Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

મહિલા સાથે થયેલ છેતરપીંડીની ફરીયાદ નહિ નોંધતા પી.આઈ.ને હાજર થવા આદેશ

રાજકોટ, તા. ૨૧ :. અત્રે ક્રેડીટ કાર્ડની ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બનેલ મહિલાની ફરીયાદ પોલીસ દ્વારા નહિ નોંધતા કોર્ટ દ્વારા પોલીસ કાર્યવાહીનો અહેવાલ રજુ કરવા હુકમ કરી પી.આઈ. શ્રી ગાંધીગ્રામને રૂબરૂ હાજર રહેવા કોર્ટની અરજન્ટ નોટીસ ઈસ્યુ કરવામાં આવેલ છે.

વિગત અનુસાર આ કામમાં અરજદાર સમિનાબેન અલીઅસગર ભારમલ (ઉ.વ. ૨૬) રહે. ગાંધી સોસાયટી, જામનગર રોડ, રાજકોટને તા. ૨૫-૯-૨૦૨૦ના રોજ આર.બી.એલ. બેંકમાંથી ક્રેડીટ કાર્ડ માટે ઓફર આવેલી. જેથી અરજદારએ બેંક દ્વારા માંગવામાં આવેલ ડોકયુમેન્ટ પુરા પાડેલા બાદમાં ક્રેડીટ કાર્ડ આવી જતા ઉપરોકત બેંકમાંથી બોલુ છું તેમ કહી હિન્દી ભાષી મહિલા દ્વારા અરજદાર પાસેથી ઓ.ટી.પી. નંબર મેળવી અરજદારના બેંકના ક્રેડીટ કાર્ડના ખાતામાંથી રૂ. ૨૯,૯૮૪ અન્ય ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હતા.

અરજદારને છેતરપીંડી થયાનું જાણમાં આવતા પોલીસ કમિશ્નરશ્રીને આ અંગેની લેખીત ફરીયાદ આપી હતી, પરંતુ પોલીસ દ્વારા આજ દીન સુધી કોઈ જ કાર્યવાહી નહી કરતા પોતાની સાથે થયેલ છેતરપીંડીનો ભોગ કોઈ અન્ય ન બને અને આ પ્રક્રિયા ઝડપથી ન્યાય અપાવવા મદદરૂપ બને તે માટે અત્રેની અદાલતમાં આ અંગેના ગુન્હાની એફઆઈઆર નોંધવા તા. ૧૭-૮-૨૦૨૧ના રોજ અરજ ગુજારેલ છે. સાથે જરૂરી સુપ્રિમ કોર્ટ તથા હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ રાખેલ છે. અદાલતે આ અંગે જરૂરી અહેવાલ સાથે પી.આઈ. શ્રી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનને હાજર રહેવા હુકમ ફરમાવેલ છે.

આ કામે અરજદાર વતી રાજકોટના ધારાશાસ્ત્રી દિપેશ એન. પાટડીયા એડવોકેટ રોકાયેલા હતા.

(3:34 pm IST)