Gujarati News

Gujarati News

News of Friday, 21st January 2022

પીએસઆઇ-એલઆરડીના ભરતી કોૈભાંડઃ ક્રિષ્‍ના અને જેનીશ કોર્ટહવાલેઃ ક્રિષ્‍ના અને આરીફ બે'ય એકબીજાને ઉલ્લુ બનાવતા'તા

દિલ્‍હીના આરીફના મોબાઇલ ફોનમાંથી કોલ લેટર મળ્‍યોઃ કમિશનની લાલચે રેલનગરના દરજી પ્રોૈઢ નિલેષ મકવાણાએ ક્રિષ્‍નાને પોતાની ઓફિસમાં ઉમેદવારો સાથે બેઠક કરાવી હોઇ તેની પણ ધરપકડ

કોૈભાંડમાં સામેલ ક્રિષ્‍ના ભરડવા, જેનીશ પરસાણા, આરીફ સિદ્દીકી અને નિલેષ મકવાણા
રાજકોટ તા. ૨૧: પીએસઆઇ અને એલઆરડીમાં કોઇપણ જાતની પરિક્ષા આપ્‍યા વગર ગાંધીનગરથી સીધો નોકરીનો જોઇનીંગ લેટર અપાવી દેવાની લાલચ આપી રાજકોટના ૧૨ ઉમેદવારો સાથે પંદર લાખની ઠગાઇના કોૈભાંડમાં પોલીસે મુળ જુનાગઢની અને કેન્‍યામાં છુટાછેડા થયા બાદ રાજકોટ અલગ અલગ હોટેલમાં રહેતી ક્રિષ્‍ના શામજીભાઇ ભરડવા તથા તેના સાથી જામનગરના જેનીશ ભરતભાઇ પરસાણાને ગાંધીગ્રામ પોલીસે પકડયા બાદ દિલ્‍હીના ઠગ આરીફ હનીફભાઇ સિદ્દીકી અને રાજકોટમાં ક્રિષ્‍નાએ ઉમેદવારો પાસેથી પૈસા ઉઘરાવવા જેની ઓફિસમાં બેઠક રાખી હતી એ ઓફિસ સંચાલક રેલનગરના દરજી પ્રોૈઢને પણ આ કોૈભાંડમાં સંડોવણી ખુલતાં ઝડપી લેવાયા છે. ક્રિષ્‍ના અને જેનીશના આજે રિમાન્‍ડ પુરા થતાં કોર્ટ હવાલે કરવા તજવીજ થઇ છે.
ભગવતીપરાના આશિષ સિયારામભાઇ ભગત (ઉ.વ.૨૪) નામના ભરવાડ યુવાનનો સંપર્ક બેંક ઓફ બરોડાના એક કર્મચારી મારફત ક્રિષ્‍ના ભરડવા સાથે થયો હતો. આશિષ સહિતના બાર યુવક યુવતિ રેસકોર્ષમાં પીએસઆઇ એલઆરડીની શારીરિક પરિક્ષાની તૈયારી કરતાં હોઇ ક્રિષ્‍નાએ કોઇપણ જાતની શારીરિક કે લેખિત પરિક્ષા વગર સીધા જ પીએસઆઇ એલઆરડીના જોઇનીંગ લેટર પોતે અપાવી દેશે તેવી લાલચ આપતાં આશિષ સહિતના બાર જણાએ ક્રિષ્‍ના અને તેના સાથી જેનીશને પંદર લાખ ચુકવ્‍યા હતાં. પણ પરિક્ષાનું પરિણામ જાહેર થતાં પૈસા ચુકવનારા આ બારમાંથી એકેય પાસ ન થતાં કોૈભાંડ છાપરે ચડયું હતું. ડીસીપી મનોહરસિંહ જાડેજાને મળેલી માહિતીને આધારે તપાસ શરૂ થયા બાદ સુત્રધાર ક્રિષ્‍ના અને જેનીશને પકડી લેવાયા હતાં.
બંનેના રિમાન્‍ડ મળતાં વિશેષ પુછતાછ થતાં ક્રિષ્‍નાએ પોતે કેન્‍યા હતી ત્‍યારે ત્‍યાંના એક મિત્ર મારફત દિલ્‍હીના આરીફ સિદ્દીકી સાથે સંપર્ક થયો હતો. આરીફ દિલ્‍હીમાં મોટા રાજકીય લોકો સાથે પરીચય ધરાવતો હોવાનું અને કોઇપણ કામો થઇ જતાં હોવાનું તેમજ પોતે પરિક્ષાઓમાં પાસ કરાવી દેતો હોવાનું કહેતો હોઇ તેણે રાજકોટના ઉમેદવારો પાસેથી ઉઘરાવેલી રકમમાથી દસ લાખ આરીફને મોકલ્‍યાનું રટણ કર્યુ હતું.
