Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

ધાકધમકી આપી બાંધકામના ધંધાર્થીની મિલ્કત પડાવી લીધાનો આક્ષેપઃપાંચ નિવેદન પછી પણ ગુનો ન નોંધાયો

સોમનાથ-૩માં રહેતાં જીતેન્દ્રભાઇ મારૂએ પત્રકાર પરિષદ યોજી સામા કાંઠાના ખોડુભાઇ મુંધવા વિરૂધ્ધ આક્ષેપો કર્યાઃ શીશાંગમાં આવેલા ફાર્મ હાઉસના સ્વીમિંગ પુલના સોદાના નામે આખુ ફાર્મ હાઉસ ધાકધમકીથી પડાવી લીધાનો આરોપ

વિગતો જણાવતાં જીતેન્દ્રભાઇ કુવરજીભાઇ મારૂ (પ્રથમ) તથા બાજુમાં તેના તરફે વિગતો જણાવનાર કાના ડાભી જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૩: શહેરના બાંધકામના ધંધાર્થીના જામનગરના કાલાવડ તાબેના શીશાંગમાં હોલીડે સીટી નામના ફાર્મમાં આવેલા સ્વીમિંગ પુલનો સોદો છેતરપીંડીથી કર્યા બાદ આ ધંધાર્થી અને તેના આપા પરિવારને મારી નાંખવાની ધમકી આપી સમગ્ર ફાર્મ હાઉસનો દસ્તાવેજ સામા કાંઠાના શખ્સે કરાવી લીધાના બનાવમાં પોલીસમાં અરજી ફરિયાદ કર્યા પછી પાંચ  પાંચ વખત નિવેદન લેવાયા પછી પણ ગુનો દાખલ ન થતાં બાંધકામના ધંધાર્થીએ પત્રકાર પરિષદ યોજી વિતક વર્ણવી આ મામલે પોતાને ન્યાય મળે તેવી કાર્યવાહી પોલીસ તંત્ર કરે તેવી અરજ કરી છે.

રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે સોમનાથ-૩માં રહેતાં અને બાંધકામનો વ્યવસાય ધરાવતાં જીતેન્દ્રભાઇ કુવરજીભાઇ મારૂ (ઉ.વ.૪૫)એ આ મામલે સંત કબીર રોડ પર રહેતાં ખોડુભાઇ સામંતભાઇ મુંધવા અને કાનાભાઇ ડાભી વિરૂધ્ધ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલને લેખિત ફરિયાદ કરી હોઇ તેની નકલો રજૂ કરી પત્રકાર પરિષદમાં વિગતો જણાવતાં કહ્યું હતું કે મેં વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૮ સુધીમાં ખોડુભાઇ મુંધવા પાસેથી રૂ. ૬૦ લાખ કટકે કટકે ૧૫ ટકાના માસિક વ્યાજથી લીધા હતાં અને આ તમામ રકમ તેને પુરેપુરી બે ત્રણ માસમાં જ વ્યાજ સહિત ચુકવી દીધી છે. હાલમાં તેની સાથે કોઇપણ જાતનો નાણાકીય વ્યવહાર નથી.

મારા નામે ઘણી મિલ્કતો છે અને હું પૈસાદાર છું તેની ખોડુભાઇને જાણ હોઇ મારી મિલ્કતો પડાવી લેવા તેણે કાવત્રુ ઘડ્યું હતું. મારે જામનગર જીલ્લાના કાલાવડ તાબેના શીશાંગ ગામે રેવન્યુ સર્વે નં. ૧૫૧માં હોલીડે સીટીમાં સ્વીમિંગ પુલ પણ છે. આ પૂલ મારે વેંચવા કાઢવો હોઇ ૮૦ ફુટ રોડ હસનવાડીમાં રહેતાં મારા પરિચીત કાના ડાભીએ મારો સંપર્ક કર્યો હતો. આ પુલ ૫૫ લાખમાં તૈયાર થયો હતો. પરંતુ મારે નાણાની ખુબ જરૂર હોઇ જેથી મેં ૧૫ લાખમાં કાના સાથે સોદો નક્કી કર્યો હતો. કાનાએ સુથી પેટે રૂ. ૨૦ હજાર આપી દીધા હતાં.

એ પછી કાનાએ આ પુલ તે તેના ભત્રીજા ખોડુભાઇ મુંધવા માટે લીધાની વાત કરી હતી. ખોડુભાઇએ મને મળીને કહેલું કે હવે તારે ફાર્મ હાઉસનો દસ્તાવેજ મને કરી દેવાનો છે. મેં તેને કહેલું કે ફાર્મ હાઉસ નહિ માત્ર સ્વીમિંગ પુલ જ વેંચવાનો છે. આ વાત સાંભળી ખોડુભાઇએ મને માર માર્યો હતો. મારી નાંખવાની ધમકી આપી હતી અને દસ્તાવેજ કરી જ આપવો પડશે નહિતર તારા પરિવારને પણ કીડનેપ કરી મારી નાંખીશ. પોલીસ અને રાજકારણમાં મારી ખુબ લાગવગ છે, મારુ કોઇ કાંઇ કરી શકશે નહિ તેવી ધમકી આપતાંહું ડરી ગયો હતો.

