Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

બેકબોન શોપીંગ સેન્ટરમાં કપડાની દુકાનમાં લુંટ કરવાના ગુનામાં આરોપીઓના જામીન મંજુર

રાજકોટ તા. ર૩: અત્રે બેકબોન શોપીંગ સેન્ટરમાં આવેલ કપડાની દુકાનમાં લુંટ કરવાના ગુનામાં પકડાયેલ આરોપીઓના લોઅર કોર્ટ દ્વારા જામીન મંજુર કરવાનો હુકમ કર્યો હતો.

અત્રેના બનાવની વિગત એવી છે આ કામના ફરીયાદી જયેશભાઇ ધીરૂભાઇ ખુંટ એ રાજકોટ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં છરીની અણીએ આરોપીઓ આવીને તેમની બેકબોન શોપીંગ સેન્ટરમાં આવેલ કપડાની દુકાનમાં લુંટ કરીને ભાગી ગયેલા જેમાં માલવીયાનગર પોલીસે આઇ.પી.સી. કલમ-૩૯ર, ૪પર, ૧૧૪ મુજબની ફરીયાદ નોંધી આરોપીઓને પકડેલ જેમાં આરોપી તરીકે હીતેષ બાબુભાઇ ઉર્ફે ધરમનભાઇ ડવ, કરણ ભગવાનજીભાઇ ઉર્ફે જયતાભાઇ બાલાસરા, કિશન રાયધનભાઇ ઉર્ફે દેવદાનભાઇ મૈયડને અટક કરી જેલ હવાલે કરવામાં આવેલ હતાં.

આ કામે આરોપીઓએ જજશ્રી એલ. ડી. વાઘની કોર્ટમાં જામીન અરજી કરવામાં આવેલ તેમાં બચાવ પક્ષે દલીલ કરવામાં આવેલ કે લુંટ જેવા ગંભીર ગુનામાં દોઢ માસ મોડી ફરીયાદ કરેલ છે. તથા આરોપીઓની મામલતદાર સમક્ષ ઓળખ પરેડ કરવામાં આવેલ નથી તેમજ આરોપીઓએ પોલીસ સામે ફરીયાદ કરેલ હોય જે કોર્ટમાં ચાલતી હોય, તેમજ આરોપીઓને આવા બીજા અન્ય ગુનાઓમાં ખોટી રીતે સંડોવી દીધેલ હોય જેવી બચાવ પક્ષોની દલીલ તથા બચાવ પક્ષ દ્વારા રજુ કરવામાં આવેલા ચુકાદાઓ ધ્યાને લઇ બચાવ પક્ષની દલીલો ગ્રાહય રાખી તમામ આરોપીઓને જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરવામાં આવેલ છે.

આ કામમાં આરોપી-હીતેષ બાબુભાઇ ઉર્ફે ધરમનભાઇ ડવ, કરણ ભગવાનભાઇ ઉર્ફે જયતાભાઇ બાલાસરા, કિશન રાયધનભાઇ ઉર્ફે દેવદાનભાઇ મૈયડ વતી રાજકોટના ધારાશાસ્ત્રી સંજયભાઇ એમ. ડાંગર, વિજયભાઇ જે. ધમ્મર, સાગરભાઇ એન. મેતા, રોકાયેલ હતા.

(3:18 pm IST)