Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

વોર્ડ નં. ૯માં નવનિર્મિત લકઝરીયસ કોમ્યુનિટી હોલનુ ભાડુ અધધ ૧૦ થી ૫૦ હજાર

રૈયા રોડ બાપા સીતારામ ચોકથી શરૂ થતાં પેરેડાઇઝ હોલ વાળા રોડ ઉપર મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયેલ હોલનું ભાડુ નિશ્ચિત કરવા સ્ટેન્ડીંગ કમિટિમાં દરખાસ્ત : બેસણા માટે A/C વગર ૧૦ હજાર A/Cના ૧૫ હજાર : શુભ પ્રસંગો માટે A/C વગર ૨૦ હજાર A/C સાથે ૩૦ હજાર : વ્યાપારિ ઉપયોગ માટે ૫૦ હજાર સુધીનું ભાડુ રાખવા તંત્રનો નિર્ણય

રાજકોટ તા. ૨૪ : શહેરના વોર્ડ નં. ૯માં રૈયા રોડ બાપા સીતારામ ચોકથી શરૂ થતાં બાપા સીતારામ રોડ પર પેરેડાઇઝ હોલવાળા રોડ પર મ.ન.પા.ની વોર્ડ ઓફિસ સામે મ.ન.પા. દ્વારા નિર્માણ કરાયેલ અદ્યતન કોર્પોરેટ કક્ષાના એર કંડીશન હોલનું ભાડુ રૂ. ૧૦ થી ૫૦ હજાર સુધીનું રાખવા અંગે મ્યુ. કમિશનર દ્વારા સ્ટેન્ડીંગ કમિટિને દરખાસ્ત રજૂ કરી છે. આવતીકાલે સવારે ૧૨ વાગ્યે મળનાર સ્ટેન્ડીંગ કમિટિના એજન્ડામાં આ અંગેની દરખાસ્તનો સમાવેશ છે.

 આ દરખાસ્ત મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૯માં બાપા સીતારામ મેઇન રોડ પર વોર્ડ ઓફિસ સામે નવો કોમ્યુનિટી હોલ તૈયાર કરવામાં આવેલ છે. જેનું તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે લોકાર્પણ થયેલ છે. સદરહું હોલમાં પ્રથમ અને બીજા માળે કુલ બે યુનિટ બનાવવામાં આવેલ છે, જે જાહેર જનતાને ભાડેથી આપવા ડીપોઝીટ તથા ભાડાની રકમ નિયત કરવાની થાય છે.

દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના શહેરના જુદા - જુદા વિસ્તારમાં આવેલા કોમ્યુનિટી હોલની ડીપોઝીટ તથા ભાડાની રકમ નિયત કરવામાં આવેલ છે. જેમાં કેટલાક હોલ માટે ડીપોઝીટ રૂ. ૪૦૦૦ તથા ભાડુ રૂ. ૨૦૦૦ તથા કેટલાક હોલની ડીપોઝીટ રૂ. ૪૦૦૦ તથા ભાડુ રૂ. ૪૦૦૦ મુજબ નિયત કરવામાં આવેલ છે. જ્યારે યુનિવર્સિટી રોડ પર આવેલ કવિ શ્રી અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ (એસી) માટે લગ્ન, સગાઇ, જનોઇ, ધાર્મિક પ્રસંગો, લૌકિક વિ. પ્રસંગો માટે ભાડુ રૂ. ૩૫,૦૦૦ - ૫૦,૦૦૦ ડિપોઝીટ તથા બેસણુ અને ઉઠમણું (૪ કલાક માટે - સવારે ૮ થી ૧૨ અથવા બપોરે ૨ થી ૬ માટે) ભાડુ ૧૫,૦૦૦ થી ૧૫,૦૦૦ અને કોમર્શિયલ હેતુ માટે ભાડુ ૭૫,૦૦૦ - ૫૦,૦૦૦ ડિપોઝીટ એ મુજબના ભાડા છે.

