Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

વાજડી ગઢમાં ટી.પી. સ્કીમ ૭૭નો ઇરાદોઃ બીજા રીંગ રોડ પર ૬૦ કરોડનો બ્રિજ

ગુરૂવારે 'રૂડા'ની બોર્ડ બેઠકઃ નવા વિકાસ કામોને અપાશે બહાલી : માલીયાસણ ગામે ૪૧ લાખનાં ખર્ચે નવો પાણીનો ટાંકો અને એમ.આઇ.જી. આવાસનાં ફલેટ વગર ડ્રોએ વહેલા તે પહેલાના ધોરણે ફાળવવા સહીતની દરખાસ્તોનો લેવાશે નિર્ણય

રાજકોટ, તા., ૨૩: આગામી ગુરૂવારના મળનાર રાજકોટ શહેર વિકાસ સતામંડળની ૧૬૪ મી બેઠકમાં વાજડી ગઢમાં ટી.પી. સ્કીમ ૭૭નો ઇરાદો જાહેર કરવા, એમઆઇજી પ્રકારના આવાસોને વહેલા તે પહેલાના ધોરણે ફાળવણી કરવા સહીતના નવા વિકાસ કામોને બહાલી આપવામાં આવશે.

આ અંગે રૂડા તંત્રની સતાવાર યાદીમાં જણાવાયું છે કે  શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તા.૨૬ ના રોજ બપોરે ૪ કલાકે ૧૬૪મી બોર્ડ બેઠકનું ચેરમેનશ્રી અમિત અરોરાની અધ્યક્ષતામાં આયોજન થનાર છે. બોર્ડ બેઠકમાં નગર રચના અને  શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ કલમ ૪૧/૧ હેઠળ સુચીત મુસદ્દારૂપ નગરચના યોજના નં.૭૭ વાજડીગઢ (સ્માર્ટસીટી ટી.પી.સ્કીમ.રૈયા.૩૨ની સામેનો વિસ્તાર) બનાવવાનો ઇરાદો જાહેર કરવા નિર્ણય થનાર છે. અન્ય મુદ્દાઓમાં કન્સ્ટ્રકશન ઓફ ૨૪મી ડી.પી. રોડ સંતોષીનગર સુધી મોરબી હાઇવે સુધીની રસ્તાની કામગીરી ની સૈધ્ધાંતિક મંજુરી, રીંગરોડ Ph-૩ પર રૂ.૬૦.૬૮ કરોડના ખર્ચે રેલ્વે ઓવર બ્રીજની કામગીરી, રૂડા હદ વિસ્તારમાં સમાવિષ્ટ થતા મહિકા ગામના OG (માંડાડુંગર સોસાયટી વિસ્તાર) ગંદા પાણીના નિકાલ અર્થે RMC ના પંમ્પીગ સ્ટેશન સુધી પહોંચાડવાની કામગીરી રૂ.૧.૮૭ કરોડના ખર્ચે, રૂડાની હદ વિસ્તારમાં માલીયાસણ ગામે જર્જરીત પાણીની ટેંક તોડી નવી ૩ લાખ લીટર ની ક્ષમતાની ટેંક રૂ.૪૧.૬૬ લાખના ખર્ચે બાંધવા બાબત, MIG પ્રકારના આવાસો પહેલા તે પહેલાના ધોરણે ફાળવવાની દરખાસ્ત, લેન્ડડિસ્પોઝલ કમીટીની તા.૧૮ ઓગસ્ટની મીટીંગની કાર્યવાહી મુજબ રૂડા ટ્રાન્સપોર્ટનગરના ખાલી પ્લોટ હરાજીથી નિકાલ કરવા કાર્યવાહી કરવા વિગેરે બાબતોની ચર્ચા વિચારણા આગામી બોર્ડ બેઠકમાં કરવામાં આવશે.

(4:20 pm IST)