Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

રેશનીંગની ખાંડનો પ્રશ્ન રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સળગ્યો

રાહત દરે અને તહેવારોની વધારાની એમ એક પણ ખાંડ આપી શકાઇ નથી : સસ્તા અનાજના દુકાનદારો સાથે રોજ ઘર્ષણ : રાજકોટના BPL - અંત્યોદય - NFSAના ૩ લાખ કાર્ડ હોલ્ડરોના તહેવારો બગાડતુ પુરવઠા તંત્ર : સાતમ - આઠમ મોળી-ફીકી જવાનો ભય : યુપી - એમપીના કોન્ટ્રાકટરે પૂરતો પુરવઠો ગુજરાતને નહી આપતા દેકારો બોલી ગયો

રાજકોટ તા. ૨૩ : ઓગસ્ટ મહિનાની રેશનીંગની ખાંડનો પ્રશ્ન આખા રાજકોટ શહેર - જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં સળગી ઉઠયો છે.

સાતમ - આઠમના તહેવારો આવી ગયા, એનએફએસએ - બીપીએલ - અંત્યોદય કાર્ડ હોલ્ડરોને પુરવઠા તંત્રે સસ્તા અનાજની દુકાનેથી ઘઉં, ચોખા, કેરોસીન, મીઠુ, ૧ કિલો તુવેરદાળ તથા તહેવારો ઉપર ૧ લીટર કપાસીયા તેલ આ બધુ વિતરણ શરૂ કરી દીધું, કપાસીયા તેલ ૮૦ ટકા અપાઇ ગયું, ઘઉં - ચોખા - તુવેરદાળ - મીઠું - કેરોસીન ૬ દિ'થી વિતરણ થઇ રહ્યું છે, રાજકોટ શહેર - જિલ્લાની દરેક સસ્તા અનાજની દુકાનો ઉપર માલ પહોંચી ગયો, પરંતુ દશેરાએ જ ઘોડુ ન દોડે તેમ દર મહિને રૂ. ૧૫ અને રૂ. ૨૨ લેખે વિતરણ કરવાની થતી રેશનીંગની ખાંડ અને તહેવારો ઉપર ૧ કિલો રાહતદરે આપવાની થતી ખાંડ આ બંને પ્રકારની ખાંડ રાજકોટ - સૌરાષ્ટ્રભરમાં પુરવઠા નિગમોના ગોડાઉનોમાં પહોંચી ન હોય, આ ખાંડનો પ્રશ્ન ભારે સળગી ઉઠયો છે, ગરીબોમાં જબરો દેકારો બોલી ગયો છે, પુરવઠા તંત્રે અમારા તહેવારો બગાડયા તેમ ગરીબ કાર્ડ હોલ્ડરો જણાવી રહ્યા છે, દરરોજ FPS દુકાનદારો સાથે ઘર્ષણના બનાવો ખાંડના પ્રશ્ને બની રહ્યા છે, સૌરાષ્ટ્રમાં જ ખાંડ સળગી છે, ગુજરાત બાજુએ તો આરામથી વિતરણ થઇ ગયાનું બહાર આવ્યું છે.

ગુજરાતને ખાંડ પુરી પાડતા યુપી કે એમપીના પારસનાથ કરીને જે કોન્ટ્રાકટર છે, તેમણે સૌરાષ્ટ્રનો કવોટા જ નહી આપતા અને કવોટા મોડો શરૂ કરતા ખાંડનો પ્રશ્ન પુરવઠા તંત્રના અધિકારીઓ માટે માથાના દુઃખાવા સમાન બની ગયો છે.

ખાંડનો પ્રશ્ન કયારે ઉકેલાશે તે અંગે અધિકારીઓ કોઇ ફોડ પાડતા નથી, ખાંડ કયારે આવશે તે નક્કી નથી... તંત્રે અમારા તહેવારો ખાંડ વગર સાવ મોળા - ફીકા કરી નાંખ્યા તેમ કાર્ડ હોલ્ડરો ઉમેરી રહ્યા છે, સરકારે તાબડતોબ આ બાબતે પગલા લઇ ખાંડ પહોંચતી કરવી જોઇએ તેમ માંગણી ઉઠી છે.

(3:10 pm IST)