Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

ઓમ કોલેજને સ્થળ ફેરફારમાં ભાજપનો જ સ્પષ્ટ નનૈયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલનાયક અને એક યુવા રાજકારણીની આર્થિક હિત ધરાવતી ઉપલાકાંઠાની : ૭ સીન્ડીકેટ સભ્યોએ કહ્યુ કે કુલપતિ - કુલનાયકે ધંધાદારી શિક્ષણમાં ભાગીદારી ન કરાય... જયારે 'પવનચક્કી' જેવા સીન્ડીકેટ સભ્યોએ સલાહ આપી તો બે બળુકા વગદાર જવાબદાર સીન્ડીકેટ સભ્યોએ મૌન વ્રત ધારણ કર્યુ

રાજકોટ, તા. ૨૩ : જયારે કોઈ સર્વોચ્ચ સત્તાધીશ ધંધાદારી દૃષ્ટિકોણથી કાર્ય કરે તો તેનો પ્રથમ લક્ષ્યાંક નફો જ હોય. ધંધામાં નફો અનિવાર્ય ગણાય છે, પરંતુ ભાવિ પેઢીનું ઘડતર કરનાર શિક્ષણ ક્ષેત્રે જો કોઈ ઉચ્ચ સત્તાધીશ ધંધાદારી શાળા - કોલેજમાં જ ભાગીદારી કરે તો તેનું શિક્ષણ અને સમગ્ર શૈક્ષણિક વ્યવસ્થા ઉપર ખતરનાક અસર પડે. આવુ જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આકાર પામી રહ્યુ છે.

જાણવા મળતી વિગતો મુજબ ૨૫ તારીખે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સીન્ડીકેટની બેઠક મળનાર છે. જેમાં રાજકોટના એક યુવા રાજકારણી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલનાયકના આર્થિક હિતવાળી ગણાતી ઓમ કોલેજને ૩ સરદારનગર વેસ્ટથી શ્રી રણછોડદાસ બાપુ આશ્રમની પાસે કુવાડવા રોડ ખાતે સ્થળ ફેરફારની વિવાદાસ્પદ દરખાસ્ત સીન્ડીકેટમાં મળનાર છે. આ દરખાસ્ત સામે નૈતિકતાના ધોરણે ભાજપના અને કોંગ્રેસના સીન્ડીકેટ સભ્ય અને પૂર્વ કુલપતિ અને કુલનાયકે સખત શબ્દોમાં નનૈયો ભણી દીધો છે.

કુલનાયક અને એક યુવાન રાજકારણી હાલ ઓન પેપર નહિં હોવાનું જાણવા મળે છે, પરંતુ યુનિવર્સિટી અને ભાજપના જાણકાર સૂત્રો તેમનું આર્થિક હિત હોવાનું ચર્ચા થઈ રહી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ કે કુલનાયક ધંધાદારી ખાનગી કોલેજમાં ભાગીદારી કરી શકે કે નહિં ? આ મુદ્દે તમામ સીન્ડીકેટ સભ્યોનો અભિપ્રાય મેળવતા ૭ ભાજપના અને ૧ કોંગ્રેસના સીન્ડીકેટ સભ્યએ તો ધંધાદારી ખાનગી કોલેજોમાં કુલપતિ કે કુલનાયકે ભાગીદારી ન જ કરવી જોઈએ તેવો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો.

જયારે ખાનગી કોલેજો કરવા મથતા અને લાયકાત નહિં પરંતુ ચાપલુસી કરીને સીન્ડીકેટ સભ્ય બનેલા પવનચક્કી સમાન સીન્ડીકેટ સભ્યોએ અભિપ્રાયને બદલે સલાહ આપી અને વિવાદમાં ન નાખવા વાત કરી હતી. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટાભાગના નિર્ણયોમાં ધાર્યુ કરાવનાર બે બળુકા વગદાર સીન્ડીકેટ સભ્યોએ તો રીતસર શ્રાવણ મહિનામાં જેમ મૌન વ્રત હોય તેમ મૌન ધારણ કરીને ધંધાદારી કોલેજોમાં ભાગીદારી કરવા છુટોદોર આપ્યો હોવાનું મૂકસમર્થન આપ્યાનું તારણ નીકળે છે.

(4:28 pm IST)