Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

આલે...લે...બીલ આપ્યા વગર જ વાવડીના ઉદ્યોગપતિઓ પાસે મકાન વેરાની ઉઘરાણી કરતુ તંત્રઃ મેયરને કોંગ્રેસની ઉગ્ર રજુઆત

સૌ પ્રથમ વખત જ વેરો આવ્યો અને તે પણ ૧૦-૧૦ હજારનોઃ કારખાનેદારોના ટોળા સાથે કોંગી આગેવાનો કનકસિંહ જાડેજા, કોર્પોરેટર સંજય અજુડિયા, કેયુર મસરાણી, મનસુખ કાલરિયાની મેયર-કમિશ્નરને આવેદન પાઠવ્યુઃ યોગ્ય કરવા ડો.જૈમન ઉપાધ્યાય, પુષ્કર પટેલે ખાત્રી આપતા મામલો થાળે

રાજકોટ તા.ર૩ : શહેરના વાવડીના વિસ્તારનો ત્રણ વર્ષ પહેલા કોર્પોરેશનમાં આવ્યો છે. આ ત્રણ વર્ષ બાદ વિસ્તારના મિલ્કતધારકોને બીલ આપ્યા વગર ૧૦-૧૦ હજારનો વેરો વસુલવાનુ શરૂ કરવામાં આવતા આ અંગે આજે મનસુખભાઇ કાલરીયા તથાકોંગી કોર્પોરેટર સંજય અજુડિયા કોંગી આગેવાન કનકસિંહ સહિતના વિસ્તારવાસીઓ દ્વારા અધિકારીઓ-પદાધિકારીઓ રજુઆત કરવામાં આવી હતી. આ અંગે પદાધિકારીએ યોગ્ય કરવા ખાત્રી આપી હતી.

આ અંગે વોર્ડ નં.૧રના કોંગી કોર્પોરેટર ઉર્વશીબા જાડેજાએ પાઠવેલ પત્રમાં જણાવ્યુ હતુ કે, શહેરના વોર્ડ નં.૧રમાં આવેલ વાવડી વિસ્તારનો કોર્પોરેશનમાં ત્રણ વર્ષ પહેલા સમાવેશ થયો છે. આ વિસ્તારમાં ૩ થી ૪ હજાર કારખાનાઓ આવેલા છે. તાજેતરમાં તંત્ર દ્વારા અમુક મિલ્કતધારકોને વેરા બીલમાં ૪ હજારની ર૦ હજારનો વેરો આવેલ છે. આ બીલમાં વિસંગતા જોવા મળેલ છે. આ ઉપરાંત મોટાભાગ મિલ્કતધારકોને બીલ વિના વેરો વસુલવા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમસ્યાનો તાકીદે ઉકેલ લાવવા આજે બપોરે ૧ર કલાકે વિપક્ષના ઉપનેતા મનસુખભાઇ કાલરીયા, કોર્પોરેટર સંજય અજુડીયા તથા કનકસિંહ જાડેજા તથા વિસ્તારવાસીઓ દ્વારા અધિકારીઓ તથા મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાય, સ્ટે.ચેરમેન પુષ્કર પટેલને રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆત દરમિયાન પદાધિકારીઓ-કોંગી આગેવાન વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી બાદ મામલો થાળે પડયો હતો. આ અંગે યોગ્ય કરવા પદાધિકારીઓ દ્વારા ખાત્રી આપવામાં આવી છે.(૩-૧૮)(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:37 pm IST)