Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

'ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ' માં હવે વેપારીઓ પણ જોડાવા લાગ્યાઃ ખરીદી પર વળતર યોજના

રાજકોટ નાગરિક બેંક તેનાં કર્મચારીઓને સાયકલ માટે વ્યાજ મુકત લોન આપે છે

રાજકોટ તા. ર૩ :..  શહેરને સાયકલ ફ્રેન્ડલી બનાવવા અને નાગરિકોને સાયકલનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદેશથી સ્માર્ટ સીટીઝ મિશન દ્વારા ઇન્ડિયા સાયકલ ફોર ચેન્જ  ચેલેન્જની શરૂઆત કરવામાં આવેલ છે. આ ચેલેન્જમાં રાજકોટ સહીત  ૯૫ શહેરોએ ભાગ લીધેલ છે. શહેરમાં સાયકલિંગને પ્રોત્સાહન મળે, પ્રદુષણમાં દ્યટાડો થાય તેમજ ટ્રાફિકની સમસ્યા હળવી બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા વિવિધ પગલાઓ લઇ રહ્યું છે, જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ/કર્મચારીઓ હવેથી દર શુક્રવારે ઓફિસે આવવા-જવા માટે પોતાના ટુ વ્હીકલ કે ફોર વ્હીકલનો ઉપયોગ ન કરાતા સાયકલ, ચાલીને કે માસ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે તે અંગે મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે અપીલ કરેલ હતી જે અંતર્ગત દર શુક્રવારે મનપાના અધિકારીઓ/કર્મચારીઓ દ્યરેથી ઓફીસ સુધી સાયકલિંગ કે ચાલીને અથવા માસ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને આવશે. જેમાં આજે પણ મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ, નાયબ મ્યુનિ. કમિશનરશ્રી બી.જી.પ્રજાપતિ, શ્રી એ.આર.સિંઘ અને શ્રી સી.કે.નંદાણી સહિતના અધિકારીઓ/કર્મચારીઓ સ્વેચ્છાએ દ્યરેથી ઓફીસ સુધી સાયકલ અથવા તો ચાલીને ઓફીસ આવ્યા હતા. સાથોસાથ શહેરમાંથી પણ અન્ય સંસ્થાઓ દ્વારા બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. જેમ કે રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા પોતાના કર્મચારીઓ માટે નવી પહેલ શરૂ કરી છે. જો કોઇ રાજકોટ નાગરિક સહકરી બેંકના કર્મચારી માટે સાયકલ ખરીદી માટે વ્યાજ મુકત લોન આપવાનું જાહેર કર્યું છે.

મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને મ્યુનિ. કમિશનરશ્રીએ અપીલ કરી હતી કે, સપ્યાહમાં એક દિવસ શુક્રવારે દ્યરેથી ઓફીસ આવવા – જવા માટે પોતાના વાહનોને બદલે સાયકલ અથવા પૈદલ કે સિટી બસનો ઉપયોગ કરીએ. કર્મચારીઓને અપીલ કરાતાની સાથે મ્યુનિ, કમિશનરશ્રી શરૂઆત પોતાનાથી જ કરેલ હતી. આજે સવારે ૧૦ૅં૩૦ વાગ્યે પોતાના નિવાસસ્થાનેથી સેન્ટ્રલ ઝોન ઓફીસ સુધી સાયકલિંગ કરીને આવ્યા બાદ પોતાની કામગીરીની શરૂઆત કરી હતી.

શહેરમાં જો કોઇ નવી સાયકલ ખરીદી કરે તો તેમને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂપિયા ૧,૦૦૦/- સબસીડી આપવામાં આવે છે તેમજ રૈયા ટેલિફોન એક્ષ્ચેન્જ પાસે આવેલ ઉદાસી કૃપા એન્ટરપ્રાઇઝ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓ માટે સાયકલ ખરીદી પર સવિશેષ વળતર આપવાનું જાહેર કરેલ છે.

(4:02 pm IST)