Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ૪૬ પ્રશ્નોની 'ઝડપી' ચર્ચા : ૬૭૯ બાળકો અતિ કુપોષિત : ત્રીજી લહેર માટે ૧૦૭૮ બેડ તૈયાર

૧પપ પ્રાથમિક શાળાઓમાં ૩૩૬ ઓરડાની ઘટ : જૈવિક વિવિધતા વ્યવસ્થાપક સમિતિની રચના

આજે રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ ભૂપત બોદરની અધ્યક્ષતામાં મળેલ, પ્રમુખ બોદર અને વિપક્ષી નેતા અર્જુન ખાટરિયાએ નવા ડી.ડી.ઓ. દેવ ચૌધરીનું અભિવાદન કરેલ. આ પ્રસગે ડે. ડી.ડી.ઓ. ગોંડલિયા, આર.આર. ટીલવા વગેરે હાજર રહેલ. અર્જુન ખાટરીયા, મોહનભાઇ દાફડા, શૈલેષ ડોબરિયા, પ્રવીણાબેન સાંગાણી મીરાબેન ભાલોડિયા, અલ્પાબેન તોગડિયા, નયનાબેન બાખોદરા વગેરેએ સામાન્ય સભામાં સવાલો ઉઠાવ્યા હતા. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૧ :. જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે સવારે પ્રમુખ ભૂપત બોદરની અધ્યક્ષતામાં મળેલ. જેમાં ૮ સભ્યોના ૪૬ પ્રશ્નોની ચર્ચા ૧ કલાકથી ઓછા સમયમાં પૂર્ણ થયેલ. મોટાભાગના સભ્યોએ લેખિત જવાબથી સંતોષ માનેલ. કુલ ૫૦ મીનીટ જેટલી પ્રશ્નોત્તરી ચાલેલ. જેમાં અડધો સમય વિપક્ષી નેતા અર્જુન ખાટરિયાથી પોતાના પ્રશ્નોમાં લીધો હતો. શિક્ષણ કાર્ય, સંભવિત ત્રીજી લહેર, ગ્રાન્ટ ફાળવણી વગેરે મુદ્દા ચર્ચામાં આવેલ. એકંદરે અમુક વાતાવરણમાં સામાન્ય સભા પૂર્ણ થઈ હતી.

કંચનબેન બગડાના સવાલના જવાબમાં વહીવટી તંત્રએ જણાવેલ કે રાજકોટ જિલ્લામાં છેલ્લા દોઢ વર્ષમા કોરોનાથી ૨૪૯ મૃત્યુ થયા છે. હાલ ૩૨ હજાર એન્ટીજ ટેસ્ટ અને ૭ હજાર આરટીપીસીઆર ટેસ્ટ કીટ ઉપલબ્ધ છે. હાલ જિલ્લાની આંગણવાડીઓમાં ૬૭૯ બાળકો અતિ કુપોષિત છે. તેમને બાળશકિત આહાર અપાય છે. જિલ્લામાં ૧૫૫ પ્રાથમિક શાળાઓમાં ૩૩૬ ઓરડાઓની ઘટ છે.

અર્જુન ખાટરિયાના સંભવિત ત્રીજી લહેર અંગેના પ્રશ્નના જવાબમાં તંત્રએ જણાવેલ કે, સરકારી અને સરકાર દ્વારા હસ્તગત કરેલ. કુલ ૧૨ સંસ્થાઓમાં ૧૦૭૮ બેડ જેમા ઓકસીજન સાથેના બેડ ૭૭૨ અને ઓકસીજન વગર બેડ ૩૦૬ની વ્યવસ્થા કરવામાં આવી છે. ૨૯ ખાનગી હોસ્પીટલોમાં ૧૬૭૫ બેડ જેમાં ઓકસીજન સાથેના બેડ ૧૦૪૬ અને ઓકસીજન વગર બેડ ૬૨૯ની વ્યવસ્થા કરવામાં આવી છે. ૫૪ પ્રા.આ. કેન્દ્ર ૭ અર્બન કેન્દ્રમાં કુલ ૧૮૧ ઓકસીઝન કંસન્ટ્રેટર  ફાળવવામાં આવેલ છે.  ૫ સરકારી હોસ્પીટલ (જસદણ, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જેતપુર) ખાતે પીએસએ પ્લાન્ટ ચાલુ કરવામાં આવેલ છે અને ૪ સા. આ. કેન્દ્ર (પડધરી, કુવાડવા, લોધીકા, કોટડાસાંગાણી) ખાતે પીએસએ પ્લાન્ટ કામગીરી ચાલુ છે. ૩૧૯ નંગ ઓકસીજન સીલીન્ડર ખરીદીના આદેશ કરેલ છે.

જિલ્લા પંચાયતમાં પશુ એમ્બ્યુલન્સ સુવિધા વધારવા  જૈવિક વિવિધતા વ્યવસ્થાપક સમિતિ પ્રમુખ ભૂપત બોદરની અધ્યક્ષતામાં રચાયેલ ગ્રામીણ માર્ગો બનાવતી વખત ડામર કામની જાડાઈ વધારવા પણ ઠરાવ કરાયો હતો.

(3:34 pm IST)