Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

મેટોડા GIDCના ઉદ્યોગોથી જમીનો પ્રદુષિતઃ ખેડૂતોને મોટુ આર્થિક નુકશાન...

૩૦૦થી વધુ લોકો ઉમટી પડયાઃ ટોળાશાહીને કારણે માસ્ક-સોશ્યલ ડીસ્ટન્સનો છેદ ઉડી ગયોઃ ઉગ્ર સૂત્રોચ્ચાર.. : પીવાનું પાણી પ્રદુષિત થઇ ગયુઃ કેમીકલ યુકત કદડા જમીનમાં ઉતર્યાના આક્ષેપોઃ ભારતીય કિસાન સંઘનું કલેકટરને આવેદન... : પ્રદુષિત જમીનોને એગ્રીકલ્ચરમાંથી ઉદ્યોગ ઝોનમાં મૂકવા માંગણી

ભારતીય કિસાન સંઘે આજે ઉગ્ર સુત્રોચ્ચાર સાથે કલેકટરને આવેદન પાઠવી વિસ્તૃત રજૂઆતો કરી હતી. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૩ :.. ભારતીય કિસાન સંઘ રાજકોટ એકમે આજે સુત્રોચ્ચાર સાથે કલેકટર કચેરી ગજવી મુકી આવેદન પત્ર પાઠવી મેટોડા જીઆઇડીસીના ઉદ્યોગોથી આજુ-બાજુની પ્રદુષિત થયેલ જમીનોને એગ્રીકલ્ચર ઝોનમાંથી ફેરવીને ઉદ્યોગ ઝોનમાં મુકવા માંગણી કરી હતી.

આવેદનપત્રમાં ઉમેર્યુ હતું કે, જીલ્લાનાં લોધીકા કાલાવડ રોડ પરના મેટોડા ગામે છેલ્લા ૩૦ વર્ષથી જીઆઇડીસીની સ્થાપના કરવામાં આવેલ છે. આ જીઆઇડીસીની જમીનમાં મોટા ઉદ્યોગો તેમજ નાના-મોટા કારખાના આવેલ છે. જીઆઇડીસીની આજુ બાજુના ભાગે આવેલ ખીરસરા તથા મેટોડા ગામના આશરે રપ૦ ખેડૂતોની જમીન છેલ્લા ર૦ વર્ષથી ગ્રીન ઝોનમાં આવેલ છે.

અત્યાર સુધી આ જમીનમાં ખેડૂતો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા પરંતુ આ જીઆઇડીસીના કારણે કારખાનાઓ દ્વારા પોતાની ફેકટરી ઉદ્યોગોમાંથી નીકળતો કચેરો, કેમીકલ, ફાઉન્ડ્રીની વેસ્ટેજ માટી, પ્લાસ્ટીકના કારખાનાનો પ્લાસ્ટીક વેસ્ટેજ તેમજ ફેકટરીમાંથી નીકળતા કેમીકલ અને ધુમાડાના કારણે ખેતીવાડીમાં મહેનત કરવા છતાં અમોને પુરંતુ વળતર મળતુ નથી. તેમજ કારખાનમાંથી નીકળતા અમુક કચરા નાશ પામતા નથી તેને તે લોકો સળગાવતા અમુક દિવસ સુધી સળગ્યા કરે છે. જેનો ધુમાડા તેમના ખેતરનાં પાકને નુકશાન કરે છે. માલ-ઢોર પણ બિમાર પડી જાય છે. કેમ કે તેને પીવાનું પાણી પ્રદુષિત હોવાથી, અને કેમીકલ કદડા જમીનમાં ઉતરતા જમીનના તળના પાણી ખેતીના પાકને લાયક ન હોવાથી ખેડૂતોને ઉત્પાદન મળતુ નથી. બાજુમાં જીઆઇડીસી હોવાને કારણે ખેતી માટે ખેત મજૂર પણ મળતા નથી તેમજ જીઆઇડીસી ના પ્રદુષણના કારણે ખેત ઉત્પાદન પુરૂ આવતું ન હોવાને કારણે આ જમીન ભાગમાં ભાગીયા પણ કોઇ વાવવા તૈયાર નથી. આમ જીઆઇડીસી આજુ-બાજુના ખેડૂતો આર્થિક રીતે ભાંગી જતા હોય અને બાજુમાં જીઆઇડીસી હોય અને ખેડૂતોની જમીન છેલ્લા ર૦ વર્ષથી ગ્રીન ઝોનમાં હોવાથી વેચી પણ શકતા નથી. ખેત ઉત્પાદન આવતું ન હોવાના હિસાબે ખેતી માટે આ જમીન કોઇ ખરીદતા પણ નથી તેમજ ગ્રીન ઝોન હોવાના કારણે ઉદ્યોગવાળા પણ અમારી જમીન ખરીદી શકતા નથી. તો આવી ખેડૂતોની મુશ્કેલીનાં નિવારણ માટે જીઆઇડીસીની આજુ-બાજુની જમીનને ઉદ્યોગ ઝોનમાં મુકવાની માગણી છે.ભારતીય કિસાન સંઘ રાજકોટ જીલ્લા ટીમ તેમજ લોધીકા તાલુકા ટીમ તેમજ મેટોડા જીઆઇડીસીની આજુબાજુનાં ખેડૂતો સાથે મળીને ઘણા સમયથી ગ્રીન ઝોનમાં  પડેલી જમીનો તેઓની ખેતીની જમીનને ઉદ્યોગ ઝોનમાં મુકવા ખેડૂતોની આ માંગણી ઘણા વર્ષોથી પડતર છે. જે બાબત ધ્યાને લઇ જરૂરી કાર્યવાહી કરવા અમારી વિનંતી છે,  આવેદન પત્ર દેવામાં પ્રમુખ દિલીપ સખીયા, ત્થા અન્ય ર૦૦ થી ૩૦૦ ભાઇ-બહેનો જોડાયા હતાં.

આવેદન સમયે અનેક લોકો માસ્ક વગરના જોવા મળ્યા હતા, ટોળાશાહીને કારણે સોશ્યલ ડીસ્ટન્સનો કલેકટર કચેરીમાં જ છેદ ઉડી ગયેલો જોવા મળ્યો હતો. આવેદન સમયે પોલીસ આવી હતી, પણ અગ્રણીઓ ચાલ્યા જતા અટકાયત કરાઇ ન હતી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાયો હતો.

(3:10 pm IST)