Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

આંબેડકરનગરના યુવાનની હત્‍યાના ગુનામાં આરોપી એએસઆઇની ધરપકડઃ કોર્ટમાં રજૂ કરવા તજવીજ

આરોપી ડીસીબીમાં રજૂ થયા બાદ માલવીયાનગર પોલીસે કબ્‍જો લીધોઃ એસીપી બી. જે. ચોૈધરી, પીઆઇ જે.આર. દેસાઇએ કરી કાર્યવાહીઃ

રાજકોટ તા. ૨૩: શહેરના આંબેડકરનગરમાં ગત ૧૪મીએ પડોશીના ઝઘડામાં ઘટના સ્‍થળે પહોંચેલી પોલીસ પાસે સમાધાન કરવા ગયેલ યુવકને પોલીસે માર મારતાં તેનું મોત થતાં આ બનાવમાં માલવીયાનગર પોલીસે હત્‍યાનો ગુનો નોંધ્‍યો હતો. જેમાં એટ્રોસિટીની કલમ પણ ઉમેરાઇ હતી. દરમિયાન આ ગુનાના આરોપી એએસઆઇ અશ્વીનભાઇ કાનગડ ડીસીપી પોલીસ સ્‍ટેશનમાં હાજર થતાં માલવીયાનગર પોલીસને કબ્‍જો સોંપાતા એસીપી બી. જે. ચોૈધરી, પીઆઇ જે.આર. દેસાઇ સહિતની ટીમે ધરપકડની કાર્યવાહી કરી હતી.

આંબેડકરનગરમાં રહેતાં રાજુભાઈ સોલંકી અને તેના પૂત્ર જયેશને પડોશી સાથે ડખ્‍ખો થતાં રાજુભાઇએ પોતાના મિત્ર હમીરભાઈ ઉર્ફે ગોપાલ દેવજીભાઈ રાઠોડ ઉ.૩૪ને સમાધાનની વાત માટે બોલાવ્‍યા હતાં. એ વખતે પોલીસ આવી ગઇ હોઇ હમીરભાઇ ઉર્ફ ગોપાલભાઇને મારકુટ થઇ હતી. પોલીસ સ્‍ટેશને લઇ જઇ ત્‍યાં પણ મારકુટ કરી બાદમાં છોડી મુકાતાં બીજા દિવસે સારવાર માટે દાખલ કરાયા હતાં. પરંતુ એક રાતની સારવાર બાદ દમ તોડી દીધો હતો. પોલીસે પહેલા આઇપીસી ૩૦૭ મુજબ હત્‍યાની કોશિષનો ગુનો નોંધી બાદમાં કલમ ૩૦૨ અને એટ્રોસીટીની કલમ ઉમેરી હતી. આ ગુનામાં આરોપી એએસઆઇ અશ્વિનભાઇ કાનગડ ઘરેથી નીકળી ગયા બાદ ગત સાંજે ડીસીબીમાં હાજર થતાં માલવીયાનગર પોલીસે કબ્‍જો સંભાળી લીધો હતો.

એસીપી બી. જે. ચોૈધરી અને પીઆઇ જે.આર. દેસાઇ તથા ટીમે જરૂરી કાર્યવાહી કરી હતી. સાંજે કોર્ટમાં રજૂ કરવાની તજવીજ કરવામાં આવશે તેમ જણાવાયું હતું.

(2:41 pm IST)