Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

પતિએ મકાન લેવા માટે માવતર પાસે ૫૦ લાખ માંગ્‍યા, પતિ અને જેઠે મકાન ખાલી કરાવવા દબાણ કરી શિક્ષિકાને ત્રાસ

યુનિવર્સિટી વિસ્‍તારમાં રહેતા સ્‍નેહાબેન મણવરના પતિ કેયુર મણવર, સાસુ કંચનબેન મણવર અને જેઠ મેહુલ મણવર સામે ફરિયાદ

રાજકોટ,તા. ૨૧ : યુનિવર્સિટી રોડ પર આવેલ વસંત માર્વેલ એપાર્ટમેન્‍ટમાં રહેતી શિક્ષિકાને પતિ, સાસુ અને જેઠ સહિત મકાન લેવા માટે માતા પાસે ૫૦ લાખની માંગણી કરી તેમજ મકાન ખાલી કરાવવા માટે મકાન માલીકને દબાણ કરી ભાડા કરાર રદ કરવા માટેની નોટીસ આપી શારીરીક માનસીક ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી રોડ પર આવેલ વસંત માર્વેલ એપાર્ટમેન્‍ટ બી.-૩૦૨માં માતા-પિતા સાથે રહેતા સ્‍નેહાબેન કેયુરભાઇ મણવર (ઉવ.૩૫)એ મહિલા પોલીસ મથકમાં યુનિવર્સિટીના ગેઇટ પાસે શિલ્‍પન રેવા એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં. ૬૦૨માં રહેતા પતિ કેયુર જમનભાઇ મણવર, સાસુ કંચનબેન મણવર તથા જેઠ મેહુલ મણવર સામે ફરિયાદ નોંધાવી છે. સ્‍નેહાબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે, પોતે ઉપરોકત સરનામે છેલ્લા છ માસથી પુત્ર અને માતા-પિતા સાથે ભાડે રહે છે પોતે શિક્ષક તરીકે નોકરી કરે છે ૨૦૧૭માં કેયુર મણવર સાથે પોતાના લગ્ન જીવન દરમ્‍યાન પોતાને એક પુત્ર છે. લગ્ન બાદ પોતે પતિ સાથે આઇ-૪૦૧, કોપર રેસીડેન્‍સી, કાંગસીયાળી ગામમાં રહેતા હતા. લગ્ન જીવન એકાદ વર્ષ સારી રીતે ચાલેલ બાદ ૨૦૧૮માં પોતાનું લેપ્રોસ્‍કોપીનું ઓપરેશન કરાવ્‍યું હતું. તેમાં રૂા. ૬૦  હજાર જેટલો ખર્ચ થયો હતો. જેથી સાસુ પોતાને મેણાટોણા મારવાનું શરૂ કર્યું અને પોતાની ખબર કાઢવા આવ્‍યા ત્‍યારે સાસુએ કહેલ કે ‘તારા ઓપરેશન પાછળ જે ખર્ચ થયો છે તે મારા દીકરાએ ઓફીસ બનાવવા માટે ભેગા કર્યા હતા. અને ૨૦૧૯માં પોતે દ્વારકા પ્રાથમીક શિક્ષકમાં વારો આવી ગયેલ તે વખતે પોતે ગર્ભવતી હોવાથી પોતે સ્‍વીકારેલ નહોતી. જેથી પતિ અને સાસુ અવારનવાર મેણા ટોણા મારી શારીરીક માનસીક ત્રાસ આપતા હતા. બાદ પતિ એ જેઠ સાથે મળીને ઘરનો ફલેટ વેચી દીધો હતો તેથી પોતે ભાડાના મકાનમાં રહેવા માટે ગયા હતા. ત્‍યાં ૨૦ દિવસ બાદ પતિએ ઝઘડો કરી પોતાને મારમારીને પોતાના મમ્‍મીને ૫૦ લાખનું મકાન લઇ દેવાની માંગણી કરેલ. ત્‍યારબાદ મારા પતિ જાતે જ ઘર છોડીને જતા રહેલ પોતાના પુત્રને માનસીક સ્‍વાસ્‍થીયને લગતી બીમારીથી પીડાતો હોય જેની સારવાર ચાલી રહી છે. તેમ છતાં પતિ અને જેઠ પોતાના મકાન માલીકને મકાન ખાલી કરાવવા માટે દબાણ કર્યું હતું. તેમજ તેમને ભાડા કરાર રદ કરવા માટેની નોટીસ પણ આપી હતી અને અવારનવાર શારીરીક માનસીક ત્રાસ આપતા પોતે માવતરે આવ્‍યા બાદ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ જે.જી.ચૌધરીએ તપાસ આદરી છે.

(4:20 pm IST)