Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

'મોંઘી બોટલમાં સસ્તો દારૂ' ભરીને ધાબડવાનું કારસ્તાન ખુલ્યું

રાજકોટ એસઓજીએ અમદાવાદના એએસઆઇ સહિત ત્રણને દારૂની બોટલો સાથે પકડ્યા બાદ તપાસમાં ભોપાળુ ખુલતાં નરોડામાં શાહીબાગ પોલીસનો દરોડોઃ વિદ્યાનગર રોડ પરથી પકડાયેલા કૃણાલ શાહના નરોડાના ઘરમાં ચીલાચાલુ દારૂ મોંઘીદાટ સ્કોચની ખાલી બોટલોમાં ભરવામાં આવતો હતોઃ એએસઆઇ વિરેન્દ્રસિંહ, કૃણાલ અને મહેન્દ્રસિંહ અગાઉ રાજકોટમાં આવા દારૂની પાંચેક ખેપ મારી ગયા હતાં: નરોડા પોલીસે ૪૬ લિટર વિદેશી દારૂ ભરેલા કેરબા, સેમ્પલ બોટલો, ખાલી કાચની ૧૨૭ બોટલો, ૬૨૫ ઢાંકણા, સીલ કરવાનું મશીન, ગરણી સહિત કબ્જે કર્યા

રાજકોટ તા. ૨૨: શહેર એસઓજીની ટીમે રૂ. સવા લાખની દારૂની બોટલો ભરેલી કાર સાથે એક શખ્સને વિદ્યાનગર રોડ પરથી પકડી લઇ તેમજ આ કારનું પાયલોટીંગ કરી રહેલા અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતાં એએસઆઇ સહિત બે જણાને પણ પકડી લઇ રૂ. ૯,૫૩,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી વિશેષ પુછતાછ હાથ ધરી હતી. આ ત્રણેયના ગઇકાલથી આજ સુધીના રિમાન્ડ પણ મળ્યા હોઇ વિશેષ પુછતાછ શરૂ થતાં જે સ્કોચની બોટલો પકડી એ હકિકતે સ્કોચ નહિ પણ સસ્તો દારૂ હોવાનું અને મોંઘીદાટ સ્કોચની ખાલી બોટલોમાં ભરીને વેંચવા નીકળ્યાનું તેમજ અગાઉ પણ પાંચેક વખત આવો દારૂ રાજકોટમાં વેંચી ગયાનું ત્રણેયએ કબુલ્યું હતું. એટલુ જ નહિ આવો મોંઘી બોટલમાં સસ્તો દારૂ ભરવાનું કોૈભાંડ એએસઆઇ સાથે પકડાયેલા શખ્સના નરોડાના મકાનમાં ચાલતું હોવાનું સામે આવતાં રાજકોટ પોલીસે ત્યાંની પોલીસને જાણ કરતાં શાહીબાગ પોલીસે દરોડો પાડી લુઝ દારૂ, ખાલી બોટલો, ઢાંકણા, સીલ મારવાનું મશીન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

એસઓજીની ટીમના હેડકોન્સ. ભાનુભાઇ મિંયાત્રા, કિશનભાઇ આહિર, કોન્સ. હિતેષ રબારી અને નિખીલ પીરોજીયાની બાતમી પરથી વિદ્યાનગર રોડ પરથી સ્વીફટ કાર અને સિયાઝ કાર અટકાયતમાં લેવાઇ હતી. જેમાં સિયાઝ કારમાથી દારૂની મોંઘીદાટ બોટલોનો જથ્થો મળતાં તેના ચાલક મહેન્દ્રસિંહ અશોકકુમાર વૈદ (ઉ.વ.૩૦-રહે. ઇદગાહ ચોક, રાજનગર મીલ કમ્પાઉન્ડ ગલી-૨, અસારવા)ને પકડી લેવાયો હતો. આગળની સ્વીફટ કારમાં બે શખ્સ હોઇ પુછતાછમાં પોતાના નામ વિરેન્દ્રસિંહ રણજીતસિંહ દરબાર (ઉ.વ.૩૬-રહે.ડી-૨૦૧, પરિમલ રેસિડેેન્સી, નવા નરોડા) તથા કૃણાલ હસમુખભાઇ શાહ (ઉ.વ.૩૬-રહે. એ-૧૦૪, નરોડા સ્માર્ટ સીટી-૨, દહેગામ રોડ) જણાવ્યા હતાં. જેમા વિરેન્દ્રસિંહે પોતે અમદાવાદ આઇ ડિવીઝનમાં ટ્રાફિક શાખામાં એએસઆઇ હોવાની ઓળખ આપી હતી. તેણે અને કૃણાલે દારૂ ભરેલી કારનું પાયલોટીંગ કર્યુ હતું.

