Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

ભગવાન શ્રીરામ માટે સત્તા છોડી દેનાર રાજપુરૂષ કલ્યાણસિંહજીની વિદાયથી ઘેરો શોક : રાજુભાઇ ધ્રુવ

રાજકોટ તા. ૨૩ : અલીગઢના મઢૌલી ગામમાં ૫ જાન્યુઆરી ૧૯૩૨ના રોજ જન્મેલા અને ભાજપના કદાવર નેતાઓમાના એક નેતા આદરણીય શ્રી કલ્યાણસિંહનું નિધન થતા ઘેરા શોકની લાગણી પ્રસરી છે. સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવે શ્રધ્ધાંજલી પાઠવતા જણાવ્યું કે યુપીના વિકાસમાં જેમનો સિંહ ફાળો છે તેવા રાષ્ટ્રભકત અને ભગવાન રામ માટે સતા જેમણે કઈં પણ વિચાર્યા વગર એક પળમાં છોડી દીધી તેવા પ્રખર રાજપુરુષને કાયમ માટે ગુમાવ્યાના અત્યંત દુઃખની અભિવ્યકિત માટે શબ્દો પણ ખૂટી રહ્યા છે.

રાજુભાઇ ધ્રુવે તેમના સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે , કલ્યાણસિંહના મુખ્યમંત્રી પદે રહેતા સમયેજ ડિસેમ્બર ૧૯૯૨ના અયોધ્યાનું વિવાદિત માળખું તોડી પડાયું હતું. તેઓ ઉત્તરપ્રદેશના બે વખત મુખ્યમંત્રી રહી ચૂકયા હતા અને ૨૦૧૪ થી ૨૦૧૯ વચ્ચે તેમણે રાજસ્થાનના રાજયપાલ તરીકે પણ ફરજ બજાવી હતી. ઈતિહાસ તેમને રામમંદિર નિર્માણમાં સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા નેતા તરીકે હંમેશને માટે યાદ રાખશે. પ્રખર રાષ્ટ્રીય નેતા તરીકે જાણીતા કલ્યાણસિંહજી અત્યંત પ્રભાવશાળી વકતા પણ હતા.

ઉલ્લેખનીય છે કે શ્રી કલ્યાણસિંહજી ટીવી પર કારસેવકોને વિવાદિત માળખું તોડી પાડતા જોઇ તરત તેમણે પોતાનું મુખ્યમંત્રી વાળું લેટરપેડ મંગાવ્યું અને તુરતજ રાજીનામું લખી દીધું. તેમનું કહેવું હતું કે તેમની સરકાર ઉત્તર પ્રદેશની પ્રજા દ્વારા શ્રીરામના મંદિરના જનાદેશ ઉપર બનાવાઇ હતી. ભારતીય જનતા પાર્ટીની કોઈપણ સરકાર સત્તાની લાલસા રાખ્યા વગર શ્રીરામમંદિરના નિર્માણ માટે સત્તા ત્યાગ કરવા ગમે ત્યારે તૈયાર હોય છે. આવા પ્રખર રામભકત રાજપુરુષ આદરણીય શ્રી કલ્યાણસિંહ રામમય થઇ રામસ્થ થયા છે ત્યારે તેમને શત શત વંદન સાથે શ્રી રાજુભાઇ ધ્રુવેે ભાવપૂર્ણ શ્રદ્ઘાંજલિ આપી છે

(1:31 pm IST)