Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

રાજકોટ કલેકટર કચેરી ખાતે અલાયદા 'ઈતિહાસ વિભાગ' બનાવાશે:ઐતિહાસિક ધરોહરની જાળવણી માટેનો સ્તુત્ય પગલું

રાજકોટ શહેર અને જિલ્લાની કલા અને સંસ્કૃતિની ઐતિહાસિક ધરોહર પ્રત્યેના જાગરણ, સંરક્ષણ અને દસ્તાવેજીકરણની અનિવાર્યતાને ધ્યાને લઈને અલાયદા ઇતિહાસ વિભાગની રચના કરવા કલેકટર મહેશ બાબુનો નિર્ણય

રાજકોટ :કલા અને સંસ્કૃતિની અમૂલ્ય ધરોહરની ઓળખ અને સંરક્ષણ કરવુ એ આપણી અગત્યની નૈતિક જવાબદારી છે એવી સ્પષ્ટ વિચારધારા ધરાવતા રાજકોટ કલેકટર મહેશ બાબુએ રાજકોટ શહેર અને જિલ્લાની કલા અને સંસ્કૃતિની ઐતિહાસિક ધરોહર પ્રત્યેના જાગરણ, સંરક્ષણ અને દસ્તાવેજીકરણની અનિવાર્યતાને ધ્યાને લઈને રાજકોટ કલેકટર કચેરી ખાતે અલાયદા 'ઈતિહાસ વિભાગ'ની રચના કરવાનો નિર્ણય કરેલ છે.

પ્રસ્તાવિત 'ઈતિહાસ વિભાગ' માં રાજકોટ શહેર તથા જિલ્લાનાં ભવ્ય ઈતિહાસ સંબંધિત દસ્તાવેજો, ચિત્રો, ફોટાઓ, ફિલ્મો, શ્રાવ્ય સંગ્રહ, કૃતિઓ, રચનાઓ વિગેરેનાં અવિરત એકત્રિકરણ તથા સંગ્રહ તેમજ જનસામાન્ય દ્વારા તેના ઉપયોગ તેમજ આ સર્વે માહિતીઓના ડિઝીટાઈઝેશન થકી મહતમ લોકભોગ્ય આયોજનનો ચિતાર રજૂ કરવામાં આવેલ હતો.
કલેકટર મહેશ બાબુની અધ્યક્ષતામાં રાજકોટ ઈન્ટેક ચેપ્ટરનાં અધ્યક્ષ સુ.શ્રી રિધ્ધીબેન શાહ, ચેપ્ટરનાં સદસ્યા સુ.શ્રી માસુમા ભારમલ, ડિસ્ટ્રીકટ યુથ ડેવલપમેન્ટ ઓફિસર ધર્મરાજસિંહ વાઘેલા, સ્ટેટ આર્કિઓલોજીકલ ડિપાર્ટમેન્ટનાં પ્રતિનિધિઓ સમર્થ ઈનામદાર તથા શ્રી હાર્દિક જોષી તેમજ પ્રવાસન વિભાગનાં રવિન્દ્ર રૂપારેલીયાની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલ મુલાકાત દરમ્યાન રાજકોટનાં ભવ્ય ઈતિહાસને ઉજાગર અને સંરક્ષીત કરવાનાં ભગીરથ પ્રયાસને સફળ બનાવવા માટેની રાજકોટ કલેકટર દ્વારા હાથ ધરાયેલ આ સ્તુત્ય શરૂઆત નિઃશંકપણે સિમાચિન્હરૂપ બની રહેશે.

(8:45 pm IST)