Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે ધંધાદારી કોલેજ ખરીદ - વેચાણ સંઘ શરૂ થશે?

રાજકોટ, તા. ૨૩ : બી ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મોટાભાગના સીન્ડીકેટ અને એકેડેમીક કાઉન્સીલના સભ્યોની માલિકી હક્ક ધરાવતી ધંધાદારી ખાનગી કોલેજો બેરોકટોક ધમધમે છે. સીન્ડીકેટ અને એકેડેમીક કાઉન્સીલના સભ્ય બાદ હવે  કુલપતિ અને કુલનાયક પણ ખાનગી કોલેજો શરૂ કરવા ભારે ધમપછાડા કરી રહ્યા છે.

વિદ્યાર્થી કલ્યાણ અને શિક્ષણને ગૌરવવંતુ બનાવવાની મોટી મોટી વાતો કરતા શિક્ષણકારો - સીન્ડીકેટ સભ્યો અને એકેડેમીક કાઉન્સીલના સભ્યોની ખાનગી કોલેજોમાં વિદ્યાર્થીઓ બિચારો બની ગયો છે. ધંધાદારી શિક્ષણકારો સામે રજૂઆત પણ યુનિવર્સિટીમાં થઈ શકતી નથી. પરિણામે વિદ્યાર્થીઓ ફી અને અન્ય બાબતે લૂંટાઈ રહ્યા છે.

અધૂરામાં પૂરૂ હોય તેમ હવે યુનિવર્સિટીના ઉચ્ચ સત્તાધીશો ખાનગી કોલેજો શરૂ કરવા ભાગીદારી કરી રહ્યા છે. અગાઉના સત્તાધીશોએ પણ ભાગીદારી જ છે, પરંતુ સત્તાના સ્થાને હોય ત્યારે નહિં.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હજુ બારેક જેટલી ખાનગી ધંધાદારી કોલેજોનું વેચાણ થનાર હોવાનું જાણવા મળે છે. આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે જ ધંધાદારી ખાનગી કોલેજોનું ખરીદ - વેચાણ સંઘ શરૂ થાય તો નવાઈ નહિં?

(4:27 pm IST)