Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

વોર્ડ નં. ૪ અને ૧૮માં ગેરકાયદે બાંધકામોનો કડુસલો : ૬.૬૫ કરોડની જમીન ખુલ્લી

મનપાના બુલડોઝરની ઇસ્‍ટ ઝોનના વિસ્‍તારોમાં ધણધણાટી : અટીકા, સ્‍વાતી પાર્ક, લિજ્જત પાપડ પાસે તથા જુના મોરબી રોડ પરની ૧૫૪૬.૦૦ ચો.મી.ની જગ્‍યામાંથી ૧ દુકાન, ફેન્‍સીંગ, ૩ ઓરડી, કમ્‍પાઉન્‍ડ વોલ તથા નવા બાંધકામનું ડિમોલીશન

રાજકોટ તા. ૨૧ : મનપા દ્વારા સરકારી જમીનો ઉપર ખડકાયેલ ગેરકાયદે મકાનો, ઝુપડી, ઓરડીઓ હટાવી જમીન ખુલ્લી કરવાની ઝુંબેશના ભાગરૂપે આજે ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા શહેરના ઇસ્‍ટ ઝોનના વિવિધ વિસ્‍તારો અટીકા ફાટક પાસે સ્‍વાતી પાર્ક રોડ, લીજ્જત પાપડની બાજુમાં તથા મોરબી રોડ ખાતે ડીમોલેશન હાથ ધરાયેલ.

આ ડીમોલેશન અંતર્ગત એક દુકાન તથા વાયર ફેન્‍સીંગ, ૩ ઓરડીઓ, કમ્‍પાઉન્‍ડ વોલ તથા નવા બાંધકામના પાયાનો કડુસલો બોલાવી ૧૫૪૬.૦૦ ચો.મી.ની રૂા. ૬.૬૫ કરોડની જમીન ખુલ્લી કરાઇ હતી.

મનપાની સત્તાવાર યાદી મુજબ કમિશ્નર અમિત અરોરાના આદેશ અનુસાર તથા ટાઉન પ્‍લાનીંગ ઓફિસર એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ આજે પૂર્વ ઝોન વોર્ડ નં.૪ અને ૧૮ માં થયેલ અન-અધિકૃત દબાણો દુર કરેલ છે.અને અંદાજીત ૧૫૪૬.૦૦ચો.મી.ની જમીન ખુલ્લી કરાવેલ છે.

જેમાં વોર્ડ નં.૧૮ માં અટીકા ફાટકની સામે, કૈલાશપતી ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં આવેલ રાજકોટ ટી.પી.સ્‍કીમ નં.૧૦, અંતિમખંડ નં.૮૩, નાં અનામત પ્‍લોટમાંથી ૧ દુકાન તથા વાયર ફેન્‍સીંગ દુર કરી ૭૩૬.૦૦ ચો.મી. જમીન રૂા. ૩.૬૮ કરોડ, વોર્ડ નં.૧૮ માં સ્‍વાતી પાર્ક રોડ, ખોડલધામ-૪ ની સામેઆવેલ રાજકોટ ટી.પી.સ્‍કીમ નં.૧૨ (કોઠારીયા), અંતિમખંડ નં.૩૪/એ, નાં અનામત પ્‍લોટમાંથી ૩ ઓરડીની ૪૬૦.૦૦ ચો.મી. જમીન રૂા. ૨.૦૭ કરોડ તેમજ વોર્ડ નં.૧૮ માં નેશનલ હાઇવે, લિજ્જત પાપડની બાજુમાંઆવેલ રાજકોટ ટી.પી.સ્‍કીમ નં.૧૨ (કોઠારીયા), ૨૦.૦૦ મીટર ટી.પી.રોડ ઉપર ખડકાયેલ કમ્‍પાઉન્‍ડ વોલ ૨૦૦ ચો.મી. તથા વોર્ડ નં.૪ માં આવેલ જુના મોરબી પર શ્રી પાર્કની બાજુમાં, ટી.પી.સ્‍કીમ નં.૧૩ (રાજકોટ), એફ.પી.સી/૩, અનામત હેતુનાં પ્‍લોટમાં થયેલ નવા બાંધકામના પાયા ખોદેલ છે જે દૂર કરી ૧૫૦ ચો.મી. જમીન ૯૦ લાખની ખુલ્લી કરાયેલ. જેમાં ૧૫૪૬.૦૦ ચો.મી. જમીન જેની અંદાજીત કિંમત ૬.૬૫ કરોડ છે તેના પરથી દબાણ હટાવાયેલ છે.

આ ડિમોલીશનમાં ટાઉન પ્‍લાનીંગ શાખા (ઇસ્‍ટ ઝોન)ના તમામ સ્‍ટાફ તથા રોશની શાખા, દબાણ હટાવ શાખા, સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા, ફાયર અને ઇમરજન્‍સી વિભાગ, બાંધકામ શાખા તથા કાયદો અને વ્‍યવસ્‍થા જળવાય રહે તે માટે વિજિલન્‍સ શાખાનો સ્‍ટાફ સ્‍થળ પર હાજર રહેલ.

(3:42 pm IST)