Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

'અમૂલ'ને જામનગર રોડની જગ્યા મોંઘી લાગી : દૂધના પાવડર પ્લાન્ટ માટે ગઢકામાં જમીનની માંગણી

ફેડરેશનની બેઠકમાં નવી જગ્યાની પસંદગી અંગે ચર્ચા : પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીને મળશે

રાજકોટ,તા. ૨૩ : ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (અમૂલ) દ્વારા સૌરાષ્ટ્ર કક્ષાનો પ્લાન્ટ સ્થાપવા માટે જામનગર પાસેની જગ્યાની સરકાર પાસે માંગણી કરવામાં આવેલ. જિલ્લા કલેકટર તંત્રએ ૧૦૦ એકર જગ્યાના રૂ. ૩૦૦ કરોડ કરતા વધુ રકમ આકારતા અમૂલના સંચાલકોએ જગ્યાની પસંદગી બાબતે ફેર વિચારણા કરી છે. આજે ફેડરેશનની બેઠક ગાંધીનગરમાં મળેલ જેમાં જામનગર રોડની જગ્યાના વિકલ્પે ત્રંબા (કસ્તુરબાધામ) નજીકના ગઢકા પાસે ૧૦૦ એકર જગ્યાની માંગણી કરવાનું નક્કી થયાનું જણવા મળે છે.

અમૂલ દ્વારા દૂધનો પાવડર પ્લાન્ટ સ્થાપવા માટે ૩૦ એકટર જેટલી જગ્યાની જરૂરિયાત છે. ભવિષ્યની જરૂરિયાતની શકયતા ધ્યાને રાખીને જામનગર રોડ વિસ્તારમાં ટોકન ભાવે  ૧૦૦ એકર જગ્યા માંગવામાં આવેલ. તેના સરકાર આકારેલ ૩૦૦ કરોડથી વધુ રકમ આપવાનું ફેડરેશનથી અનુકુળ નથી તેથી હાલની માંગણી પડતર રાખી નવેસરની નવી જગ્યા માટે માંગણી કરવાનું નક્કી થયું છે.

અમૂલના ચેરમેન શામળભાઇ પટેલ એમ.ડી.શ્રી આર.એસ. સોઢી વગેરેએ થોડા દિવસ પહેલા ભાવનગર રોડથી કુવાડવા રોડને જોડતા ગઢકા મુલાકાત લીધેલ. ત્યાં સરકાર હસ્તકની જગ્યા (૧૦૦ એકર) ટોકન ભાવે અથવા જંત્રી ભાવે સરકાર પાસે માંગવા આજે બોર્ડ બેઠકમાં ચર્ચા થશે. આ અંગે આગેવાનોમુખ્યમંત્રીને પણ મળનાર છે. 

(4:22 pm IST)