મારી ઘરે આવી ધમકી આપી હોઇ જેથી મારા ઘરના લોકોએ મને સમજાવતાં મેં તેને ૯/૭/૨૧ના રોજ સ્વીમિંગ પુલ ફ્રીમાં આપી દેવા નક્કી કર્યુ હતું. પરંતુ ખોડુભાઇ સહિતે બાદમાં મને ધમકાવી ડરાવી બળજબરીથી આખા ફાર્મ હાઉસનો દસ્તાવેજ કરાવી લીધો હતો. તે માથાભારેની છાપ ધરાવે છે અને તેની સામે ફાયરીંગના ગુના પણ નોંધાયા છે. આ રીતે મારી મિલ્કત પડાવી લીધી છે અને મેં જ્યારે ફલેટનું બુકીંગ ચાલુ કર્યુ ત્યારે ખોડુભાઇએ ૨.૫૦ લાખ મને સુથીના આપેલા તે પણ તેણે પાછા લઇ લીધા છે.

આમ મારી મિલ્કતો મફતમાં તેણે પડાવી લીધી હોઇ હું ખુબ જ ડિપ્રેશનમાં આવી ગયો છું. મારા આખા પરિવારને મરી જવાના વિચારો આવે છે. મને તેણે ધમકી આપી છે કે ફરિયાદ કરીશ તો પરિવારને પણ ખતમ કરી નાંખીશ. મેં થોડા દિવસો પહેલા પ્રમુખ સ્વામિ ઓડિટોરીયમાં પોલીસનો વ્યાજંકવાદ વિરૂધ્ધ લોક દરબાર યોજાયો તેમાં ફરિયાદ કરી હતી. એ પછી મને નિવેદનો લેવા બોલાવ્યો હતો. પાંચ પાંચ વખત નિવેદનો લેવાયા બાદ પણ મારી અરજી-લેખિત ફરિયાદ પરથી ગુનો દાખલ થયો નથી. હવે મને એવું કહી દેવાયું છે કે તમારી પ્રોપર્ટી જામનગરમાં છે એટલે ગુનો રાજકોટમાં નહિ જામનગરની હદનો કહેવાય.

જીતેન્દ્રભાઇ મારૂએ વધુમાં કહ્યું હતું કે મારી જેમ અનેક પાસેથી આ રીતે દાદાગીરીથી મિલ્કતો પચાવી લેવાઇ હશે.     મારી અરજી પરથી ગુનો દાખલ કરી તટસ્થ તપાસ કરવામાં આવે અને મને ન્યાય આપવામાં આવે તેવી મારી માંગણી છે.  તેણે એમ પણ કહ્યું હતું કે ખોડુ મુંધવા સાથે મારે ફલેટનો સોદો ૧૦.૧૧ લાખમાં થયો હતો. પણ તેણે માત્ર ૨,૫૧,૦૦૦ ચુકવી બાદમાં હીસાબમાં પૈસા વળાવી બૂકીંગ કેન્સલ કરી દીધું હતું. મારા વિરૂધ્ધ થયેલી અરજીઓ-ફરિયાદો પણ ઉપજાવી કાઢેલી છે. તે મારા વિરૂધ્ધ ખોટો પ્રચાર કરી હેરાન કરતો હોઇ ફરિયાદ કરવી પડી છે. મારી અરજી સંદર્ભે એસીપી વેસ્ટ તરફથી પણ મારું નિવેદન નોંધાયું હતું. એ પછી પણ ખોડુ મુંધવાએ ધમકી આપી હતી કે તારે જ્યાં ફરિયાદ કરવી હોય જેટલી ફરિયાદ કરવી હોય એટલી કરી લેજે મને કોઇ ફાસી ઉપર નહિ ચડાવી દે.

જીતેન્દ્રભાઇના ટેકામાં કાના ડાભીએ   પત્રકાર પરિષદમાં આવીને કહ્યું હતું કે મેં મારા ભત્રીજા ખોડુભાઇ મુંધવા સાથે માત્ર સ્વીમિંગ પુલનો સોદો જ કરાવ્યો હતો. તે વખતે ફાર્મ હાઉસના સોદાની કોઇ વાત જ નહોતી. એ પછી તેણે ફાર્મ હાઉસનો દસ્તાવેજ કયારે કેવી રીતે કરાવી લીધો તેની મને ખબર નથી.

જીતુભાઇએ વધુમાં કહ્યું હતું કે મારા પાંચ પાંચ નિવેદનો લેવાઇ ગયા પછી હવે હદ અમારી નથી જામનગરની છે તેવું કહી દેવાયું હોઇ આ મામલે પોલીસ કમિશનરશ્રી યોગ્ય કરાવે તેવી મારી માંગણી છે. આ અરજી-ફરિયાદની નકલો મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ચીફ જસ્ટીસ ન્યુ દિલ્હી, ગુજરાત હાઇકોર્ટ, રાજ્યપાલ, આઇજી, રાજકોટ કલેકટર, જામનગર કલેકટર, જામનગર એસપીને પણ મોકલવામાં આવી છે.

(3:10 pm IST)