Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

ચેક રિટર્નના જુદા જુદા પાંચ કેસોમાં સજા ફરમાવી આરોપી સામે વળતર ચુકવવા હુકમ

છ માસથી માંડીને એક વર્ષની સજા કોર્ટે ફરમાવી

રાજકોટ, તા. ર૩ :  અત્રે જુદા જુદા પાંચ કેસોમાં નેગોશીએબલ કોર્ટે આરોપી હંસાબેન મનહરભાઇ મહેતાને ૬ માસથી માંડી એક વર્ષ સુધીની સજા અને ચેકની રકમ મુજબ વળતર આપવાનો હુકમ કર્યો હતો.

આ કેસની હકિકત એ મુજબ છે કે આ પાંચ કેસના આરોપી હંસાબેન મનહરભાઇ મહેતા કે જેઓ જુનાગઢ મુકામે રહે છે અને રાજકોટમાં રહેતા ફરીયાદી પરીમલ કિશોરભાઇ ત્રિવેદી પાસેથી રૂ. ૧,૦૦,૦૦૦/- મીરાબેન મુકુંદ ભાઇ પાસેથી રૂ. ૩પ,૦૦૦/- તથા જલ્પાબેન વિરલભાઇ પાસેથી રૂ. ૧,૦૦,૦૦૦/- તથા ભાવનાબેન સુરેશભાઇ પાસેથી રૂ. પ૦,૦૦૦/- સુષ્માબેન પાસેથી રૂ. રપ,૦૦૦/- એવું કહીને લીધેલ હતા કે આરોપી પોતે ગૃહ ઉદ્યોગ ચલાવે છે અને મારેપૈસાની જરૂર છે તેમ કહી હાથઉછીની રકમ જુદા જુદા ફરીયાદી પાસેથી જુદી જુદી રકમ લીધેલ અને કહેલ કે મારે ગૃહ ઉદ્યોગમાં સારી ઓળખાણ છે અને તમોને એમા કામ અપાવી દઇશ એવી લાલચ અને પ્રલોભન આપેલ અને પૈસા લીધાની પ્રોમીસરી નોટ પણ લખી આપેલ હતી.

ત્યારબાદ એક વર્ષ જેવો સમય વિતતા ફરીયાદીએ આપેલ વચન ગૃહઉદ્યોગમાં નોકરી અપાવી દઇશ તેવું કાંઇ ન થતા ફરીયાદીએ તેના પૈસા પરત માંગતા આરોપીએ બધા ફરીયાદીને ચેકો આપેલ હતા જે ચેકો બેંકમાં નાખતા પરત ફર્યા હતા અને ત્યારબાદ ફરીયાદીએ તેના વકીલ મારફત ડીમાન્ડ નોટીસ આપી કેસો કોર્ટમાં ચાલતા તેમજ ફરીયાદીના વકીલે જુદી જુદી હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના જજમેન્ટસ રજુ રાખી અને કાયદાકીય દલીલ માન્ય રાખીને આરોપીને ૬ માસથી માંડીને ૧ વર્ષ સુધીની સજા અને ચેક મુજબની રકમનું વળતર આપવાનો હુકમ કરેલ હતો.

ઉપરોકત કેસમાં ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ યોગેશ ઉદાણી, સોનલ ઉદાણી, કિશન વાગડીયા, કિર્તીબેન મુછડીયા અશોક જાદવ રોકાયેલ હતા.

(3:17 pm IST)