Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

રાજકોટઃ પરિવારના મોભી કોમામાં જતા આર્થિક સંકડામણમાં આવેલા પરિવારના બાળકોની જવાબદારી સુરતી વેપારી વિરલભાઈ જાનીએ ઉઠાવી

ચાર-ચાર મહિનાથી પ્રોફેસરની સારવાર ચાલી રહી હોવાને કારણે પરિવાર આર્થિક રીતે પડી ભાંગ્યો

રાજકોટ: કોરોના કાળમાં અનેક પરિવારો આર્થિક રીતે તો ભાંગી જ પડ્યા છે, પણ પરિવારઓની લાગણીઓ પણ વેર-વિખેર થઈ ગઈ છે. અનેક પરિવારે પોતાના સ્વજનો કોરોનામાં ગુમાવ્યા છે. જેમને તેઓ આજે પણ યાદ કરીને આંસું સારી રહ્યા છે. આજે રક્ષાબંધન,ભાઈ-બહેનનનો તહેવાર છે, ત્યારે આજે અનેક ભાઈઓના કાંડા સુના પડશે તો ક્યાક બહેન પોતાની વીરાને રાખડી નહીં બાંધી.

દેશભરમાં આજે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરમાં ભાઈ-બહેનનાં આ પવિત્ર તહેવારની સાવ અનોખી ઉજવણી થયાનું સામે આવ્યું છે. જેમાં એક યુવક વિરલભાઈ જાનીએ કોમામાં રહેલા એક પ્રોફેસરની પત્નીને સુતરનાં તાંતણે બહેન બનાવી છે. અને આ જ નાતે પોતાની ભાણેજ બનેલી પ્રોફેસરની પુત્રીનાં ભણતર માટે આર્થિક સહાય આપીને ચૂપચાપ ત્યાંથી જતા રહ્યા હતા. તેમના દ્વારા મળેલી રક્ષાબંધનની આ ભેંટને લઈ પ્રોફેસરની પત્નીની આંખોમાં ખુશીના આસું છલકાઈ ગયા હતાં.

રાજકોટનાં કોઠારિયા વિસ્તારમાં રહેતા 31 વર્ષીય પ્રોફેસર રાકેશ વઘાસિયાને એપ્રિલ માસમાં કોરોના થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમને વેન્ટિલેટર પર ખસેડવાની ફરજ પડી હતી. અને બાદમાં પ્રોફેસર કોમામાં ચાલ્યા ગયા હતા. પત્ની નમ્રતા પ્રેગ્નેટ હોવાથી પતિ કોમામાં હોવાની જાણ નહોતી કરાઈ. જોકે લગ્નની વર્ષગાંઠ આવતાં પત્ની પતિ પાસે ગઈ હતી. આ તકે પતિને કોમામાં જોતાં આક્રંદ મચાવ્યો હતો. દરમિયાન તેણીએ પુત્રને જન્મ આપ્યો, પરંતુ જન્મદાતા પિતાને આજે પણ ખબર નથી કે તેના ઘરે પુત્ર રમી રહ્યો છે.

ચાર-ચાર મહિનાથી પ્રોફેસરની સારવાર ચાલી રહી હોવાને કારણે પરિવાર આર્થિક રીતે પડી ભાંગ્યો છે. અને એક સમયે અન્યની મદદ કરવા સક્ષમ પરિવાર આજે પોતાને કોઈ સહાય મળે તેની રાહ જોઈ રહ્યો છે. જોકે સ્વાભિમાન પૂર્વક જિંદગી જીવેલા પ્રોફેસરની પત્ની અને માતા કોઈ પાસે હાથ પણ લાંબો કરી શકતા નથી. ત્યારે આ વાતની જાણ થતાં વિરલભાઈ જાની ત્યાં પહોંચ્યા હતા. અને પ્રોફેસરનાં પત્ની નમ્રતાબેનને સુતરનાં તાંતણે પોતાની બહેન બનાવી પ્રોફેસરની પુત્રી માટે આર્થિક સહાય આપી હતી. સાથે જ જરૂર પડ્યે આ ભાઈ કોઈપણ મદદ કરવા માટે પોતે તૈયાર હોવાનો સધિયારો નમ્રતાબેનને આપ્યો હતો. જેને લઈને તેમની આંખો ભીની થઇ ગઇ હતી.

(5:22 pm IST)