Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

કડૂસલો

ન્યુ રાજકોટમાં બુલડોઝર ફરી વળ્યુઃ ૫.૭૫ કરોડની જમીન ખુલ્લી કરાવાઇ

વોર્ડ નં. ૧, ૧૦, ૧૧માંથી છાપરાવાળુ મકાન, પતરાની ઓરડી, પાકા મકાનને જમીનદોસ્ત કરી નંખાયાઃ મવડીમાં પાકા ચબૂતરો તોડી પડાયોઃ કોર્પોરેશનની માલિકીની કુલ ૧૨૩૭૬ ચો.મી. જમીનમાં થયેલા દબાણો દુર કરતી ટી.પી. શાખા

રાજકોટ તા. ૨૨ : મ્યુ. કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ વિભાગે આજે સવારે ન્યુ રાજકોટના વોર્ડ નં. ૧, ૧૦, ૧૧માં કોર્પોરેશનની માલીકીના પ્લોટોમાંથી કાચા - પાકા મકાનો - ઓરડી તથા ચબૂતરાના ગેરકાયદે દબાણો દુર કરી કુલ રૂ. ૫.૭૫ કરોડની ૧૨૩૭૬ ચો.મી. જમીનને ખુલ્લી કરાવાઇ હતી.

આ અંગે ટાઉન પ્લાનીંગ ઓફિસર શ્રી સાગઠિયાના જણાવાયા મુજબ વેસ્ટ ઝોન ટી.પી. વિભાગ દ્વારા આજે સવારે વોર્ડ નં. ૧માં ટી.પી. સ્કીમ નં. ૯ અંતર્ગતનાં કુલ - પ્લેગ્રાઉન્ડ હેતુનાં ૪૦૦૦ ચો.મી.ના પ્લોટમાં ૧૫૦ ચો.મી. જમીનમાં છાપરાવાળુ મકાન હતું તેને તોડી પાડી દબાણ દુર કરાવાયેલ તથા વોર્ડ નં. ૧૦માં ટી.પી. સ્કીમ નં. ૫ (નાનામૌવા)માં કોમર્શિયલ હેતુની ૨૨૫૫ ચો.મી. જમીનમાં ૫૦ ચો.મી. જગ્યામાંથી મકાનનું દબાણ દુર કરાયું હતું.

તેમજ વોર્ડ નં. ૧૨માં ટી.પી. સ્કીમ નં. ૮ (મવડી)માં કોમર્શિયલ હેતુની ૧૫૯૨ ચો.મી. જમીનમાંથી ૨૦૦ ચો.મી. જમીનમાં બનાવાયેલ ગેરકાયદે ઓરડીને તોડી પડાયેલ.

તેવી જ રીતે વોર્ડ નં. ૧૧માં ટી.પી. સ્કીમ નં. ૨૭ (મવડી)માં સ્કુલ - પ્લે ગ્રાઉન્ડ હેતુની ૪૫૨૯ ચો.મી. જમીન પૈકી ૧૦૦ ચો.મી. જમીનમાંથી ગેરકાયદે પાકા બાંધકામવાળા ચબુતરાનું દબાણ દુર કરાયું હતું.

ઉપરોકત ડિમોલીશનની કાર્યવાહી મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીની સુચનાથી ટી.પી.ઓ શ્રી સાગઠિયાના માર્ગદર્શન હેઠળ વેસ્ટ ઝોનના એ.ટી.પી. શ્રી અઢીયા, એ.જે.પરસાણા, આર.એન.મકવાણા દ્વારા હાથ ધરાયેલ. આ તકે ડીવાયએસપી શ્રી ઝાલા તથા પી.એસ.આઇ. શ્રી ચુડાસમા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો.(૨૧.૨૬)

(3:53 pm IST)