Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

મહાન નાટ્ય સંસ્થા INTના મહાન

ધરોહર સ્વ. દામુ ઝવેરી તેજીલા તોખાર જેવા પ્રવીણ જોષીનું હિર પારખી દામુ ઝવેરીએ, તેની પ્રતિભા મુજબ નાટકો સર્જવા છુટ્ટો દોર આપી, પ્રવીણને સફળતાની ચરમે બેસાડી દીધો

નાટક સપ્તપદી પ્રવીણ જોષીસરીતા જોષી

એક સમય હતો, જ્યારે રાષ્ટ્રીય સ્તરની નાટય સંસ્થા INT રંગકર્મ અવકાશે ઝળહળી ઉઠી હતી. ચાર ચાર ભાષાઓમાં વિશેષતઃ ગુજરાતી નાટય પ્રસ્તુતી કરતી INT (ઇન્ડીયન નેશનલ થિયેટર) મુંબઇને એક રાષ્ટ્રીય દરજ્જો અપાવનાર હતા દામુ ઝવેરી. જેનો ૨૨-૮ના રોજ જન્મ દિવસ હતો. દેશ આઝાદી ચળવળ માટે જેલમાં ગયેલા યુવા દામુભાઇ અને બીજા થોડા મિત્રોએ ૧૯૪૪માં જેલમાં જ INTનું સ્થાપન કરી, છૂટયા બાદ દામુભાઇના મંત્રી પદે કમલાદેવી ચટ્ટોપાધ્યાય હસ્તે ઉદ્ઘાટન કરાવ્યું. શરૂઆતના તેના સહયોગી સ્વ. મનસુખ જોષી તથા હાલમાં હૈયાત ગૌતમ જોષી પાસે ઊંચો ગઢ ગિરનાર, જેસલ તોરલ તથા પં. નહેરૂ લેખિત ડિસ્કવરી ઓફ ઇન્ડીયાને રંગમંચ પર રજુ કરાવી ઇતિહાસ સર્જી દીધો.

મીનુ મસાણી, કમલાદેવી ચટ્ટોપાધ્યાય અને પ્રવિણચંદ્ર ગાંધી જેવા કલા રસજ્ઞોના INTના પ્રમુખપણાની હૂંફે મહામંત્રી દામુ 'ઝવેરી'એ એ વખતના નાટય ઘેલા કૃષ્ણ શાહ, સંજીવકુમાર જતીન (રાજેશ) ખન્ના જેવાં ઘણાં 'હિરાઓને' પારખી નાટય પ્લેટફોર્મ પુરૃં પાડયું હતું. તેજીલા તોખાર જેવા પ્રવિણ જોષીનું હિર પારખી તેની પ્રતિભા મુજબ નાટકો સર્જવા છુટો દોર આપ્યો. મોગરાના સાપ, કુમારની અગાસી, મોતી વેરાણા ચોકમાં, ધુમ્મસ, મૌસમ છલકે, સપ્તપદી, ખેલંદો, કુંવર વ્હેલા પધારજો અને સંતુ રંગીલી જેવા ભજવણીની નૂતન શૈલીએ સર્જાવેલા ઘણા ચુનંદા નાટકોનું સર્જન કરાવી પ્રવિણને સફળતાની ચરમે બેસાડયો. રાજકોટ સહિત ભારતભરમાં INTના આ તથા આવા અનેક નાટકોના વર્ષો વર્ષ મહોત્સવો યોજાતા.

આ સર્વે નાટકોમાં અભિનય કર્યાના કારણે કિશોર ભટ્ટ, અરવિંદ જોષી, તરલા મહેતા, સુરેશ રાજડા, અરવિંદ ઠક્કર, ટીકુ તલસાણીયા અને સિધ્ધાર્થ રાંદેરીયા જેવા, પછીથી અવ્વલ ગણાયેલા અભિનેતા તથા દિગ્દર્શકોની ઓળખ એકાએક વધી ગઇ. જ્યારે સરિતા જોષી તો આજે ૮૦ની વયે પણ નાટક - ટીવીમાં સતત પ્રવૃત્ત જોઇ શકાય છે.

