Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

શિયાળામાં હાર્ટએટેકથી બચવા માટે વધુ પાણી પીવોઃ ઓછું પીવાથી તકલીફ થઇ શકે

ઠંડીમાં હૃદયની નળીઓના સંકોચન અને બીપી વધવાથી હૃદયરોગનું પ્રમાણ વધુ : કુટુંબીના વયસ્કોને હૃદયરોગ હોય તેવા ૧૫ વર્ષથી નીચેના બાળકનું ચેકઅપ કરાવવું જોઇએ

વડોદરા, તા.૨૧: શિયાળામાં હૃદયરોગના દર્દીઓના પ્રમાણમાં વધારો થવા માટે ઠંડીના લીધે હૃદયની નળીઓનું સંકોચન અને બ્લડપ્રેશર વધી જવાનું પ્રમુખ કારણ હોવાનું હૃદયરોગના તજજ્ઞોએ જણાવ્યુ હતુ.

સામાન્ય રીતે વ્યકિતના શરીરનું તાપમાન ૩૫ ડીગ્રી સેન્ટીગ્રેડ હોય છે. જયારે શિયાળામાં ઠંડીના લીધે બહારના વાતાવરણનું તાપમાન ૧૨ ડીગ્રી કે તેથી પણ ઘટી જાય છે. આથી શરીરનું તાપમાન જાળવી રાખવા માટે શરીરમાં વધુ ઉર્જા ઉત્પન કરવી પડે. જે માટે મેટાબોલીઝમ વધતા શરીરમાનું પાણી ઓછુ થાય છે. જેનું પ્રમાણ જાળવવા માટે પાણી વધુ પીવું જોઇએ પરંતુ લોકો શિયાળામાં ઓછુ પાણી પીવે છે. આથી તેઓને તકલીફ ઉભી થવાની શકયતાઓ વધી જાય છે. શિયાળામાં લોહી પણ ઘટ્ટ થાય છે. આથી હૃદયરોગની શકયતાઓ વધી જાય છે. હૃદયરોગના નિષ્ણાંતે જણાવ્યુ હતુ કે ૧૫ વર્ષથી નીચેના વયના બાળકોમાં હૃદયરોગ માટે હૃદયની નળીમાં જન્મજાત ખામી, હૃદયના મસલ્સની ખામી (કાર્ડિયોમાયોપથી) વાઇરસનું હૃદય ઉપર થતુ આક્રમણ (વાઇરલ માયોકાર્ડિયાઇટીસ) જવાબદાર હોય છે. ૨૦ થી ૪૦ વર્ષની વયમાં લોહીનું એકાએક ગંઠાઇ જવુ, ધુમ્રપાન, તમાકુનુ સેવન કારણભુત હોય છે. જયારે ૪૦ વર્ષથી ઉપરની વ્યકિતઓમાં હૃદયની નળીઓ સાંકડી થવી અને કોલેસ્ટ્રોલ વધી જવુ કારણભુત હોય છે. હૃદયરોગથી દૂર રહેવા કસરત યોગ અને સમયાંતરે શરીરની તપાસ કરાવવી જોઇએ.(૨૩.૨૦)

સૂંઠ, લસણ, ડુંગળી, અજમો, ગરમ મસાલાનું સેવન કરવું

વડોદરાઃ શિયાળામાં ઠંડી વધી જવાથી લોહી જાડુ થવાની ઘટના બને છે. લોહી પાતળુ રાખવા માટે અને લોહીનું યોગ્ય પરિભ્રમણ જરૃરી છે. જે માટે સુંઠ, લસણ, ડુંગળી, અજમો અને ગરમ મસાલાનું સેવન જરૃરી હોવાનું આયુર્વેદના જાણકારોએ કહ્યું છે. તેમણે ઉમેયું કે, આ વસ્તુઓના સેવનથી રકતવાહીનીની દીવાલ લચીલી રહે છે. પ્લટેલેટ એકબીજા સાથે ગંઠાઇ જતા નથી. જયારે લોહી પાતળુ રહે છે. બેઠાડું જીવન જીવતા હોય તેઓને શિયાળામાં સમસ્યા થઇ શકે છે. આથી વ્યાયામ જરૃરી હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.

(3:40 pm IST)