આથી પોલીસની ટીમ દિલ્‍હી અને બેંગ્‍લોર પહોંચી હતી. આરીફ દિલ્‍હીથી હાથ લાગ્‍યો નહોતો. પણ બેંગ્‍લોરથી મળી જતાં રાજકોટ ઉઠાવી લાવી પુછતાછ શરૂ થતાં ક્રિષ્‍ના, આરીફ અને જેનીશે એકબીજા પર દોષોરોપણ કરી પોલીસને ગોથે ચડાવી હતી. પણ વિસ્‍તૃત પુછતાછ થતાં આરીફે કબુલાત આપી હતી કે પોતે રાજકોટ ક્રિષ્‍નાને મળવા આવ્‍યો હતો અને એરપોર્ટ રોડ પરની હોટેલમાં તેણી રોકાઇ હોઇ ત્‍યાં બેઠક કરી હતી. પીએસઆઇ એલઆરડીની પરિક્ષામાં પાસ કરાવવાની વાત પણ ક્રિષ્‍ના સાથે થઇ હતી. આ આધારે આરીફની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. આરીફના મોબાઇલમાંથી કોલ લેટર પણ મળી આવ્‍યો હોઇ તેની સંડોવણી પણ સ્‍પષ્‍ટ થઇ હતી.
ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું કે ક્રિષ્‍નાએ એવી કબુલાત આપી હતી કે બાર ઉમેદવાર પૈકી આશિષ સહિતના પ્રથમ પાંચ ઉમેદવારો પાસેથી પૈસા મેળવવા અને બેઠક કરવા રેલનગર-૨, શ્રીનાથજી પાર્ક મેઇન રોડ પિતૃ કૃપા ખાતે રહેતાં નિલેષ નાનાલાલ મકવાણા (દરજી) (ઉ.૫૩)ની નાના મવા રોડ પરની નિલેષની ઓફિસમાં બધા ભેગા થયા હતાં. ક્રિષ્‍નાના ઓળખીતા મારફત નિલેષનો અને ક્રિષ્‍નાનો ભેટો થયો હોઇ પોતે જે ઉમેદવાર આવશે તેમાંથી કમિશન આપશે તેવી લાલચ ક્રિષ્‍નાએ દરજી પ્રોૈઢને પણ આપી હોઇ તેણે પોતાની ઓફિસમાં બેઠક કરાવી દીધી હતી. આથી તેની પણ ધરપકડ કરવામાં આવી છે. કેન્‍યામાં પણ ચીટીંગના ગુનામાં ક્રિષ્‍ના એકાદ મહિનો જેલમાં રહી હોવાનું પણ ખુલ્‍યું છે. તે દિલ્‍હીના આરીફને એવું કહેતી હતી કે મારે કેન્‍યામાં સોનાની ખાણે છે અને સોનુ વેચવાનું છે. જ્‍યારે આરીફ તેને પોતે મોટા સરકારી અધિકારીઓ સાથે ઓળખ હોવાનું કહેતો હતો. આરીફના મોબાઇલમાંથી કોલ લેટર સહિતનું મળ્‍યું હોઇ તેની તપાસ થઇ રહી છે. આમ આ બંને એક બીજાને ખોટી માહિતીઓ આપી પોતે કંઇક છે એવુ દેખાડવા પ્રયાસ કરતાં હતાં. ક્રિષ્‍નાનો હવે પછી માલવીયાનગર પોલીસના ગુનામાં કબ્‍જો લેવામાં આવશે.  
ક્રિષ્‍ના અને જેનીશના રિમાન્‍ડ આજે પુરા થતાં બપોરે કોર્ટ હવાલે કરવા તજવીજ થઇ હતી. જ્‍યારે દિલ્‍હીના આરીફ અને રેલનગરના નિલેષની વિશેષ પુછતાછ માટે રિમાન્‍ડની તજવીજ થશે. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ જનકસિંહ જી. રાણા, એએસઆઇ હીરાભાઇ રબારી, હેડકોન્‍સ. ખોડુભા જાડેજા, કોન્‍સ. વનરાજભાઇ લાવડીયા, ભરતભાઇ ચોૈહાણ, દિવ્‍યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ, દિનેશભાઇ વહાણીયા, ક્રિષ્‍નાબા ચોૈહાણ, ભુમિકાબા ચોૈહાણ સહિતની ટીમ વધુ તપાસ કરે છે.

 

(4:01 pm IST)