Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

ઢોસાનું ખીરૂ લેવા આવેલી ૧૫ વર્ષની બાળાને ૫૧ વર્ષના વિકૃત ઢગાએ બથ ભરી છેડતી કરી કિસની માંગણી કરી

નાણાવટી ચોક પાસે સદ્દગુરૂ કોમ્પલેક્ષમાં પટેલ પ્રોવિઝ સ્ટોર (સેલ પોઇન્ટ)નો સંચાલક ભાન ભુલ્યો :યુનિવર્સિટી પોલીસે બાળાના માતાની ફરિયાદ પરથી રીપલ મગનલાલ શોભાસણા સામે છેડતી-પોકસોની કલમો હેઠળ ગુનો નોંધી સકંજામાં લીધો : 'તું કેમ રેગ્યુલર બેસવા નથી આવતી' કહી ઢગાએ દૂકાનની લાઇટ અને સીસીટીવી કેમેરા બંધ કરી દઇ અડપલા કર્યા : દૂકાનેથી આવ્યા બાદ બાળા સુનમુન થઇ ગઇઃ બીજીવાર ખીરાની જરૂર પડતાં લેવા ન જતાં માતાને શંકા ઉપજીઃ ફોસલાવીને પુછતાં દૂકાનદારની કરતૂતો વર્ણવી

જેના વિરૂધ્ધ ગુનો દાખલ થયો તે દૂકાનદાર રીપલ પટેલ

રાજકોટ તા. ૨૩: શહેરમાં વિકૃતીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પ્રોવિઝન સ્ટોરના સંચાલક ૫૧ વર્ષના ઢગાએ દૂકાને ઢોસાનું ખીરૂ લેવા આવેલી ૧૫ વર્ષની બાળાને 'તું કેમ રેગ્યુલર આવતી નથી' કહી દૂકાનની લાઇટ-સીસીટીવી કેમેરા બંધ કરી દઇ આ બાળા સાથે અડપલા કરી કિસ કરવાની માંગણી કરી છેડતી કરતાં યુનિવર્સિટી પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ કરી છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે  ભોગ બનનાર ૧૫ વર્ષની બાળાના માતાની ફરિયાદ પરથી નાણાવટી ચોક પાસે સદ્દગુરૂ કોમ્પલેક્ષમાં પટેલ પ્રોવિઝન સ્ટોર (સેલ પોઇન્ટ) નામે દૂકાન ચલાવતાં ૫૧ વર્ષના  રિપલ મગનલાલ શોભાસણા (પટેલ) નામના પ્રોૈઢ વિરૂધ્ધ આઇપીસી ૩૫૪ (ક) તથા પોકસોની કલમો હેઠળ ગુનો નોંધી સકંજામાં લીધો છે.

ફરિયાદીએ પોલીસ સમક્ષ વિગતો જણાવતાં લખાવ્યું છે કે મારે ૧૫ વર્ષની દિકરી રવિવારે બપોરે રિપલ શોભાસણાની દૂકાને ઢોસાનું ખીરૂ લેવા ગઇ હતી. તે પાછી આવી ત્યારે સુનમુન થઇ ગઇ હતી. મહેમાન આવ્યા હોઇ વધુ ખીરાની જરૂર પડતાં તેને મેં ફરીથી ખીરૂ લઇ આવવાનું કહેતાં તેણીએ એવું કહયું હતું કે હવે હું  ત્યાં નહિ જાઉ, એ દૂકાનવાળા સારા નથી.

આથી ઘરના બીજા સભ્યને મેં ખીરૂ લેવા મોકલ્યા હતાં. એ પછી મારી દિકરી સુઇ ગઇ હતી. સાંજે પાંચેક વાગ્યે તે જાગી એ પછી પણ તે સુનમુન જણાતી હોઇ તેને ફોસલાવીને શું થયું? તેમ પુછતાં તેણીએ કહ્યું હતું કે સદ્દગુરૂ કોમ્પલેક્ષમાં સેલ પોઇન્ટ-પટેલ પ્રોવિઝન સ્ટોરવાળી દૂકાને હું ખીરૂ લેવા ગઇ ત્યારે દૂકાનદાર રીપલભાઇએ 'તું અહિ રેગ્યુલર બેસવા કેમ નથી આવતી?' તેમ કહેતાં મેં તેને કહેલું  કહે 'અંકલ મારી પાસે ટાઇન ન હોય'. એ પછી તેણે દૂકાનની લાઇટ બંધ કરી દીધી હતી અને સીસીટીવી કેમેરા પણ બંધ કરી દઇ મને બથ ભરી લઇ અડપલા કરી કિસ કરવાની માંગણી કરતાં હું ગભરાઇ ગઇ હતી અને દોડીને ઘરે આવી ગઇ હતી.

આ વાત મારી દિકરીએ મને કરતાં મેં મારા પતિને જાણ કરી હતી. એ પછી અમે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતાં. બનાવ અંગે ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચના હેઠળ યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ બી. જી. ડાંગરે ગુનો નોંધી બાળા પર નજર બગાડી વિકૃતિ આચરનારા દૂકાનદાર ઢગા રીપલને સકંજામાં લીધો છે. તે પોતે પણ દિકરીનો પિતા છે. તેના આવા કૃત્ય પર લોકો ફીટકાર વરસાવી રહ્યા છે.

(1:32 pm IST)