Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

રોહીદાસપરાના પ્રકાશભાઇએ પોતાની જ દૂકાનમાં ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

કુવાડવા રોડ એંસી ફુટ રોડ પર બનાવઃ ભત્રીજો શોધવા નીકળ્યો ત્યારે દૂકાનનું શટર અડધુ ખુલ્લુ દેખાતાં અંદર તપાસ કરતાં કાકા લટકતાં મળ્યાઃ આર્થિક સંકડામણને કારણે પગલુ ભર્યાની શકયતા

રાજકોટ તા. ૨૨: આર્થિક ભીંસને લીધે વધુ એક વ્યકિતએ જિંદગી ટૂંકાવી લીધી છે. કુવાડવા રોડ એંસી ફુટ રોડ પર પ્લાસ્ટીકની ચીજવસ્તુની દૂકાન ધરાવતાં આધેડે પોતાની દૂકાનમાં જ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ કુવાડવા રોડ રણછોડદાસ બાપુના આશ્રમ પાસે રોહીદાસપરામાં રહેતાં પ્રકાશભાઇ વાઘજીભાઇ સાગઠીયા (ઉ.વ.૪૮) નામના આધેડે સવરે કુવાડવા રોડ એંસી ફુટ રોડ પર આવેલી પોતાની કિરણ પ્લાસ્ટીક નામની દૂકાનમાં એંગલમાં દૂપટ્ટો બાંધી દેહ લટકાવી દીધો હતો. સવારે પ્રકાશભાઇ ઘરે જોવા ન મળતાં ભત્રીજો પ્રદિપ અશોકભાઇ સાગઠીયા શોધવા માટે નીકળતાં તેણે દૂકાનનું શટર અડધુ ખુલ્લુ જોતાં અંદર તપાસ કરતાં  ભત્રીજો હતપ્રભ થઇ ગયો હતો. તેણે બીજા પરિવારજનોને જાણ કરી હતી.

બનાવની જાણ થતાં બી-ડિવીઝનના હેડકોન્સ. જયપાલસિંહ સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર પ્રકાશભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. અગાઉ પ્રકાશભાઇ ડ્રાઇવીંગ કરતાં હતાં. હાલમાં પ્લાસ્ટીકની ચીજવસ્તુની દૂકાન ચાલુ કરી હતી. કેટલાક સમયથી આર્થિક ભીંસમાં હોવાથી આ પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

(3:04 pm IST)