Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

''કરે યાદ બહેની બાંધવડા, ઝુલે ઝુલતા સાથ, થઇ પૂનમ હૈયા રે ઉજળતાં, બાંધુ રાખડી હાથ''

કાલે 'રક્ષા બંધન' : ભાઇ બહેનનો પ્રેમ સ્નેહના તાંતણે ગુંથાશે

ભુદેવો દ્વારા સામુહીક યજ્ઞોપવિતના કાર્યક્રમો : બજારોમાં રાખડીની છેલ્લી ઘડીની ખરીદી : મીઠાઇ બજારમાં પણ તડાકો

રાજકોટ તા. ૨૧ : કાલે શ્રાવણ સુદ પૂનમ. રક્ષાબંધનનું પર્વ! આમ તો આ તહેવાર બળેવથી પણ ઓળખાય છે. સાગર ખેડુઓ પણ આ પર્વને નાળીયેરી પૂનમ તરીકે મનાવે છે.

આ દિવસે બહેની વહાલસોયા વીરાના કાંડે સુતરણા તાંતણારૂપે રાખડી બાંધી તેની સુખાકારીની કામના કરે છે. તો વળી ભુદેવો પણ પોતાના યજમાનોને રાખડી બાંધી સુખાકારીના આશિર્વચનો આપે છે.

આ રાખડીરૂપ સુતરના તાંતણામાં અમાપ શકિત સમાયેલી હોય છે. ભાઇ બહેનો વચ્ચેનો સ્નેહ કાલે સુતરના તાંતણે ગુંથાશે. એમ તો રાખડી માતા પણ પોતાના દિકરાને રક્ષા કવચ રૂપે બાંધી શકે છે. માતા કુન્તાએ રણ મેદાનમાં જઇ રહેલ અભિમન્યુને કાંડે રાખડી બાંધી હતી.

રાખડી બજારમાં આજે છેલ્લી ઘડીની ખરીદી નિકળી પડી છે. રાખડી બાંધ્યા બાદ ભાઇ બહેન પરસ્પર મીઠાઇ ખવરાવી મો મીઠા કરતા હોવાની પણ આપણે ત્યાં પ્રણાલી હોય પેંડા, ગુલાબ જાંબુ, થાબડી, કાજુ કતરીની બજારોમાં પણ ખરીદી નિકળી પડી છે.

 આ પર્વને અનુલક્ષીને અમુક સંસ્થાઓ દ્વારા રાખડી બનાવવાની સ્પર્ધા તેમજ પર્વ વિષે નિબંધ સ્પર્ધા જેવા આયોજનો પણ કરવામાં આવે છે.

કાલે બળેવના જનોઇ ધારણ કરનાર સાધુ, બ્રાહ્મણ વર્ગ જનોઇ બદલવાની વિધિ પણ કરશે. સરકારી ગાઇડ લાઇનના પાલન સાથે કેટલાક સ્થળોએ જનોઇ બદલવા સમુહમાં આયોજનો પણ થયા છે.

હળવદ બોર્ડીંગમાં જનોઇ બદલવાનો કાર્યક્રમ

હળવદ બોર્ડીંગ-એસ્ટ્રોન ચોક, સરદારનગર ખાતે કાલે રવિવારે સવારે ૮-૩૦ થી ૧૧ સર્વ કોઇ બ્રાહ્મણો માટે નૂતન યજ્ઞોપવિત ધારણ કરવાનો ઉપાકર્મ વિધી વૈદિક રીતે વિદ્વાન શાસ્ત્રી શૈલેષભાઇ ભટ્ટનાં આચાર્ય પદે યોજવામાં આવેલ છે. સર્વે ભૂદેવોને લાભ લેવા પ્રમુખ એડવોકેટ-નોટરી જયેશભાઇ જાનીની યાદીમાં જણાવાયું છે.

વિનામુલ્યે રાખડી વિતરણ

જોહર કાર્ડસ દ્વારા  તેમની ૫૪ વર્ષની પરંપરા મુજબ કર્મકાંડી બ્રાહ્મણભાઈઓને તથા પુજારીશ્રીઓને રક્ષાબંધનના પૂર્વ દિવસે આજે શનિવારે જોહર ગેલેરી, કાલાવડ રોડ, પ્રેમમંદીરની લાઈનમાં, ગાર્ડન સામેે સાંજે ૭ થી ૮ કલાક સુધી નિઃશુલ્ક રાખડીઓનું વિતરણ તેમના યજમાનને બાંધવા માટે આપવામાં આવશે. સોશ્યલ ડીસ્ટન્સ પાલન કરીને આ લાભ લેવા  જોહર કાર્ડસ ગ્રુપના યુસુફઅલીની યાદીમાં જણાવાયુ છે. 

(2:59 pm IST)