પ્રાથમિક તપાસમા અગાઉ પણ રાજકોટમાં આ રીતે માલ ઉતારી ગયા હોવાનું ત્રણેયએ રટણ કર્યુ હતું. દરમિયાન ગઇકાલે ત્રણેયને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવતાં આજ ગુરૂવાર બપોર સુધીના રિમાન્ડ મંજુર થતાં વધુ પુછતાછ હાથ ધરવામાં આવતાં એએસઆઇ સહિત ત્રણેય અગાઉ પાંચેક વખત રાજકોટમાં આ રીતે દારૂ વેંચી ગયાનું કબુલ્યું હતું. એટલુ જ નહિ પોલીસે જે મોંઘીદાટ સ્કોચની બોટલો કબ્જે કરી તેમાં પણ કારસ્તાન હોવાનું સામે આવ્યું હતું.

આ બોટલો જ ખાલી મોંઘી સ્કોચની હોવાનું અને અંદરનો દારૂ રનીંગ વ્હીસ્કી હોવાનું તેમજ આવો દારૂ એએસઆઇ સાથે પકડાયેલા કૃણાલ શાહના નરોડાના ઘરમાં બનાવાતો હોવાનું કબુલવામાં આવતાં રાજકોટ પોલીસે જાણ કરતાં શાહીબાગ પોલીસ પીસીબી ટીમના એ.ડી. ચાવડાની રાહબરીમાં નરોડા સ્માર્ટ સીટી-૨ હંસપુરા એ-૧૦૪માં રહેતાં કૃણાલ હસમુખભાઇ શાહના ઘરે દરોડો પાડવામાં આવતાં ત્યાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી બોટલો ૦૩ રૂ. ૩૫૦૦ની, ૪૬ લિટર વિદેશી દારૂ ભરેલા ૦૨ કેરબા રૂ. ૨૩ હજારનો, સેમ્પલ બાટલી, ખાલી કાચની ૧૨૭ બોટલો, ૬૨૫ નંગ ઢાંકણા, ઢાંકણા સીલ કરવાનું મશીન, ગરણી મળી રૂ. ૨૬૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

કૃણાલ અને તેની સાથે રાજકોટમાં પકડાયેલા એએસઆઇ તથા અન્ય શખ્સ મળી આવો મોંઘી બોટલમાં ભરેલો સસ્તો દારૂ મોંઘા ભાવે વેંચી કારસ્તાન ચલાવતાં હોવાનું ખુલતાં વિશેષ તપાસ હાથ ધરાઇ છે. આજે બપોરે એસઓજીએ એએસઆઇ સહિત ત્રણને રિમાન્ડ પુરા થતાં કોર્ટ હવાલે કરવા તજવીજ કરી હતી. અમદાવાદ પોલીસ હવે કૃણાલનો કબ્જો લઇ વિશેષ તપાસ કરશે. તેના કારસ્તાનમાં એએસઆઇ અને ત્રીજો શખ્સ સામેલ છે કે કેમ? તેની તપાસ હવે પછી થશે.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના મુજબ પીઆઇ આર. વાય. રાવલ, ભાનુભાઇ, કિશનભાઇ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હિતેષભાઇ અને નિખીલભાઇ સહિતની ટીમે રાજકોટના ગુનામાં કાર્યવાહી કરી હતી.

(12:55 pm IST)