Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

કાર્પેટ વેરામાં પ્રજા માથે ઓછો કરબોજ આવે તે માટે સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેનની કવાયત

મ્યુ. કમિશ્નરે રહેણાંકમાં પ્રતિ ચો.ફુટના રૂ. ૧૧નો દર અને વાણિજ્યમાં રૂ. ૨૨નો દર સુચવ્યો છે તેમાં રૂ. ૧નો ઘટાડો કરી ૧૨ અને ૨૧નાં દર રાખવા સ્ટેન્ડીંગ કમિટિમાં ત્રણ દિવસથી ચર્ચા

રાજકોટ તા. ૨૩ : મ્યુ. કોર્પોરેશન દ્વારા બિલ્ટઅપને બદલે કાર્પેટ મુજબ મિલ્કત વેરો વસુલવા માટેની નવી પધ્ધતિ અમલ મુકવા માટે સ્ટેન્ડીંગ કમિટિને દરખાસ્ત મોકલી હતી જેને અભ્યાસ માટે સ્ટેન્ડીંગ કમિટિએ પેન્ડીંગ રાખી હતી. આ અભ્યાસ દરમિયાન કમિશ્નરશ્રીએ સુચવેલા રહેણાંક અને વાણિજ્ય હેતુના મકાનોના વેરા દરમાં રૂ. ૧-૧નો ઘટાડો કરવા સ્ટેન્ડીંગ કમિટિએ ચર્ચા શરૂ કરી છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ કમિશ્નરશ્રીએ દરખાસ્તમાં રહેણાંક વેરાનો દર પ્રતિ ચો.ફુટના રૂ. ૧૧ રાખવા અને વાણીજ્ય માટે રૂ. ૨૨ પ્રતિ ચો.ફુટનો દર રાખવા સુચવ્યો છે.

જ્યારે સ્ટેન્ડીંગ કમિટિમાં તેમાં રૂ. ૧-૧નો ઘટાડો કરી અને પ્રજા ઉપર ઓછો કરબોજો આવે તે માટે પ્રયત્નશીલ થયા છે અને રહેણાંકમાં પ્રતિ ચો.ફુટના રૂ. ૧૦ તથા વાણિજ્યમાં પ્રતિ ચો.મી.ના રૂ. ૨૧ રાખવા વિચારી રહ્યા છે.

જોકે વેરાના આ દરો ઓછા કરાય તો તંત્રને વેરાની આવકમાં ૧૦%નું ગાબડુ પડે તેમ છે. જ્યારે કમિશ્નરશ્રીની દરખાસ્ત મુજબ વેરા દર અમલી બનાવાય તો વર્ષે રૂ. ૨૩૦ કરોડની વેરા આવક થાય તેમ છે.

નોંધનિય છે કે, આ વર્ષ ૨૫૦ કરોડની વેરા આવકનો ટાર્ગેટ છે તેની સામે આજ દિન સુધીમાં કુલ ૨.૨૯ લાખ મિલ્કત ધારકો પાસેથી કુલ રૂ. ૧૭૮.૫૭ કરોડની વેરા વસુલાત થઇ છે.

(4:38 pm IST)