Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

બેડીના પૂલ નીચે નદીમાંથી યુવાનની કોહવાઇ ગયેલી લાશ મળતા લોકોના ટોળા ઉમટયાઃ તપાસનો ધમધમાટ

મૃતક પાસેથી મળેલા આધારકાર્ડ પરથી તપાસઃ અકસ્‍માતે ડૂબ્‍યો કે અન્‍ય કંઇ બન્‍યું? તે જાણવા પોસ્‍ટ મોર્ટમ રિપોર્ટની જોવાતી રાહ

બેડીના પૂલ નીચે લાશ મળ્‍યાની વાતે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં. તસ્‍વીરમાં મૃતદેહ, લોકો, પોલીસ, ૧૦૮ની ટીમ જોઇ શકાય છે. તસ્‍વીરો ગવરીદળથી જીજ્ઞેશ પ્રજાપતિએ મોકલી હતી.

રાજકોટ તા. ૨૧: શહેરના મોરબી રોડ પર બેડીના પૂલ નીચે નદીમાંથી અજાણ્‍યા યુવાનની લાશ મળી આવતાં લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતાં. મૃતદેહને બહાર કાઢી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. યુવાનનું મોત અકસ્‍માતે ડૂબી જવાથી થયું? આપઘાત કર્યો કે અન્‍ય કંઇ બન્‍યું? તેની તપાસ થઇ રહી છે. મૃતકની ઓળખ મેળવવા પોલીસે કાર્યવાહી આદરી છે અને મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્‍ટ મોર્ટમ કરાવવા મૃતદેહ હોસ્‍પિટલે ખસેડયો છે.

જાણવા મળ્‍યા મુજબ બેડી નદીના પૂલ નીચે રાધે રાધે ગોૈશાળા નજીક નદીમાં એક યુવાન બેભાન હાલતમાં ઉંધો પડયો હોવાની જાણ કોઇએ કરતાં ૧૦૮ પહોંચી હતી. તેના ઇએમટી રાજેશભાઇ ભાલીયા, પાઇલોટ ગોરધનભાઇ રબારીએ લોકોની મદદથી યુવાનને પાણીમાંથી બહાર કાઢયો હતો. ઇએમટીની તપાસમાં તે મૃત જણાતાં પોલીસને જાણ કરવામાં આવતાં બી-ડિવીઝનના અશ્વિનભાઇ રાઠોડ, નિરવભાઇ સહિતનો સ્‍ટાફ પહોંચ્‍યો હતો. મૃતક પાસેથી એક આધારકાર્ડ મળ્‍યું હોઇ તેના આધારે પોલીસે ઓળખ મેળવવા તજવીજ આદરી છે. તે મધ્‍યપ્રદેશ તરફનો હોવાની શક્‍યતા છે. આધારકાર્ડમાં મુકેશ નામ હોઇ તેના આધારે તપાસ શરૂ થઇ છે. લાશ મળ્‍યાની વાતે લોકો મોટી સંખ્‍યામાં ઘટના સ્‍થળે ઉમટી પડયા હતાં. મૃતક યુવાનની ઉમર આશરે ૨૫ થી ૩૦ વર્ષ છે, તેણે કાળુ જાકીટ અને કાળુ પેન્‍ટ પહેર્યુ છે. લાશ કોહવાઇ ગઇ હોઇ બે ત્રણ દિવસ પહેલા ડુબી ગયાની શક્‍યતા છે. તેના ખિસ્‍સામાંથી લીલા ચણા પણ મળી આવ્‍યા છે. કાંઠે બેઠો હતો ત્‍યારે અકસ્‍માતે ડૂબ્‍યો, આપઘાત કર્યો કે પછી અન્‍ય કંઇ બન્‍યું? તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પોસ્‍ટ મોર્ટમ બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે.

(3:29 pm IST)