Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

વિજય પ્લોટમાં ૧.૧૦ કરોડનાં ખર્ચે નવું આરોગ્ય કેન્દ્ર બનશે

આવતીકાલે સ્ટેન્ડીંગ કમિટી : ર૧ દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય : શેરી નં. ૧રનું હયાત આરોગ્ય કેન્દ્રનું બિલ્ડીંગ તોડી તેજ સ્થળે નવું અદ્યતન બિલ્ડીંગ બનશે : વોર્ડ નં.રમાં ૪૪ લાખનાં ખર્ચે નવી વોર્ડ ઓફીસ બનશે : એઇમ્સને જોડતાં રોડ પર બ્રીજ બનાવાશે : વોર્ડ નં. ૧૬-૧૮માં ભૂગર્ભ ગટર ફરીયાદ નિકાલના કોન્ટ્રકટમાં પ% નીચા ભાવ આવ્યા

રાજકોટ, તા. ર૪ : આવતીકાલે મ.ન.પા.ની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળનાર છે. જેમાં વિજયપ્લોટમાં નવું આરોગ્ય કેન્દ્ર બનાવવા સહિત ૧૧ જેટલી મહત્વની દરખાસ્તો અંતે નિર્ણયો લેવાનાર છે.

આ અંગે ચેરમેન પુષ્કરભાઇ પટેલની સુચનાથી એજન્ડામાં દરખાસ્તો મુજબ શહેરનાં વોર્ડ નં. ૭ માં વિજય પ્લોટ શેરી નં. ૧ર માં આવેલ. વર્ષોના આરોગ્ય કેન્દ્રને તોડી પાડી તેજ સ્થળે નવુ અદ્યતન આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે સ્કુલ એસ્ટીમેટના ૧૯.૯૩ ટકા નીચા ભાવે એટલે કે ૧.૧૦ કરોડનો કોન્ટ્રાકટ આપવા દરખાસ્ત છે.

તેવી જ રીતે વોર્ડ નં. રમાં ગીતગુર્જરી મેઇન રોડ પર જૈન દેરાસરની બાજુમાં આવેલ હયાત વોર્ડ ઓફિસની બાજુમાં ખુલ્લી જગ્યામાં ૪૪ લાખનાં ખર્ચે નવી સુવિધા યુકત વોર્ડ ઓફિસ બનાવવા દરખાસ્ત છે.

જયારે વોર્ડ નં.૩માં શાંતિનગર-૩ પાસેથી પસાર થતા ૩૦ મીટરનાં એઇમ્સ હોસ્પિટલને જોડતા ડી.પી. રોડ ઉપર માઇનોર બ્રીજ બનાવવા દરખાસ્ત છે.

આ ઉપરાંત મ.ન.પા.ના ઇતિહાસમાં બહુ ઓછી બનતી ઘટના મુજબ ઘણા વખતે ભૂ઼ગર્ભ ગટર ફરીયાદ નિકાલનો કોન્ટ્રાકટ નીચા ભાવે ગયો છે.

દરખાસ્ત મુજબ વોર્ડ નં. ૧૬ અને ૧૮ના હુડકો ભૂગર્ભ ફરીયાદ કેન્દ્રના નિકાલનો ૧૯.૮૦ લાખનો કોન્ટ્રાકટ આયાન કન્સ્ટ્રકશનને પ ટકા ઓછા ભાવે આપવા દરખાસ્ત છે. નોંધનિય છે કે ભૂગર્ભ ફરીયાદ નિકાલ કોન્ટ્રાકટ હંમેશા એસ્ટીમેન્ટથી ઉંચા ભાવેજ મંજુર કરવા પડે છે ત્યારે આ કિસ્સામં નીચા ભાવ આવતા તંત્રને ફાયદો થયેલ છે.

(4:29 pm IST)