ વાસવાણી રોડ પર યોગીનગરમાં રાતે દોઢ વાગ્‍યે ધબધબાટી : ભાવેશભાઇ પરમાર અને હિરેનભાઇ પરમારની સામ-સામી ફરિયાદ

રાજકોટ તા. ૨૪: સાધુ વાસવાણી રોડ પર યોગીનગરમાં મોડી રાતે દોઢ વાગ્‍યે સ્‍કોર્પિયો ગાડીમાં ટેપ વાગતું હોઇ અહિ રહેતાં ધીરજસિંહ પરમારે ટેપ બંધ કરવાનું કહેતાં ચાલક સહિતનાએ ઝઘડો કરતાં ધીરજસિંહના બે પુત્રો સમજાવવા જતાં તેના પર હુમલો કરાયો હતો. સામા પક્ષે પણ ત્રણેયને મારામારીમાં મુંઢ ઇજા થતાં પોલીસે સામ સામે ફરિયાદ નોંધી હતી.

આ બનાવમાં પોલીસે સાધુ વાસવાણી રોડ પર યોગીનગર-૧ બ્‍લોક નં. ૨૯માં રહેતાં અને એન્‍જિનીયરીંગ પાર્ટસનું કારખાનુ ચલાવતાં ભાવેશભાઇ ધીરજસિંહ પરમાર (ઉ.વ.૪૧)ની ફરિયાદ પરથી હિરેન પરમાર, અંકિત અશ્વિનભાઇ ડઢાણીયા અને અશોક મશરીભાઇ મોઢવાણીયા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો.

ભાવેશભાઇએ જણાવ્‍યું હતું કે રાતે દોઢેક વાગ્‍યે હું તથા મારી બાજુમાં જ રહેતાં મારા ભાઇ સંજયભાઇ ઘરે હતાં ત્‍યારે સામે રહેતાં અંકિત ડઢાણીયા તથા તેના બનેવી હિરેન અને તેના મિત્ર અશોક અમારી શેરીમાં ઘર આગળ ઉભા હોઇ અને સ્‍કોર્પિયો ગાડીમાં ટેપ વગાડતાં હોઇ  જેથી મારા પિતાજી ધીરજસિંહે તેમને ટેપ વગાડવાની ના પાડતાં ત્રણેય જોર જોરથી રાડો પાડવા લાગ્‍યા હતાં. આથી મેં મારી ગેલેરીમાંથી તેને રાડો પાડવાની ના પાડતાં ત્રણેયએ મને નીચે બોલાવતાં હું તથા મારો ભાઇ સંજયભાઇ ત્‍યાં જતાં ત્રણેયએ ઉશ્‍કેરાઇ જઇ ઝપાઝપી કરી ગાળો દઇ ઢીકાપાટુનો માર મારવાનું ચાલુ કરી દેતાં મને શરીરે, કાન પર અને મારા ભાઇને શરીરે મુંઢ ઇજાઓ થઇ હતી.

બાદમાં અમે પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં ફોનક રતાં ગાડી આવી હતી. મને ઇજા થઇ હોઇ સારવાર લેવી પડી હતી. હિરેને મારી નાખવાની ધમકી પણ આપી હતી.

સામા પક્ષે ભગતસિંહજી ગાર્ડન નજીક ગુ.હા. બોર્ડ ક્‍વાર્ટર બ્‍લોક નં. ૭૨૭માં રહેતાં હિરેનભાઇ ભુપતભાઇ પરમાર (ઉ.વ.૩૩) પણ સારવાર માટે દાખલ થતાં પોલીસે તેની ફરિયાદ પરથી ભાવેશભાઇ ધીરજસિંહ પરમાર અને સંજયભાઇ ધીરજસિંહ પરમાર વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો. હિરેનભાઇ આકાશવાણી ચોકમાં સંતકૃપા નામની ચાની હોટેલ ચલાવે છે. તેણે જણાવ્‍યું હતું કે હું રાતે દોઢેક વાગ્‍યે હું તથા મારો મિત્ર અશોક અને અંકિતભાઇ ડઢાણીયા જે યોગીનગર-૧માં રહેતાં હોઇ તેને મુકવા જવાનું હોઇ મારી સ્‍કોર્પિયો લઇને યોગીનગરમાં તેને મુકવા ગયો હતો. આ વખતે મારી ગાડીમાં ટેપ વાગતું હોઇ અંકિતના ઘરની સામે રહેતાં ભાઇએ ટેપ ધીમુ વગાડવાનું કહી તુકારો દેતાં તેને આ રીતે બોલવાની ના પાડતાં તેણે અને તેના ભાઇએ આવી મને તથા મારા મિત્ર અંકિત અને અશોકને લાકડી ઢીકાપાટુનો માર મારતાં મુંઢ ઇજા થઇ હતી. આ બંનેના નામ ભાવેશભાઇ અને સંજયભાઇ હોવાનું અંકિતે કહ્યું હતું. હેડકોન્‍સ. વી.એચ. બાલસે બંને ફરિયાદ નોંધી હતી.

(5:19 pm IST)