Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ઘંટેશ્વરમાં ધોળે દિવસે રેલકર્મીના ઘરમાં ૪ લાખની ચોરી

ખલાસી રણમલભાઇ રાતડીયા (ભરવાડ) નોકરી પર અને ઘરના સભ્યો બહાર ગયા'તાઃ સવારે ૧૦ થી સાંજના ૪:૩૦ સુધીમાં તસ્કરોએ કર્યો હાથફેરો

જ્યાં ચોરી થઇ તે મકાન, વેરવિખેર કબાટો અને ફરિયાદી રેલ્વે કર્મચારી રણમલભાઇ રાતડીયા (મોટાભાઇ ભરવાડ) જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૧: શહેરમાં તસ્કરોએ ઉપાડો લીધો છે. ઘંટેશ્વર ગામમાં ધોળે દિવસે રેલ્વે કર્મચારી ભરવાડ યુવાનના ઘરમાં ત્રાટકી તસ્કરો રૂ. ૩ લાખ ૯૨ હજારની માલમત્તા ઉસેડી ગયા છે.

બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે ઘંટેશ્વર ગામમાં બાપા સિતારામની મઢુલી સામે રહેતાં રણમલભાઇ મેપાભાઇ રાતડીયા (ઉ.૩૮)ની ફરિયાદ નોંધી છે. રણમલભાઇ રેલ્વેમાં સુપરવાઇઝર ખલાસી તરીકે ફરજ બજાવે છે. તેણે જણાવ્યું હતું કે ગઇકાલે ૨૦મીએ સવારે આઠેક વાગ્યે હું મારી નોકરીએ ગયો હતો. એ વખતે મારા નાના ભાઇ ભરતભાઇ ઘરે એકલા હતાં. તે પણ સવારે દસેક વાગ્યે ઘરને તાળુ લગાવી સુરન્દ્રનગર લગ્નમાં જવા નીકળી ગયા હતાં. એ પછી સાંજે સાડાચારેક વાગ્યે નાનાભાઇના પત્નિ અંજુબેન બહારગામથી ઘરે આવ્યા ત્યારે મુખ્ય દરવાજાનું તાળુ તૂટેલુ જોતાં તપાસ કરતાં ચોરી થયાની ખબર પડી હતી. તેણે મારા કાકા સગરામભાઇને ફોન કરતાં તેણે મને ફોન કર્યો હતો. મારા પત્નિ સંગીતાબેન પણ બહાર હોઇ તેને પણ અમે જાણ કરી હતી.

તપાસ કરતાં તસ્કરો ઘરના બેડરૂમની તિજોરીનો લોક તોડી ગળામાં પહેરવાનો સોનાનો પાટીપારો આશરે પાંચ તોલાનો,  કાનની બુટી, સાત નાની વીંટીઓ, ચાંદીના પગના છડા, ચાંદીનું કડલુ, ચાંદીનું હાથનું બીજુ કડલુ, રોકડા રૂ. ૧૦ હજાર સહિત રૂ. ૩,૯૨,૦૦૦ની માલમત્તા ચોરી ગયાની ખબર પડી હતી. ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પોલીસે ફરિયાદ નોંધી હતી. પી.આઇ. એચ. આર. ભાટુ, ભાનુભાઇ મિંયાત્રા, રશ્મીનભાઇ પટેલ અને ડી. સ્ટાફની ટીમે ડોગ સ્કવોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતોને સાથે રાખી કાર્યવાહી કરી હતી.

આ વિસ્તારના રહેવાસીઓના કહેવા મુજબ છેલ્લા એક અઠવાડીયામાં ધોળે દિવસે ચોરીનો આ ત્રીજો બનાવ બન્યો છે. અગાઉ પણ બે ઘરમાંથી પરચુરણ ચીજવસ્તુઓ ચોરાઇ હતી. તે અંગે ફરિયાદ નોંધાવાઇ નહોતી. પોલીસ આ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ કરી તસ્કરોને શોધી કાઢે તેવી રહેવાસીઓની માંગણી છે.

(11:20 am IST)