Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

છાપરા-ઓટલા તોડ ઝૂંબેશ બુધવારે જ શા માટે?: કોંગ્રેસ

તગડો પગાર લેતા અધિકારીઓને જે કામ રોજ કરવાનું હોય છે તેના માટે એકજ દિવસની કામગીરી!!: ગેરકાયદે ઇમારતોનો ખડકલો અને નાના વેપારીઓનાં છાપરાનો કડૂસલોઃ તંત્ર એક ને 'ખોળ' બીજાને 'ગોળ' ની નીતિ બંધ કરેઃ વસરામ સાગઠીયાનું નિવેદન

રાજકોટ, તા. ર૪ :  મહાનગરપાલિકા વિરોધપક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાએ એક નિવેદનનાં આક્ષેપો કરતાં જણાવ્યું છે કે તંત્રએ એકાએક ભરઉંઘમાંથી જાગીને હવે દર બુધવારે છાપરા-ઓટલા તોડ ઝુંબેશ શરૂ કરી છે. શહેરના ૪૮ રાજમાર્ગો પર ટાઉન પ્લાનીંગ શાખા, બાંધકામ શાખા, દબાણ હટાવ વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, આરોગ્ય ફૂટ શાખા અને સુરક્ષા શાખા દ્વારા કમિશ્નરના આદેશથી આજે ફરી વળી આવકાર દાયક છે. પરંતુ એકને ગોળ અને બીજાને ખોળની નીતીની ઉગ્ર આલોચના કરીએ છીએ.

કારણ કે સુચિત સોસાયટીઓમાં મુખ્ય રસ્તાઓ ઉપર પણ ગગનચુંબી ઇમારતો ખડકાઇ જાય છે કોમર્શીયલ ગેરકાયદેસર થોકબંધ બાંધકામો લેખીત રજુઆતો બાદ પણ જમીન દોસ્ત કરાતાં નથી અને સામાન્ય વેપારીઓ રસ્તા પર ''ઝીરો'' લેવલનું પાર્કિંગ હોય અને નડતરરૂપ ન હોય તેવા છાપરાઓ તોડવા કેટલા અંશે વ્યાજીબી છે ? નાના વેપારીઓ રેકડી ચાલકો સામે સિંહ પુરવાર થતી મનવા માલેતુજાર લોકોના ગેરકાયદેસર બાંધકામોમાં કેમ બકરી બની જાય છે ? અને ઝુબેશ ફકત બુધવારે જ શા માટે ? અધિકારીઓ પગાર પુરા મહિનાનો લેતા હોય તો કામ પણ બુધવાર ને બદલે રોજ કહ્વું જોઇએ.

નિવેદનનાં અંતે શ્રી સાગઠીયાએ આક્ષેપ  કરતાં જણાવેલ છે કે હોકર્સ ઝોન એ શોભાના ગાંઠીયા બની ગયા છે. પદાધિકારીઓની સુચનાથી અધિકારીઓ કામ કરે છે અને ટ્રાફીક પોલીસ અને એસ્ટેટ શાખાના આંખ મીચામણાંથી શહેરભરમાં ટ્રાફીક સમસ્યા વકરી રહી છે. શહેરભરમાં એક પણ ફુટપાથ બાકી નથી જયાં દબાણોના હોય એટલું જ નહિં. હોકર્સ ઝોન જાણે કે રસ્તા પર હોય તે રીતે પાર્કીંગ થાય છે શહેરને 'સ્માર્ટ સીટી' બને તેમાં  કોંગ્રેસનો હંમેશા સાથ અને સહકાર રહેશે પરંતુ અધિકારીઓની જવાબદારી ફીકસ ન હોય હાલક ચલાણું ખો આપવાની નીતિથી 'સ્માર્ટ સીટી' પ્રોજેકટનું સૂરસૂરીયું થઇ ગયું છે.

સીમ્મીબેન જાદવ

આ ઉપરાંત વોર્ડ નં. ૪ નાં કોર્પોરેટર સિમ્મીબેન અનિલભાઇ જાદવે પણ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ વિસ્તારનાં મોરબી રોડ, અમૃત પાર્ક, વગેરે વિસ્તારોમાં સુચિત જગ્યામાં બેફામપણે ગેરકાયદે બાંધકામો ચૂંટણીનો લાભ લઇને ખડકી દેવાયા છે. તંત્ર ફકત નોટીસ આપી સંતોષમાની લ્યે છે અને જનરલ બોર્ડમાં પુછેલા પ્રશ્નોનો પણ ખોટો જવાબ અપાતા હોવાનો સિમ્મીબેને આક્ષેપ કર્યો છે.

(4:23 pm IST)