Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

જાલીનોટો મોકલનારા પુનાના કમલેશને હૈદરાબાદથી ૨૦૦૦-૧૦૦ના દરની નકલી નોટો પણ આવતી હતી

રાજકોટ સિવાય બીજે ક્‍યાં ક્‍યાં નોટો મોકલી? કોણ મોકલતું? સહિતના મુદ્દે તપાસ

રાજકોટ તા. ૨૧: રાજુલાના ફેક્‍ટરી સંચાલક ભરત ઉર્ફ કિશોર મેરામભાઇ બોરીચાએ દેણુ ઉતારવા પોતાના રાજુલા સ્‍થિત મિત્ર તેજસની મદદથી રાજકોટના ત્રણ શખ્‍સો મારફત પુનાના કમલેશ પાસેથી ૫૦૦ના દરની જાલીનોટો મંગાવી ચલણમાં વહેતી કરી દેતાં આ કાવત્રાનો એ-ડિવીઝન પોલીસે પર્દાફાશ કરી પાંચને ઝડપી લીધા હતાં. પુનાથી જાલીનોટો મોકલનારા કમલેશ ઉર્ફ કનુ શીવનદાસ જેઠવાણીને પણ પોલીસ પકડીને રાજકોટ લઇ આવી હોઇ તેની વિશેષ પુછતાછ માટે રિમાન્‍ડની તજવીજ થઇ રહી છે. કમલેશે માત્ર ૫૦૦ની નહિ ૨૦૦૦ અને ૧૦૦ના દરની નોટો પણ આપી હોઇ આ પ્રકારની નોટો પણ રાજકોટ સહિત બીજા શહેરોમાં સપ્‍લાય કરી હોવાની શંકાએ તપાસ થઇ રહી છે.

પોલીસે આ કેસમાં ગુરપ્રિતસિંઘ ઘનશ્‍યામદાસ કારવાણી (ઉ.વ.૪૭-રહે. જંકશન પ્‍લોટ દેના બેંકની સામે), ભરત ઉર્ફ કિશોર મેરામભાઇ બોરીચા (ઉ.વ.૪૦-રહે. નિધી એપાર્ટમેન્‍ટ સાધુ વાસવાણી રોડ, મુળ દુર્લભનગર સોસાયટી મહુવા રોડ રાજુલા), વિમલ બિપીનભાઇ થડેશ્વર (ઉ.વ.૩૯-રહે. પેન્‍ટાગોન એપાર્ટમેન્‍ટ સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ સામે), તેના ભાઇ મયુર બિપીનભાઇ થડેશ્વર (ઉ.વ.૪૩-રહે. જંકશન પ્‍લેટ-૧૩/૭) તથા ભરતના મિત્ર તેજસ ઉર્ફ ગોપાલ રાજુભાઇ જસાણી (ઉ.વ.૩૦-રહે. નિલકંઠ પાર્ક રામનગર સોસાયટી બાબરા)ની ધરપકડ કરી રૂા. ૫૦૦ના દરની ૫૧૩ જાલીનોટ કબ્‍જે કરી હતી. આ પાંચેયના ચાર દિવસના રિમાન્‍ડ મળતાં વધુ પુછતાછ શરૂ થઇ છે.

 છઠ્ઠા આરોપી કમલેશને પણ પુના પોલીસની મદદથી પકડી લઇ રાજકોટ લાવવામાં આવ્‍યો છે અને તેની વિશેષ પુછતાછ શરૂ કરવામાં આવી છે. તેણે રાજકોટ સિવાય બીજે ક્‍યાં કયાં કેટલી નોટો મોકલી? હૈદરાબાદમાંથી નોટો આવતી હતી તો કોણ મોકલતું હતું? કે પછી પોતે જ કલર પ્રિન્‍ટરની મદદથી કે બીજી રીતે છાપતો હતો? આ સહિતના મુદ્દે રિમાન્‍ડ મેળવવા તજવીજ થઇ રહી છે. તેણે ભરતને ૨૦૦૦ અને ૧૦૦ના દરની એક એક નકલી નોટ પણ આપી હતી. જે ભરતે ફાડી નાંખી હતી. આમ ૫૦૦ સિવાયના દરની નોટો પણ મળવાની શક્‍યતા છે.

પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ બી. એચ. પરમાર, એએસઆઇ ભરતસિંહ વી. ગોહિલ, એએસઆઇ એમ. વી. લુવા, હેડકોન્‍સ. વિરભદ્રસિંહ જાડેજા, કોન્‍સ. જયરાજસિંહ કોટીલા, જગદીશભાઇ વાંક, કેતનભાઇ બોરીચા, સાગરદાન દાંતી, ભગીરથસિંહ ઝાલા, હરપાલસિંહ જાડેજા, હરવિજયસિંહ ગોહિલ, નિરવભાઇ ખીમાણી, અશ્વિનભાઇ પંપાણીયા તથા સંજયભાઇ જાદવ તેમજ ક્રાઇમ બ્રાંચના એમ. જે. હુણ સહિતનો સ્‍ટાફ વધુ તપાસ કરે છે.

(4:30 pm IST)