Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

કોરોના સાવ હળવો પણ વેરીઅન્‍ટના સંભવિત નવા સ્‍વરૂપ અંગે સતર્કતા જરૂરી : ઋષિકેશ પટેલ

જનજન સે હમે બતાના હૈ, ટીકાકરણ (રસી) સે કોરોના કો ભગાના હૈ : પ્રીકોશન ડોઝ બાકી હોય તો લઇ લેજો : આરોગ્‍ય, કાયદો, ઉચ્‍ચ શિક્ષણ વગેરે વિભાગના મંત્રી અકિલાની મુલાકાતે : ગુજરાતમાં મોટા જનસમુદાયની હાજરીવાળા કાર્યક્રમો થઇ રહ્યા છે છતાં કોરોનાના નવા કેસ સાવ નહિવત : ડાયાબીટીસ જેવા બિનચેપી રોગ પર સરકાર વધુ ધ્‍યાન કેન્‍દ્રીત કરશે : રાજકોટ જનાના હોસ્‍પિટલની નવી બિલ્‍ડીંગ તૈયાર : ટુંક સમયમાં ઉદ્‌ઘાટનઃ કાયદા વિભાગમાં અપીલની મંજૂરી અંગે ઝડપી નિર્ણય લેવા વિભાગવાર અધિકારીઓની નિમણૂક

મંત્રીશ્રી ‘અકિલા'ના આંગણે : ગુજરાતના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ, કાયદો અને ન્‍યાય તંત્ર, ઉચ્‍ચ શિક્ષણ વગેરે વિભાગોના આરોગ્ય મંત્રી અને વિસનગરના ધારાસભ્‍ય શ્રી ઋષિકેશ પટેલે ગઇકાલે અકિલા કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત લઇ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વિવિધ વિષયોની વિસ્‍તૃત ચર્ચા કરેલ. આ મુલાકાત સમયે રાજકોટ જિલ્લા પંચાયતના કાર્યકારી મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. નિલેશ રાઠોડ તથા સ્‍કુલ હેલ્‍થ આસી. જયેશ ત્રિવેદી સાથે રહ્યા હતા. અકિલા પરિવાર વતી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને ડો. અનિલ દશાણીએ મહેમાનોનું અંતરના ઉમળકાથી સ્‍વાગત કર્યું હતું. (તસ્‍વીર : સંદીપ બગથરિયા)

 

રાજકોટ તા. ૨૧ : ગુજરાતના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ, તબીબી શિક્ષણ, ઉચ્‍ચ અને ટેકનિકલ શિક્ષણ, કાયદો અને ન્‍યાય તંત્ર, સંસદીય બાબતો વગેરે વિભાગોના કેબીનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલએ ગુજરાતમાં કોરોનાનો રોગ સાવ હળવો થઇ ગયાનો આનંદ વ્‍યકત કરી કોરોના વેરીઅન્‍ટના ભવિષ્‍યના સંભવિત નવા સ્‍વરૂપ અંગે સતર્ક રહેવાની જરૂરીયાત જણાવી છે. તેમણે લોકોને વારંવાર હાથ ધોવાની તથા એકબીજા સાથે હાથ મિલાવવાના બદલે હાથ જોડવાની ટેવ પાડવા અને પ્રિકોશન ડોઝ બાકી હોય તો લઇ લેવા અપીલ કરી છે. તેમણે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સંતોષકારક આંતરમાળખાકીય સુવિધા હોવાનું જણાવ્‍યું હતું.

ગઇકાલે રાજકોટ આવેલા મંત્રી શ્રી ઋષિકેશ પટેલએ અકિલા કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત પ્રસંગે જણાવેલ કે, ગુજરાતમાં સતત ૪ દિવસ સુધી કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયેલ નહિ. ગઇકાલે માત્ર ૪ નવા કેસ મળ્‍યા છે. હાલ દુનિયામાં જે વેરીઅન્‍ટ છે તે પ્રકારના દર્દીઓ ગુજરાતમાં હોમ આઇસોલેશનમાં જ સાજા થઇ રહ્યા છે. રાજ્‍યમાં ધાર્મિક અને અન્‍ય ક્ષેત્રના કાર્યક્રમો ચાલી રહ્યા છે. જેમાં લોકો મોટી સંખ્‍યામાં એકત્ર થઇ રહ્યા છે છતાં કોરોનાએ માથુ ઉંચકયું નથી તે સારી બાબત છે. કોરોના અત્‍યારે સાવ હળવો છે પણ વેરીઅન્‍ટ ગમે ત્‍યારે સ્‍વરૂપ બદલે તે અશક્‍ય નથી તેથી ડર નહિ પણ સંપૂર્ણ સાવચેતી જરૂરી છે.

આરોગ્‍ય મંત્રીએ જણાવેલ કે, એક વખત કોરોના થઇ ગયો હોય તેવી સંખ્‍યા મોટા પ્રમાણમાં છે તેથી હર્ડ ઇમ્‍યુનીટી થઇ ગઇ છે તેવું તારણ નીકળે છે. રસીના ડોઝ લઇ લીધા હોય તેને કોરોનાના સામનામાં ઘણી મદદ મળે છે. પ્રીકોશન ડોઝ અથવા પહેલો, બીજો ડોઝ બાકી હોય તો લઇ લેવો જોઇએ. રાજ્‍યમાં રસીના નવા બે લાખ ડોઝ આવ્‍યા છે.

તેમણે જણાવેલ કે, ડાયાબીટીસ જેવા બિનચેપી દર્દો પર સરકાર વધુ ધ્‍યાન કેન્‍દ્રીત કરવા માંગે છે. જનસુખાકારી માટે સરકાર સતત પ્રયત્‍નશીલ છે.

કોર્ટના ચૂકાદા સામે અપીલ કે રીવીઝન અંગેનો નિર્ણય લેવામાં થતા વિલંબ અંગેના સવાલના જવાબમાં શ્રી ઋષિકેશ પટેલએ જણાવેલ કે, તેના માટે દરેક વિભાગ માટેના લાયઝન ઓફિસરની કાયદા વિભાગ દ્વારા નિમણૂક કરવામાં આવી છે. હાઇકોર્ટ સાથે સંકલન જળવાઇ રહે તે તરફ પૂરતુ ધ્‍યાન આપવામાં આવશે. નવી વ્‍યવસ્‍થાથી અપીલમાં જવા અંગેનો નિર્ણય લેવામાં ઝડપ વધશે.

 

હાથ મિલાવવાના બદલે હાથ જોડવાની પ્રથા રાખીએ

વારંવાર હાથ ધોઇએ : ઋષિકેશ પટેલ

રાજકોટ : ગઇકાલે અકિલા કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાતે આવેલા રાજ્‍યના આરોગ્‍ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે કોરોનાની મહામારી રાજ્‍યમાં સાવ હળવી થઇ ગયાનો આનંદ વ્‍યકત કરી જણાવેલ કે, કોરોનાથી ડરવાની જરૂર નથી પણ સાવચેતી જરૂરી છે. લોકોએ વારંવાર હાથ ધોવાની ટેવ રાખવી જોઇએ. એકબીજાને મળેલીએ ત્‍યારે હાથ મિલાવવાને બદલે હાથ જોડવાની પધ્‍ધતિ વધુ અનુસરવી જોઇએ. છીંક આવે ત્‍યારે મોઢે અચૂક રૂમાલ રાખવો જોઇએ.

(1:22 pm IST)