Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

ગર્ભપરિક્ષણનું મશીન હોંગકોંગથી ૧ લાખમાં આવ્યું, નર્સ સરોજ સુધી પહોંચતા કિંમત ૨ાા લાખ થઇ ગઇ'તી

ભોૈતિકે અલીબાબા વેબસાઇટ મારફત ચીનથી એક લાખમાં મંગાવી ૧.૯૦ લાખમાં અજયને આપ્યું, અજયએ ૨.૫૦ લાખમાં નર્સ સરોજને વેંચ્યુ હતું: નર્સ સરોજ જેલહવાલેઃ હેતલબા ઝાલાની શોધખોળ યથાવત

રાજકોટ તા. ૨૩: રૈયા રોડ કનૈયા ચોક નજીક શિવપરામાં રહેતી હેતલબા ઝાલા પોતાના મકાનમાં કોઠારીયા રોડ જુની રાધેશ્યામ સોસાયટી-૨માં રહેતી નર્સ સરોજ વિનોદ રમણીકભાઇ ડોડીયા (ઉ.૩૭) સાથે મળી ગેરકાયદેસર રીતે ગર્ભ પરિક્ષણ અને ગર્ભપાત કરી આપતી હોવાના કારસ્તાનનો એસઓજીની ટીમે પર્દાફાશ કરી સરોજને પકડી લીધી હતી. તેણે એકાદ મહિનામાં જ પચ્ચીસથી ત્રીસ જેટલા ગર્ભ પરિક્ષણ કરી લીધાની વિગતો ખુલી હતી. તે હાલ જેલહવાલે છે. સરોજની પુછતાછ વખતે તેણે સોનોગ્રાફીનું મશીન મુળ જેતપુર નવાગઢના અજય પાસેથી લીધાનું ખુલતાં પોલીસે તેને દબોચતાં કાલાવડ ખરેડીના ભોૈતિકનું નમા ખુલતાં આ બંનેને પણ પકડી લેવાયા છે. બંનેએ હોંગકોંગથી આવેલા મશીનમાં નફો ખાઇને સરોજને વેંચ્યું હતું.

પોલીસે સરોજની કેફીયતને આધારે મુળ નવાગઢ જેતપુરના હાલ પુષ્કરધામ રોડ કેવલમ રેસિડેન્સી સામે આરએમસી કવાર્ટર નં. ૧૩૫૨/૮માં રહેતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં અજય દેવરાજભાઇ જાવીયા (ઉ.૩૪)ને પકડ્યો હતો. અજયએ પોતે આ સોનોગ્રાફી મશીન એકસપોર્ટ-ઇમ્પોર્ટનું કામ કરતાં મુળ કાલાવડ ખરેડીના હાલ મવડી રોડ બાપા સિતારામ ચોક દિપજ્યોત શેરી નં. ૧માં રહેતાં ભોૈતિક હિમતલાલ ધાડીયા (ઉ.૨૪) પાસેથી લીધાનું કહેતાં ભોૈતિકને પણ પકડી લેવાયો હતો.

સરોજને સોનોગ્રાફીનું લેટેસ્ટ મશીન લેવું હોઇ તેણે અજયનો સંપર્ક કરતાં અજયએ ઇન્ટરનેટ પર ગૂગલમાં સોનોગ્રાફી અલટ્રા સાઉન્ડ નામથી સર્ચ કરતાં એલીક્ષક ઇમ્પેકસ નામની સાઇટ મળી હતી. આ સાઇટ ભોૈતિક ધાડીયા ચલાવતો હોઇ અને એકસપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરતો હોઇ તેનો અજયે સંપર્ક કરતાં અજયએ ચીનના હોંગકોંગથી એપ્લીકેશન મારફત સપ્લાયરનો વ્હોટ્સએપ મારફત કોન્ટેકટ કર્યો હતો અને ૧૭/૭/૨૧ના રોજ મશીન મંગાવ્યું હતું.

ભોૈતિકે કુરીયર ખર્ચ સહિત એક લાખમાં આ મશીન હસ્તગત કરી અજયને રૂ. ૧.૯૦ હજારમાં આપ્યું હતું. અજયએ પણ પોતાનો નફો રાખી નર્સ સરોજને આ મશીન ૨.૫૦ લાખમાં વેંચ્યું હતું. આ બંનેને બપોર બાદ કોર્ટ હવાલે કરાશે. બીજી તરફ મકાન માલિક હેતલબા ઝાલા હજુ હાથમાં આવી ન હોઇ તપાસ યથાવત રખાઇ છે.

એસીપી ડી. વી. બસીયા, પીઆઇ આર. વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. અન્સારી, એએસઆઇ ઝહીરખાન ખફીફ, કોન્સ. અનિલસિંહ ગોહિલ, કોન્સ. સિરાજભાઇ ચાનીયા, કોન્સ. સોનાબેન મુળીયા, શાંતુબેન મુળીયા અને યુવરાજસિંહ રાણા વધુ તપાસ કરે છે.

(3:14 pm IST)