Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ઋષિકેશથી યોગ શિબીર પુરી કરીને આવેલા કડીયા યુવાન નિમેષની જિંદગી અચાનક પુરી

સાંજે નબળાઇ જેવું લાગતાં હોસ્પિટલે જઇ બાટલો ચડાવ્યો, ઘરે આવ્યા ત્યાં બેભાનઃ માસુમ પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું: વાલકેશ્વર સોસાયટીના અજાગીયા પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૩: સહકાર રોડ પર પીપળીાય હોલ પાસે વાલકેશ્વર સોસાયટીમાં રહેતાં અને એકાઉન્ટન્ટ તરીકે કામ કરતાં નિમેષ રમેશભાઇ અજાગીયા (ઉ.૩૬) નામના કડીયા યુવાન ગઇકાલે જ મિત્રો સાથે ઋષિકેશની ઓશોની યોગ શિબીરમાં ભાગ લઇને આવ્યા બાદ રાત્રે તબિયત બગડતાં અને અચાનક બેભાન થઇ ગયા બાદ મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

મૃત્યુ પામના નિમેષભાઇ બે ભાઇમાં નાના હતાં. મોટા ભાઇ નરેશભાઇ અજાગીયા નવલનગરમાં રહે છે. તેમણે જણાવ્યું હતું કે નિમેષ પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટનું કામ કરતો હતો. તે ઓશો શિબરમાં લાંબા સમયથી ભાગ લેતો હોઇ થોડા દિવસ પહેલા ચારેક મિત્રો સાથે ઋષીકેશ ખાતે યોજાયેલી યોગ શિબીરમાં ગયો હતો. ગઇકાલે એ લોકો દિલ્હીથી ફલાઇટમાં અમદાવાદ અને ત્યાંથી રાજકોટ બાય રોડ આવ્યા હતાં. ત્યારે સ્વસ્થ હતાં. બપોર બાદ તેણે તબિયત બરાબર ન હોઇ નબળાઇ જેવું લાગતું હોવાનું કહેતાં ફેમિલી ડોકટર પાસે જઇ બાટલો ચડાવ્યો હતો. રાત્રે દસેક વાગ્યે તેની તબિયત બગડતાં અને બેભાન થઇ જતાં તેના પત્નિ નિપાબેને મને ફોન કરતાં મેં ૧૦૮ બોલાવી હતી અને તાકીદે તેના ઘરે પહોંચ્યો હતો. બેભાન હાલતમાં તેને સિવિલ હોસ્પિટલે પહોંચાડેલ. પરંતુ તબિબે ત્યારે મોડુ થઇ ગયાનું જાહેર કર્યુ હતું. હાર્ટએટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ છે.

મૃતક નિમેષ અજાગીયાને સંતાનમાં નવ વર્ષનો એક પુત્ર છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં શોક વ્યાપી ગયો છે.  ભકિતનગર પોલીસ મથકના ઇન્દુભા એન. રાણાએ એ.ડી. નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૫)

 

(12:41 pm IST)