Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

મગફળી ઝીણીના ૧ર૧૦ રૂ.ના વિક્રમજનક ભાવે સોદા પડયા! સૌરાષ્ટ્રમાં અઢી લાખ ગુણીની આવક

ટેકાના ભાવ કરતા ઓપન બજારમાં વધારે ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ : મગફળીમાં મણે ર૦ થી પ૦ નો ઉછાળોઃ ચીનની ખરીદીના પગલે ભાવો વધ્યા

રાજકોટ તા. ર૩ :.. ચાલુ વર્ષે મગફળીના બમ્પર ઉત્પાદન વચ્ચે આજે મગફળી ઝીણીના ૧ર૦૦ રૂ.ના વિક્રમજનક ભાવે સોદા પડતા અને રાજય સરકારના ટેકાના ભાવ કરતા ઓપન બજારમાં ખેડૂતોને વધારે ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે.

રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે મગફળીની ૪પ૦૦૦ ગુણી અને સૌરાષ્ટ્રના વિવિધ માર્કેટ યાર્ડોમાં આજે કુલ અઢી લાખ ગુણીની તોતીંગ આવકો થઇ હતી. મગફળીની પુષ્કળ  આવકો વચ્ચે માલ ડીલીવરીમાં મગફળી ઝીણી એક મણના ૧ર૦૦ થી ૧ર૧૦ રૂ.ના વિક્રમજનક ભાવે સોદા પડયા હતાં. મીલોમાં ડાયરેકટ મગફળીના જથ્થો મોકલાઇ તેને માલ ડીલીવરી કહે છે. વેપારી સુત્રોના જણાવ્યા મુજબ મગફળી ઝીણીના ૧ર૦૦ રૂ.ના ભાવ ઘણા વર્ષે જોવા મળ્યા છે. સાત વર્ષ પુર્વે ખેડૂતોને મગફળીના ભાવ ૧૪૦૦ થી ૧પ૦૦ રૂ. મળ્યા હતાં.

રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે બેસ્ટ કવોલીટી મગફળીના ભાવ ૧૦પ૦ થી ૧૧૦૦ રૂ.ના ભાવે સોદા પડયા હતાં. છેલ્લા ચાર - પાંચ દિવસમાં મગફળીની પુષ્કળ આવકો સાથે મગફળીના ભાવોમાં સતત વધારો થયો છે મગફળીમાં એક મણે ર૦ થી પ૦ રૂ.નો ભાવ વધારો થયોછે. ચીનના ખરીદીના પગલે મગફળીના ભાવમાં વધારો થયાનું વેપારી સુત્રોએ જણાવ્યું હતું.

ચાલુ વર્ષે રાજય સરકારે મગફળી એક મણના ટેકાના ભાવ ૧૦પપ રૂ. જાહેર કર્યા છે. ટેકાના ભાવે ખરીદીમાં પેમેન્ટ મોડુ મળતુ હોય અનેક ખેડૂતો ઓછા ભાવ મળે તો પણ ઓપન માર્કેટમાં મગફળી વેચી દયે છે. જો કે, ઓપન માર્કેટમાં મગફળીના ટેકાના ભાવ કરતા વધારે ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે.

(3:15 pm IST)