Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

જેતપુર લોહાણા સમાજની ર૪ ઓકટોબરે ચૂંટણી યોજાશેઃ ચેરીટી કમિશનર કચેરીનું જાહેરનામુ

ચેરીટી કમિશનરશ્રીના આદેશ મુજબ ચૂંટણી યોજવા ફરમાનઃ ટ્રસ્ટની કારોબારીમાં ૧૧ સભ્યો ચૂંટવાની પ્રક્રિયા શરૂ કરાઇઃ તા.૧૩ સપ્ટેમ્બરે મતદાર યાદી જાહેર થશેઃ વાંધા-સુચનો મંગાવાયા બાદ ઉમેદવારી નોંધાવી શકાશેઃદરેક મતદારો ૧૧ મતો આપી શકશેઃમતગણતરી બાદ પરિણામ જાહેર થશેઃચૂંટણી પ્રક્રિયા દરમયાન કોવિડ-૧૯ના નિયમો પાલન કરવા આદેશ

રાજકોટ તા. ર૩ :.. રાજકોટ ચેરીટી કમિશનરશ્રીના આદેશ અન્વયે જેતપુર લોહાણા સમાજની ચૂંટણી યોજવાનો આદેશ અપાતા આ આદેશ મુજબ આગામી તા. ર૪ ઓકટોબરના રોજ ચૂંટણી યોજવાનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

રાજકોટ ચેરીટી કમિશનરના ચૂંટણી અધિકારી અને રજીસ્ટ્રારશ્રી એ. એચ. ચાવડાએ બહાર પાડેલ જાહેરનામા મુજબ કોવિડ-૧૯ ની ચુસ્ત ગાઇડલાઇન અને નિયમોનું પાલન કરવાના હુકમ સાથે ગત તા. ર૧-૮-ર૧ રોજ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.

આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે તા. ૧૩-૯-ર૧ સુધીમાં પ્રાથમિક મતદાર યાદી જાહેર કરવા જણાવાયું છે. ત્યારબાદ મતદાર યાદી સામેના વાંધા-સુચનો મંગાવાયા બાદ આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે. કુલ ૧૧ ટ્રસ્ટીઓની કારોબારી માટે ચૂંટણી થશે.

જેતપુર લોહાણા સમાજની આ ચૂંટણી તા. ર૪-૧૦-ર૧ નાં રોજ નવાગઢ-રાજકોટ રોડ ઉપર આવેલ જેતપુર-નવાગઢ લોહાણા સમાજની વાડી ખાતે સવારના ૯ થી બપોરના ૪ સુધી યોજાશે જેમાં મતદારો મતદાન કરી શકશે.

જેતપુરમાં વસતા લોહાણા સમાજના મતદારો કે જેઓની ઉંમર ર૧ વર્ષ પુર્ણ થયેલ છે. તેઓ આ ચૂંટણીમાં મતદાન કરી શકશે.

મતદાર યાદીમાં નામો ઉમેરવા માટેના તેમજ ઉમેદવારી માટેના ફોર્મ્સ ચેરીટી કમિશનરની રાજકોટ ખાતેની કચેરીએથી મેળવી લેવાના રહેશે.

આગામી તા. ર૪ ઓકટોબરે યોજાનાર ચૂંટણીના જાહેરનામા મુજબ તા. ૧૩-૯-ર૧ ના મતદાર યાદી જાહેર થશે. તેમજ તા. રર-૯-ર૧ સુધી રજાના દિવસો સિવાયના દિવસે વાંધાઓ સ્વીકારવામાં આવશે. તા. ર૩ સપ્ટેમ્બરે મતદાર યાદી અને વાંધા અરજીઓની ચકાસણી થશે.

તા. ર૪ મીએ આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે. ઉમેદવારો મતદાર યાદીની નકલો મેળવી શકશે. તા. ર૪-૯-ના રોજ ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ છે. પ ઓકટોબરે ફોર્મની ચકાસણી થશે. તા. ૬ ના ઉમેદવારોની યાદી જાહેર થશે. તા. ૧૪ સુધીમાં ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે. તા. ૧૬-૧૦-ર૧ ના રોજ ઉમેદવારોની આખરી યાદી જાહેર થશે. અને ત્યારબાદ ર૪ ઓકટોબરે ચૂંટણી યોજાશે. જેમાં મતદાન પુર્ણ થયા બાદ તુરંત જ મતગણતરી શરૂ કરી દેવામાં આવશે. અને મત ગણતરી પુર્ણ થયા બાદ ચૂંટાયેલા સભ્યોના નામો જાહેર કરવામાં આવશે.

આ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન કોવિડ-૧૯ ના નિયમો મુજબ ફરજીયાત માસ્ક પહેરીને આવવાનું રહેશે. તેમજ સોશ્યલ ડિસ્ટન્સનું પાણી કરવાનું રહેશે.

(3:13 pm IST)