Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

પ્રશ્નકાંડ અને સત્તાધીશોની નિષ્ફળતા સામે રાજ્ય સરકાર એકશનમાં : કુલપતિ સર્ચ કમિટિની અંતિમ બેઠક સંપન્ન

દ્વારકા ખાતે કમિટિની બેઠકમાં ત્રણ નામ ફાઇનલ : સચિન પરીખ, ભરત રામાનુજ, કમલેશ જાની, ગીરીશ ભીમાણી, નીલાંબરીબેન દવેના નામની ચર્ચા

રાજકોટ તા. ૨૩ : બી-ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક સમયથી કુલપતિ, કુલસચિવ, પરીક્ષા નિયામક તમામ કાર્યકારી ધોરણે કાર્ય કરે છે. પ્રશ્નપત્રકાંડ, પ્રશ્નકાંડ, ભરતીકાંડ, ગેર વહીવટ, બાંધકામકાંડ સહિત અનેક પ્રકરણોથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આબરૂનું સતત ધોવાણ થતું હોય આખરે રાજ્ય સરકારે એકશનમાં આવી હોય તેવું જણાય રહ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ છેલ્લા અઢી વર્ષથી કાર્યકારી ધોરણે કાર્ય કરી રહ્યા છે. તેમાં અગાઉના કાર્યકારી કુલપતિ ગીરીશ ભીમાણી સામે અનેકવિધ ફરિયાદોનો ધોધ થતાં રાજ્ય સરકારે રાતોરાત ગીરીશ ભીમાણીની હકાલપટ્ટી કરીને સીનીયર ડીન નીલાંબરીબેન દવેને ચાર્જ સોંપ્યો છે. સતત વિવાદ થતાં કાર્યકારી કુલપતિ નિલાંબરીબેન દવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગેરહાજર વધુ અને ઘરે હાજર વધુ હોય છે.

તાજેતરમાં વિદ્યાર્થી યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ પરીક્ષામાં ચાલતી ગેરરીતિ પ્રકાશમાં લાવીને પ્રશ્નકાંડ બહાર લાવ્યા છે. તેમાં ભાજપના આગેવાનની કોલેજની સંડોવણી હોવાની ચર્ચા ચાલે છે.

રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પ્રશ્ન હાથ ઉપર લીધો છે ત્યારે અગાઉ ન મળેલી કુલપતિ સર્ચ કમિટિની બેઠક તાબળતોબ યોજાય હોવાનું ચર્ચામાં આવ્યું છે. દ્વારકા ખાતે કુલપતિ સર્ચ કમિટિની આખરી બેઠક મળી હતી અને તેમાં ત્રણ નામ ફાઇનલ કરીને રાજ્ય સરકારને ભલામણ કરવામાં આવી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.

યુનિવર્સિટીના આંતરિક વર્તુળોના જણાવ્યા મુજબ નવા કુલપતિની પસંદગી ટુંક સમયમાં થશે અને તેમાં નવા કુલપતિ તરીકે અમદાવાદના સચિન પરીખ, રાજકોટના લડાયક મિજાજના આગેવાન અને શૈક્ષિક સંઘના અગ્રણી ડો. ભરતભાઇ રામાનુજ, પી.ડી. માલવિયા કોલેજના પ્રિન્સીપાલ કમલેશભાઇ જાની, પૂર્વ કુલપતિ ગીરીશ ભીમાણી અને વર્તમાન કુલપતિ નીલાંબરીબેન દવેના નામની ચર્ચા ચાલી રહી છે. રાજ્ય સરકાર કોઇ રાજકોટ બહારનું અને સંઘ પ્રિય શિક્ષણકારનું નામ આવે તો પણ નવાઇ નહિ.

(4:17 pm IST)