હવે વોર્ડ નં.  ૯માં બાપા સીતારામ મેઇન રોડ પર વોર્ડ ઓફિસ સામે આવેલ કોમ્યુનિટી હોલ પણ મોટી સાઇઝનો અને અદ્યતન પ્રકારનો છે તેમજ એક યુનિટ સેન્ટ્રલાઇઝડ એસી છે તેથી હોલ માટે ડીપોઝીટ તથા ભાડાની રકમ અલગથી નિયત કરવી જરૂરી જણાય છે. જે અનુસાર કોમ્યુનિટી હોલ માટે નીચેની વિગતે ડિપોઝીટ તથા ભાડુ પ્રતિ યુનિટ મુજબ કરવું. નોન એસીના શુભ પ્રસંગો માટે રૂ. ૨૦,૦૦૦ + ડિપોઝીટ રૂ. ૨૦,૦૦૦, બેસણા - ઉઠમણા માટે (માત્ર ૪ કલાક) ભાડુ ૧૦ હજાર + ડિપોઝીટ ૧૦ હજાર અને કોમર્શિયલ હેતુ માટે ભાડુ રૂ. ૪૦ હજાર + ડિપોઝીટ રૂ. ૪૦ હજાર એ મુજબ નક્કી કરવું યોગ્ય છે.

જ્યારે એર કંડીશન હોલ માટે શુભ પ્રસંગોનું ભાડુ રૂ. ૩૦ હજાર + ડિપોઝીટ ૩૦ હજાર, બેસણા - ઉઠમણા માટે (માત્ર ૪ કલાક) ભાડુ રૂ. ૧૫ હજાર + ડિપોઝીટ રૂ. ૧૫ હજાર તેમજ કોમર્શિયલ હેતુ માટે ભાડુ રૂ. ૫૦ હજાર + ડિપોઝીટ રૂ. ૫૦ હજાર એ મુજબ ભાડુ નિશ્ચિત કરવા દરખાસ્ત છે.

આમ, ઉકત વિગતે વોર્ડ નં. ૯માં બાપા સીતારામ મેઇન રોડ, વોર્ડ ઓફિસ સામે આવેલ કોમ્યુનિટી હોલ સંદર્ભ બે ઠરાવથી નિયત થયેલ નિયમોનુસાર ભાડેથી આપવા તેમજ કોમ્યુનિટી હોલ માટે ડિપોઝીટ અને ભાડાના દર ઉકત સુચવ્યા મુજબ રાખવા અંગેની આ દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરી જરૂરી ઠરાવ કરવા જણાવાયું છે.

અત્રે એ નોંધનિય છે કે, બેસણા જેવા દુઃખદ પ્રસંગોએ માત્ર ૪ કલાકનુ ભાડુ રૂ. ૧૦ થી ૧૫ હજાર રાખવાનું સુચન તંત્ર દ્વારા કરાયું છે. તે સામાન્ય પ્રજા માટે થોડું વધારે હોવાનો ગણગણાટ શરૂ થયો છે.

બે યુનિટ-૨ (એસી હોલ)નું ભાડું આટલું હશે

ક્રમ                        પ્રસંગની વિગત                        ભાડાનો દર      ડીપોઝીટ દર

                                                                   પ્રતિ યુનિટ      પ્રતિ યુનિટ

૧  લગ્ન, સગાઇ, જનોઇ, ધાર્મિક પ્રસંગો, લૌકિક વિ. પ્રસંગો     ૩૦૦૦૦ ૩૦૦૦૦

૨. બેસણું અને ઉઠમણું (૪ કલાક માટે - સવારે ૮થી૧૨ અથવા બપોરે ૨થી૬ માટે)        ૧૫૦૦૦    ૧૫૦૦૦

૩. કોમર્શિયલ હેતુ માટે તેમજ ઉપરોકત ક્રમ નં. ૧ અને ૨ સિવાયના પ્રસંગો માટે ૫૦૦૦૦    ૫૦૦૦૦

 યુનિટ-૧ (નોન એસી હોલ)ના ભાડાની વિગત

ક્રમ                        પ્રસંગની વિગત                        ભાડાનો દર      ડીપોઝીટ દર

                                                                   પ્રતિ યુનિટ      પ્રતિ યુનિટ

૧  લગ્ન, સગાઇ, જનોઇ, ધાર્મિક પ્રસંગો, લૌકિક વિ. પ્રસંગો     ૨૦૦૦૦ ૨૦૦૦૦

૨. બેસણું અને ઉઠમણું (૪ કલાક માટે - સવારે ૮થી૧૨ અથવા બપોરે ૨થી૬ માટે)        ૧૦૦૦૦    ૧૦૦૦૦

૩. કોમર્શિયલ હેતુ માટે તેમજ ઉપરોકત ક્રમ નં. ૧ અને ૨ સિવાયના પ્રસંગો માટે ૪૦૦૦૦    ૪૦૦૦૦

(3:10 pm IST)