Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

કુવાડવા પાસે રાણપુરમાં કારખાનેદાર શંભુભાઇ માંગરોળીયાના મકાનમાં ૧.૯૩ લાખની ચોરી

કારખાનેદાર પરિવાર જીયાણા ગામે વાડીએ ગયોને તસ્કરો હાથફેરો કરી ગયા

રાજકોટ તા. ૨૧ : કુવાડવા રોડ પર આવેલા રાણપુર(નવાગામમાં) ગામમાં કારખાનેદારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના અને ૫૦ હજારની રોકડ સહિત રૂપિયા ૧,૯૩,૫૦૦ની મત્તા ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગતો મુજબ કુવાડવા રોડ પર આવેલા રાણપુર(નવાગામમાં) શિવધારા સોસાયટી શેરી નંબર ૧માં રહેતા અને જીયાણા ગામે સ્ક્રેપનું કારખાનું ધરાવતા શંભુભાઈ દેવરાજભાઈ માંગરોળીયા (ઉ.વ ૨૬) નામના કારખાનેદારે પોતાના બંધ મકાનમાં ચોરી થયા અંગેની કુવાડવા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તા. ૧૪ના રોજ તેઓ પત્ની અને સંતાનો સાથે જીયાણા ગામે પિતાના ઘરે ગયા હતા અને ત્યાંથી વાડીએ ગયા હતા. બાદમાં તતા. ૧૫ના રાત્રે તેઓ મોબાઈલનું ચાર્જર લેવા માટે શિવધારા સોસાયટીમાં આવેલા પોતાના મકાનને ગયા હતા. ત્યારબાદ તા. ૧૬ ના તેમના ભાઈ અરવિંદનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે આપણા મકાનમાં દરવાજાના તાળા તૂટેલા છે અને ચોરી થયાનું જણાઈ રહ્યું છે. જેથી કારખાનેદારે તાકીદે પોતાના મકાને આવ્યા હતા. અહીં આવી તપાસ કરતા દરવાજાના તાળા તૂટેલા હતા તેમજ કબાટના લોક પણ તૂટેલા હોય ચોરી થયાની શંકા દ્રઢ બની હતી. બાદમાં કારખાનેદારે મકાનમાં તપાસ કરતા કબાટમાંથી સોનાની બુટ્ટી, સોનાની વીંટી, સોનાનું પેન્ડલ, સોનાની ડોડી, ચાંદીના છડા, ચાંદીનું કડું તથા ફરિયાદીના ભાઈ અરવિંદભાઈના કબાટમાંથી રોકડ રૂપિયા પચાસ હજાર સહિત રૂપિયા ૧,૯૩,૫૦૦ની મતા તસ્કરો ઉઠાવી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આ મામલે તેમણે કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી ચોરી કરનાર તસ્કરોના સગડ મેળવવા તપાસ હાથ ધરી છે. બનાવ અંગે વધુ તપાસ કુવાડવા પોલીસ મથકના પી.એસ.આઇ પી.જી.રોહડિયા ચલાવી રહ્યા છે.

(2:55 pm IST)