Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

ત્રંબા ગામે પત્‍નિની હત્‍યા કરવાના ગુનામાં પકડાયેલ આરોપી પતિનો નિર્દોષ છૂટકારો ફરમાવતી સેસન્‍સ કોર્ટ

ફરિયાદ પક્ષ આરોપી વિરૂધ્‍ધનો કેસ પુરવાર કરવામાં નિષ્‍ફળ ગયેલ છેઃ કોર્ટ

રાજકોટ તા. ર૧: અત્રે આરોપી મનકર નાનજીભાઇ રાઠવાએ તા. ર૮.૦૩.ર૦ર૧નાં રોજ તેની પત્‍નિ સાથે નજીવી બાબતે બોલાચાલી તથા ઝઘડો થતા જે બાબતેનો ખાર રાખી આરોપીએ તેની પત્‍નિની હત્‍યા કરેલ જે ગુન્‍હાનાં કામે આરોપીની અટક આજીડેમ પોલીસ દ્વારા કરવામાં આવેલ ત્‍યારબાદ આરોપી સામે કેસ ચાલી જતા સેશન્‍સ કોર્ટ દ્વારા આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે, ધર્મેશભાઇ કરસનભાઇ ટીંબાડીયા રહે. કસ્‍તુરબા ધામ, ત્રંબા ગામ, તા.જિ. રાજકોટવાળાની વાડીએ આરોપી મનકર રાઠવા તથા તેની પત્‍નિએ વાડી વાવવા માટે રાખેલ હોય તા. ર૮/૦૩/ર૦ર૧ નાં રોજ રાત્રીનાં ૧૧:૩૦ વાગ્‍યાનાં અરસામાં હોળી પ્રગટાવવા બાબતે થયેલ ઝઘડાનાં લીધે આરોપીએ તેની પત્‍નિને કોસ વડે માથાનાં ભાગે ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી મૃત્‍યુ નિપજાવેલ તેવી ફરિયાદ તા. ર૯.૦૩.ર૦ર૧નાં રોજ ધર્મેશભાઇ કરસનભાઇ ટીંબાડીયાએ આજીડેમ પોલીસ સ્‍ટેશનમાં નોંધાવતાં પોલીસ દ્વારા ઇ.પી.કો. કલમ-૩૦ર તથા જી. પી. એકટની કલમ-૧૩પ અન્‍વયે આરોપીની અટક કરી તપાસ કરવામાં આવેલ અને તપાસનાં અંતે આરોપી વિરૂધ્‍ધ પુરતો પુરાવો હોવાથી કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ હતું.

સરકારપક્ષે કુલ-રર દસ્‍તાવેજી પુરાવાઓ ફરિયાદ, પ્રાદેશીક ન્‍યાયીક સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા, એફએસએલનાં પરીક્ષણ અહેવાલ, બાયોલોજી વિભાગનો પત્ર વિગેરે દસ્‍તાવેજો તેમજ ૭ સાક્ષીઓને તપાસવામાં આવેલ જે તમામ સાક્ષીઓની આરોપીનાં એડવોકેટ સ્‍તવન જી. મહેતા દ્વારા ઉંડાણપૂર્વક તથા વિગતવાર ઉલટતપાસ કરવામાં આવેલ હતી. ફરિયાદ પક્ષનાં પુરાવા પુર્ણ થતાં કોર્ટ દ્વારા આરોપીની પ્રશ્‍નોતરી સ્‍વરૂપેનું નિવેદન નોંધવામાં આવેલ અને ત્‍યારબાદ આરોપી વિશેષમાં કોઇ સાક્ષી તપાસવા માંગતા ન હોય અને પોતે નિર્દોષ હોય છોડી મુકવા અરજ કરેલ છે.
ફરિયાદ પક્ષ તથા આરોપી પક્ષની દલીલ સેશન્‍સ કોર્ટે વિગતવાર સાંભળેલ તેમજ રેકર્ડ પરનાં પુરાવાનો તલસ્‍પર્શી અભ્‍યાસ કરી સેશન્‍સ કોર્ટ એવા નિષ્‍કર્મ પર આવેલ હતી કે, મૌખિક તથા દસ્‍તાવેજી પુરાવાનાં અવલોકન, મુલ્‍યાંકન અને પૃથ્‍થકરણ કરતા ફરિયાદ પક્ષ આરોપી વિરૂધ્‍ધ નિશંકપણે ફરિયાદ મુજબનાં આક્ષેપો આરોપી વિરૂધ્‍ધ પુરવાર કરવામાં નિષ્‍ફળ ગયેલ હોય જેથી આરોપીને ઇ.પી. કોડની કલમ-૩૦ર તથા જી.પી. એકટની કલમ-૧૩૪ મુજબનાં ગુન્‍હામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરવામાં આવેલ છે.

આ કામે આરોપી વતી રાજકોટનાં એડવોકેટ સ્‍તવન જી. મહેતા, નિકુંજ શુકલા, કૃશન ગોર, બ્રિજેશ ચૌહાણ, સંજય ચોથાણી, ત્રિશહુલ પટેલ, અશોક સાસકીયા, વિપુલ રામાણી તથા મદદનીશ તરીકે ભૂષણ ઠકકર રોકાયેલ હતા.

(3:30 pm IST)