Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

સોનાના દાગીનામાં હોલમાર્કીંગ યુનિક આઇડીના વિરોધમાં સોની બજાર સજ્જડ બંધઃ કરોડોના વેપાર ઠપ્પ

જવેલરી ઉદ્યોગને નિયંત્રિત કરનારા અને કાયદાની આંટીઘૂંટી સામે આખરે સુવર્ણકારોએ બાયો ચડાવીઃ નવી હોલમાર્કિંગ પ્રક્રિયા 'હોલમાર્કિંગ યુનિક આઈડી'નો વિરોધ

 સોનાના દાગીનામાં હોલમાર્ક યુનિક આઇડીના વિરોધમાં આજે દેશભરમાં એક દિવસની પ્રતીક બંધના આહવાનને રાજકોટ સોનીબજારમાં જબરો પ્રતિસાદ સાંપડ્યો છે, સોની બજાર ,પેલેસ રોડ, સહિતના જવેલર્સ, વેપારીઓ અને કારીગરો બંધમાં જોડાયા હતા તે વેળાની તસ્વીરમાં સોની બજાર અને પેલેસ રોડ પરની દુકાનો -શોરૂમો બંધ નજરે પડે છે ( તસ્વીર સંદીપ બગથરીયા )

રાજકોટ તા. ૨૩ : સોનાના દાગીનામાં હોલમાર્ક ફરજીયાત બનાવાયા બાદ huid પધ્ધતિથી અનેકવિધ પરેશાનીનો સામનો કરવો પડી રહયો છે, સોની વહેપારીઓએ દાયકાથી હોલમાર્ક અપનાવ્યા બાદ હવે દરેક દાગીનામાં યુનિક આઈડી નંબર આપવાની કામગીરીથી બજારમાં ભારે અંજપો જોવા મળે છે, ત્યારે આજે સોની વેપારીઓએ રાજ્યવ્યાપી એક દિવસની પ્રતીક હડતાલનું એલાન કર્યું હતું જેમાં રાજકોટની સોની બજારમાં સજ્જડ બંધ પળાયું હતું

 રાજકોટ સોની બજારમાં દેશવ્યાપી બંધનું ટાસ્ક ફોર્સ કમિટીના એલાન અને રાજ્યવ્યાપી સંગઠનના બંધને સમર્થનથી રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,અને જેમ્સ એન્ડ જવલેરી એસો,દ્વારા  બંધની જાહેરાત બાદ સોનીબજારમાં સજ્જડ બંધ રહ્યું હતું

  રાજકોટના હજારો સુવર્ણકારો આ લડતમાં જોડાયા છે અને આજે એક દિવસ માટે તમામ સોની વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી લડતને ટેકો જાહેર કર્યો છે.

આજ સવારથી જ સોના-ચાંદીના તમામ વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે. થોડા સમય પહેલા દેશભરમાં હોલ ર્માકિંગનો નવો કાયદો સરકાર દ્વારા અમલીકરણમાં મુકવામાં આવ્યો છે જે કાયદો એચયુઆઈડી તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. સોની વેપારીઓને દાગીનામાં હોલમાર્ક કરવામાં કોઈ વાંધો નથી પરંતુ હોલમાર્કની સાથે જે HUID કરવાનો નિયમ છે તેને લઈને મુશ્કેલી ઉભી થઈ છે.

  નવા કાયદાના વિરોધમાં આજે રાજકોટ, ગોંડલ, ઉપલેટા, સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રભરની સોની બજારો બંધ રહેવા પામી છે. સૌરાષ્ટ્રભરના તમામ સોની વેપારીઓ, એસોસિએશને સાથે મળી આજે દુકાન બંધનું એલાન આપતા આજે સોની બજારની તમામ દુકાનો બંધ રહેવા પામી છે. સોનીબજાર બંધ રહેતા કરોડોના વેપાર ઠપ્પ થયાં છે.

 સોની વેપારીઓના જણાવ્યા મુજબ પેઢી દર પેઢીથી ચાલતા જવેલરી વ્યવસાયને સરકાર જાણે ટૂંપો દેવા ઇચ્છતી હોય તેવો ભાસ સુવર્ણકારોને થઇ રહ્યાં છે સોની વેપારીઓ કાયદાથી ભારે પરેશાન થયાનું કહી રહ્યાં છે બીજીતરફ ફર્સ્ટ પોઇન્ટ ઓફ સેલ કઈ રીતે અને કોને ગણવા આ બાબતે પણ બજારમાં જબરી અવઢવ જોવા મળે છે.

 વેપારીઓ હોલમાર્કને અપનાવી રહ્યા છે અને વર્ષોથી હોલમાર્ક આભૂષણોનો વેપાર કરે છે પરંતુ હવે એચયુઆઈડી દાખલ થતા પણોજણ વધી છે, દરેક દાગીનાને આઈડી નંબર આપવો અને તેનું રેકોર્ડ મેઇન્ટેન કરવું મુશ્કેલ હોવાનું જણાવી રહ્યા છે

કાયદાની આટીઘૂંટીથી પરેશાન હોલમાર્ક સેન્ટરો પણ ત્રાહિમામ પોકારી ગયા છે લાંબી અને ઝંઝટવાળી પ્રક્રિયાથી પરેશાની ભોગવી રહ્યાં છે રજીસ્ટર્ડ મેઈન્ટેન્ટ રાખવાની અને huid  પધ્ધતિથી કામનું ભારણ વધ્યુ છે  બીજીતરફ કાયદાની આટીઘૂંટીને કારણે નાના કારીગરોને ધંધો ઠપ્પ થવાની ભીતિ જાગી છે.

(3:09 pm IST)