Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

ખોડલધામનો દશાબ્‍દી મહોત્‍સવ ઐતિહાસિક બનશે : નરેશ પટેલ

ખોડલધામ સમાજસેવાથી માંડી રાષ્‍ટ્રના કલ્‍યાણ માટે સેવારત છે : ભુપેન્‍દ્રભાઇ પટેલ : નરેશભાઇ પટેલ ગૃપ દ્વારા આરોગ્‍યધામ માટે રૂા. રપ કરોડના દાનની જાહેરાતઃ ખોડલધામમાં નવા ૪૦ ટ્રસ્‍ટીઓ ઉમેરાયાઃ અનારબેન પટેલ ખોડલધામના ટ્રસ્‍ટી બન્‍યાઃ પ૦ એકર જમીનમાં આરોગ્‍ય અને શિક્ષણના ધામ ખોડલધામ દ્વારા નિર્માણ થશે

આજે ખોડલધામ ખાતે આયોજીત ધર્મોત્‍સવમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. આ તકે ભુ૫ેન્‍દ્રભાઇ પટેલ અને નરેશભાઇ પટેલે લોકોનું અભિવાદન ઝીલ્‍યું હતું. જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા., ૨૧: ખોડલધામ પ્રાણ પ્રતિષ્‍ઠાના ૭ માં વર્ષ  પ્રવેશ પ્રસંગે યોજાયેલા ભવ્‍ય અને દિવ્‍ય કાર્યક્રમમાં મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ ઉપસ્‍થિત રહીને જણાવ્‍યું હતું કે, ખોડલધામ  માત્ર મંદિર નથી એ એક વિચારધારા છે. ખોડલધામ દ્વારા ધર્મસેવા ઉપરાંત સમાજથી માંડીને રાષ્‍ટ્રના વિકાસના કાર્યો થાય છે. આવી સંસ્‍થા સમાજ માટે પ્રેરણાદાયક અને ગૌરવપુર્ણ ગણાય. જો કે સૌરાષ્‍ટ્રની ભુમી જ સંત અને સુરાની ભુમી ગણાય છે. અહીં દર કિલોમીટરે રોટલો અને ઓટલો મોજુદ છે. આ ભુમીને વંદના કરવી જોઇએ.

ભુપેન્‍દ્રભાઇએ આગળ જણાવ્‍યું હતું કે, નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં ભારત વિશ્વગુરૂ  બનવા તરફ દોડે છે. મોદીજીએ ભારતમાં વિકાસની રાજનીતીથી અનેક સિમાચિન્‍હો  પાર પાડયા છે. વિશ્વભરમાં ભારતનું ગૌરવ  વધ્‍યું છે. નજીકના દિવસોમાં જી-ર૦ ઇવેન્‍ટ  થનાર છે. જેમાં ૨૦ દેશો ભાગ લેશે. આપણા માટે આ ખુબ જ ગૌરવપુર્ણ આ ઘટના ગણાશે. મુખ્‍યમંત્રીએ અંતમાં જણાવ્‍યું હતું કે, ખોડલધામ આસ્‍થાનું કેન્‍દ્ર છે. અહિંથી આપણે દિવ્‍ય શકિત મેળવીને સુખાકારી વધારવી જોઇએ.

કાર્યક્રમમાં ખોડલધામના મોભી શ્રી નરેશભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, ખોડલધામ  રાષ્‍ટ્ર કલ્‍યાણના ઉચ્‍ચ ધ્‍યેયથી સક્રિય છે. આ મહાકાર્યમાં દરેક સમાજઅને સરકારનો સહયોગ પ્રાપ્ત થઇ રહયો છે. ૧૫ વર્ષ પુર્વે અહીં પથ્‍થરો હતા. આજે ભવ્‍યાતીભવ્‍ય ખોડલધામ સંકુલ ધમધમી રહયું છે. આ નિર્માણમાં સરકારનો પણ સહયોગ રહયો છે. આનંદીબેન પટેલની સરકારે પાણી તથા અન્‍ય વ્‍યવસ્‍થા ઝડપથી કરી હતી. ઉપરાંત ભુપેન્‍દ્રભાઇનો પણ હું વંદના સાથે આભાર માનુ છું, તેમની સરકારે પણ ખોડલધામને સહયોગ કર્યો છે.

નરેશભાઇએ જણાવ્‍યું હતું કે, ખોડલધામ દ્વારા શતાબ્‍દી મહોત્‍સવ ઐતિહાસિક રૂપે ઉજવાશે. ર૦ર૭ ની સાલમાં જાન્‍યુઆરીની ર૧ મી તારીખે આ ભવ્‍ય આયોજન કરવામાં આવશે. આ માટે અમે અત્‍યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. મીટીંગોનો ધમધમાટ ચાલી રહયો છે. આ મહોત્‍સવ ઐતિહાસિક હશે.  નરેશભાઇએ કહયું હતું કે, અહીં અમરેલીમાં પ૦ એકર ભુમી પર ખોડલધામ દ્વારા ભવ્‍યાતીભવ્‍ય સુવિધાઓ ધરાવતા આરોગ્‍ય કેન્‍દ્રનું નિર્માણ થનાર છે. આવા ભવનો ગુજરાતમાં અન્‍ય ચાર બનવાના છે. આ માટે પણ ખોડલધામ સક્રિય બની છે. આનંદની વાત છે કે ખોડલધામમાં આજે ૪૦ નવા ટ્રસ્‍ટીઓ ઉમેરાયા છે. અંતમાં હું ખોડીયાર માતાજીને પ્રાર્થના કરૂ છું કે સમગ્ર ગુજરાત આનંદમય બની રહે તેવી કૃપા કરો.

(3:33 pm IST)