Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

હોટેલ-ગેસ્‍ટ હાઉસમાં ઓચીંતુ ચેકીંગઃ ૩૫ ટીમો ત્રાટકી

રાજકોટમાં બસ સ્‍ટેશન પાછળ પોલીસના ધાડેધાડા ઉતરી પડયાઃ ગેરપ્રવૃતિ, આઇડી વગર અપાતાં રૂમ, રજીસ્‍ટરમાં ઉતારૂઓની નોંધ સહિતના મુદ્દે તપાસઃ કોઇ ગેરપ્રવૃતિ નજરે ન ચડી : પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનર સોરભ તોલંબીયાની સુચનાથી ડ્રાઇવઃ ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલની રાહબરીમાં પાંચ એસીપી, ૩૦ પીઆઇએ તેમની ટીમો સાથે દરોડા પાડયાઃ કઇ હોટેલમાં કોને જવાનું તેની બંધ કવરમાં લિસ્‍ટ આપવામાં આવ્‍યા

ચેકીંગ ડ્રાઇવ: શહેરના એસટી બસ પોર્ટ પાછળ આવેલી ૧૫૦ જેટલી હોટેલ અને ગેસ્‍ટ હાઉસમાં આજે સવારે ઓચીંતા પાંચ એસીપી, ત્રીસ પીઆઇ સહિત ૨૦૦ના સ્‍ટાફે અલગ અલગ ટીમો બનાવી દરોડા પાડી ચેકીંગ હાથ ધર્યુ હતું. દરોડાને પગલે શહેરભરમાં ચર્ચા જાગી હતી. જો કે ચેકીંગમાં કંઇ શંકાસ્‍પદ કે વાંધાજનક પ્રવૃતિ સામે આવી નહોતી. અલગ અલગ હોટેલ-ગેસ્‍ટ હાઉસમાં ચેકીંગ કરી રજીસ્‍ટર, સીસીટીવી ફૂટેજ તપાસી રહેલા અધિકારીઓ, કર્મચારીઓ જોઇ શકાય છે. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૧: શહેરની અલગ અલગ હોટેલ અને ગેસ્‍ટહાઉસોમાં કોઇ ગેરપ્રવૃતિઓ ન થાય, શંકાસ્‍પદ લોકોની અવર જવર ન રહે અને ઉતારૂઓના રજીસ્‍ટરમાં નામ-સરનામા સહિતની નોંધણી નિયમીત થાય તેમજ આઇકાર્ડ વગર કોઇને ઉતારો આપવામાં ન આવે તે માટે શહેર પોલીસે અગાઉથી જ તમામ હોટેલ-ગેસ્‍ટહાઉસના સંચાલકોઅને સુચનાઓ આપી  હોઇ આ નિયમોનું પાલન બરાબર થાય છે કે કેમ? તે જોવા પોલીસ સમયાંતરે ઓચીંતા ચેકીંગ કરી ડ્રાઇવ યોજી તપાસ કરતી હોય છે. તે અંતર્ગત આજે સવારે પોણા અગિયારેક વાગ્‍યે પાંચ એસીપી, ૩૦ પીઆઇની ૩૫ જેટલી ટીમોએ ઓચીંતા એસટી બસ પોર્ટ પાછળના ભાગે આવેલી ૧૬૦ જેટલી હોટેલો, ગેસ્‍ટહાઉસોમાં ઓચીંતા ત્રાટકી ચેકીંગ હાથ ધરતાં લોકોના ટોળા કામગીરી નિહાળવા એકઠા થઇ ગયા હતાં. જો કે ચેકીંગ દરમિયાન મોડી બપોર સુધી એકેયમાંથી કંઇ શંકાસ્‍પદ કે ગેરકાયદે મળ્‍યું નહોતું.

હોટેલ અને ગેસ્‍ટ હાઉસમાં ઉતારૂઓના રજીસ્‍ટર રાખવા, પુરા નામ સરનામા અને આઇડી લઇને જ ઉતારો આપવો, સીસીટીવી ફૂટેજના રેકોર્ડીંગ રાખવા અને પોલીસને માંગે ત્‍યારે બતાવવા એ સહિતના નિયમો અમલમાં છે. આ નિયમોનું પાલન કરાવવા પોલીસ સમયાંતરે ઓચીંતા દરોડા પાડી ચેકીંગ કરતી હોય છે. ઘણીવાર હોટેલ-ગેસ્‍ટહાઉસમાંથી ગેરપ્રવૃતિઓ પણ ઝડપાતી હોય છે. કૂટણખાના, જૂગારધામ, દારૂની મહેફીલો પણ ઘણીવાર પકડાતી હોય છે. દરમિયાન આજે પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ અને સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયાની સુચનાથી ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલે બસ સ્‍ટેશન પાછળની ૧૬૦ જેટલી હોટેલો-ગેસ્‍ટહાઉસમાં સરપ્રાઇઝ ચેકીંગની ડ્રાઇવ યોજી હતી.

આ ડ્રાઇવમાં એસીપી ક્રાઇમ બી. બી. બસીયા તથા અન્‍ય ઝોનના એસીપી બી.વી. જાધવ, એસીપી મનોજ શર્મા, એસીપી બી. જે. ચોૈધરી, એસીપી ભાર્ગવ પંડયા તથા ત્રીસ પીઆઇ જેમાં ક્રાઇમ બ્રાંચ પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ બી. ટી. ગોહિલ, પીઆઇ એલ. એલ. ચાવડા, એસઓજી પીઆઇ જે. ડી. ઝાલા, એ-ડિવીઝન પીઆઇ કે. એન. ભુકણ, બી-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટ, ભક્‍તિનગર પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયા, થોરાળા પીઆઇ એલ. કે. જેઠવા, ગાંધીગ્રામ પીઆઇ એસ. એસ. રાણે, યુનિવર્સ્‍ટિી પીઆઇ એ. બી. જાડેજા, આજીડેમ પીઆઇ કે. જે. કરપડા, મહિલા પોલીસ સ્‍ટેશનના પીઆઇ બી. એમ. ઝણકાત એરપોર્ટ પીઆઇ એમ. એ. ઝણકાત સહિતના ૩૦ પીઆઇ તથા ૩૦ પીએસઆઇ સહિત ૨૦૦નો સ્‍ટાફ જોડાયો હતો.

તમામ ટીમોને બંધ કવરમાં હોટેલ ગેસ્‍ટ હાઉસના નામના લિસ્‍ટ અપાયા હતાં. લિસ્‍ટમાં જે નામ નીકળે તેમાં તપાસ કરવાની હતી. જો કે લગભગ કોઇ હોટેલ કે ગેસ્‍ટહાઉસમાંથી કંઇ શંકાસ્‍પદ કે વાંધાજનક મળ્‍યું નહોતું. પોલીસના ધાડેધાડા ગાડીઓ સાથે ઓચીંતા ત્રાટકતાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં અને કંઇક મોટી ઘટના બન્‍યાની વાતો વહેતી થઇ હતી. જો કે બાદમાં હોટેલ-ગેસ્‍ટહાઉસ ચેકીંગની ડ્રાઇવ હોવાનું ખુલ્‍યું હતું.  મોટા ભાગના ગેસ્‍ટ હાઉસ, હોટેલોના રજીસ્‍ટર ચકાસાયા હતાં. જેમાં કંઇ વાંધાજનક મળ્‍યું નહોતું. જેમાં શંકા ઉપજશે તેમાં એકાદ મહિનાનો અગાઉનો રેકોર્ડ પણ ચેક કરવામાં આવશે તેમ જાણવા મળ્‍યું છે.

(3:41 pm IST)