બાળક નાટય પ્રવૃત્તિ પણ દામુભાઇએ વર્ષો ચલાવી. સ્ટેઇજ ડેકોરેશન, ડાયરા, કવિ સમ્મેલન, નાટય - ફિલ્મ સન્નિવેષ સુવિધાના વિભાગો પણ ચલાવ્યા. સાથોસાથ લોકકલા સંશોધન કેન્દ્રો તેઓએ ગુજરાત તથા મહારાષ્ટ્રમાં, મનસુખ જોષી તથા અશોક પરાંજપેને સુકાન સોંપી શરૂ કરાવ્યા અને તેના ગ્રામ્ય કલાકારોને દેશ - વિદેશમાં રજુ કરાવી આપણા લોકકલા વારસાનો પરિચય કરાવ્યો. આ સર્વ કાર્ય પ્રદાનમાં એક સ્તર જોવા મળતું, તેનું કારણ દામુભાઇ આર્ષ દૃષ્ટાભર્યુ આયોજન હતું. સૌ સહયોગીઓને સ્નેહભરી આંખેના પ્રભાવે શિસ્તમાં રહી કામ કરવાની પ્રેરણા તેઓ આપતા રહેતા. પદાધિકારીપણાનો દંડો તો તેઓ કયારેય કોઇ સહકર્મી ઉપર પછાડતા જ નહિ.

મનસુખભાઇ જોષીને કારણે રાજકોટ ખાતેના નાટય મહોત્સવ તથા લોકકલા સંશોધન કેન્દ્ર સાથે સહકર્મી રહેવાને કાણે દામુભાઇ સાથે સહવાસની તક વારંવાર મળવાથી તેઓને ખૂબ માણ્યા અને જાણ્યા પણ છે. તેઓના પત્નિ માલતીભાભી (લગત સૌ તેઓને માતૃભાવે ભાભી સંબોધતા) પણ કલાભાવના હોવાથી દામુભાઇ સાથે દરેક કાર્ય પ્રદાનમાં જોડાયેલા હોય જ.

તત્કાલિન નાટય અભિનયાચાર્ય સ્વ. અમૃત જાનીએ પોતાના પુસ્તક 'અભિનય પંથે' માં નોંધ્યું છે કે 'મારી દૃષ્ટિએ INT એટલે જ દામુભાઇ.' ઓછા બોલા સંપૂર્ણ સજ્જ અને મીઠાશભર્યા આ શકિતશાળી માનવી સાથે મારે બહુ ઓછો પરિચય પણ જેટલો છે એટલો ભાવભર્યો રહ્યો.

INTની સફળતાના પાયામાં દામુભાઇનો મહત્તમ ફાળો ન ભૂતો ન ભવિષ્યતે સમાન હતો. કર્મે ઉદ્યોગ પતિ, વ્યાપારી પણ રૂએરૂએ કલાનુરાગી દામુભાઇના ૨૦૦૨માં અવસાન બાદ INTમાં જાણે અચાનક જ અંધારૃં થઇ ગયું. કહેવાતું હોય છે કે વ્યકિત નહીં સંસ્થા મહાન હોય છે. પરંતુ જે વ્યકિતની સૂઝબૂઝ અથાગ પરિશ્રમથી સંસ્થા મહાન બની હોય તે વ્યકિતને શું મહાન ન માની શકાય ? સ્વ. દામુભાઇ INT નાટય સંસ્થાને મહાન બનાવીને પોતે પણ મહાન બની ગયા તેવું સ્વીકારવામાં કોઇ હિચકીચાટ ન જ થવો જોઇએ બસ...

: આલેખન :

કૌશિક સિંધવ

૭૩૫૯૩ ૨૬૦૫૧

(3:08 pm IST)