Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

રાજકોટ યાર્ડમાં નવા ઘઉંની આવક શરૃ : મુહુર્તમાં મણના ૧૩૭પ રૃા.ના ભાવે સોદા

જુના ઘઉંના ભાવ પ૦૦ થી ૬૦૦ રૃા. છે : ગત વર્ષ કરતા ચાલુ વર્ષે નવા ઘઉંના ભાવ ૧૦૦ થી ર૦૦ રૃા. ઉંચા રહેશે : પડધરીના વિસામણ ગામના ખેડુત મોહનભાઇને હરરાજીમાં નવા ઘઉંના મુહુર્તમાં ઉંચા ભાવ અપાયા

રાજકોટ, તા., ૨૧: રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે નવા ઘઉંની આવકનો પ્રારંભ થયો હતો. મુહુર્તના સોદામાં ખેડુતને ૧૩૭પ રૃપીયાના ઉંચા ભાવ અપાયા હતા.

રાજકોટ યાર્ડમાં આજે નવા ઘઉંની ૩૦ મણની આવક થઇ હતી.  નવા ઘઉં પ્રથમવાર લાવનાર પડધરીના વિસામણ ગામના ખેડુત મોહનભાઇ ડાયાભાઇને કમીશન એજન્ટ બાલાજી ટ્રેડીંગ મારફત ઘઉં  ખરીદનાર જય અંબે ટ્રેડીંગ દ્વારા મુહુર્તના સોદામાં એક મણના૧૩૭પ રૃપીયા લેખે ભાવ અપાયા હતા. આગામી દિવસોમાં હવે ધીમે ધીમે નવા ઘઉંની આવકો શરૃ થશે.

માર્કેટ યાર્ડમાં આજે જુના ઘઉં લોકવનની  ૧પ૦ કવીન્ટલની આવક હતી. એક મણના ભાવ પ૦૮ થી પ૬૮ રૃપીયા હતા. જયારે ઘઉં ટુકડા એક મણના ભાવ પ૧૬ થી ૬૦ર રૃપીયા હતા.  વેપારી સુત્રોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ઘઉંના ભાવ ગત વર્ષ કરતા ૧૦૦ થી ર૦૦ રૃપીયા ઉંચા રહેશે. ગત વર્ષે  ઘઉં ૧ મણના ૩પ૦ થી પ૫૦ રહયા હતા.  ચાલુ વર્ષે પ૦૦ થી ૬૭૫ રૃપીયા ભાવ રહે તેવી શકયતા છે. હાજરમાં સ્ટોકના અભાવે ઘઉંના ભાવ વધી રહયા છે.

ચાલુ વર્ષે રશીયા અને યુક્રેનના યુધ્ધના કારણે છેલ્લા બે માસથી ઘઉંના ભાવ સતત વધી રહયા છે. સરકારે ઘઉંની એક્ષપોર્ટ  પર મનાઇ કરી દેતા ભાવ હાલમાં સ્થિર છે. નવી સીઝનમાં ઘઉંના ભાવ ઉંચા રહેશે.

(4:22 pm IST)